ઉપલેટા પંથકમાં વાવાઝોડું ખેતરો પર એવું તો ત્રાટક્યું કે...! બાગાયતી પાક લેતા ખેડૂતોની દશા બેઠી

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં થયેલા વાવાઝોડાના કારણે બાગાયત પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાવાઝોડું અને કમોસમી વરસાદ ખેડૂતો માટે કહેર બનીને આવ્યું છે.

ઉપલેટા પંથકમાં વાવાઝોડું ખેતરો પર એવું તો ત્રાટક્યું કે...! બાગાયતી પાક લેતા ખેડૂતોની દશા બેઠી

દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા: વાવાઝોડાના કારણે બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેળાના પાકને નુકસાન થયું છે. વાવાઝોડાના કારણે કેળ જમીન દોસ્ત થયા છે. હવે ખેડૂતો સરકાર ક્યારે મદદ કરશે તેના પર મીટ માંડીને બેઠા છે.

ચોમાસાની શરુઆત થાય તે પહેલા ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ અને કમોસમી વરસાદની સ્થિતિના કારણે સૌથી વધુ ફટકો ખેડૂતોને પડી રહ્યો છે. આવામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં થયેલા વાવાઝોડાના કારણે બાગાયત પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાવાઝોડું અને કમોસમી વરસાદ ખેડૂતો માટે કહેર બનીને આવ્યું છે. જેના કારણે તેમનો તૈયાર થયેલો પાક જમીન દોસ્ત થતા ખેડૂતોને માઠી અસર પડી રહી છે.

ઉપલેટા પંથકના વિસ્તારમાં બે દિવસ પહેલા આવેલું વાવાઝોડું એવું તો ભયાનક હતું કે, આ વિસ્તારના ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. પોતાના જીવનમાં આવું વાવાઝોડું જોયું નથી તેવી ખેડૂતોનું કહેવું છે. આ ભયાનક વાવાઝોડાએ ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતો કે જેમણે કેળાની ખેતી કરી છે. તેમના ખેતરો પર એવું તો ત્રાટક્યું કે તેમણે મહામુસીબતે કરેલ ખેતીની ઉપજ જમીન દોસ્ત થઈ ગઈ છે.

ખાસ કરીને કેળાના ખેતી કરતા ખેડૂતો કે જેમને માત્ર એક મહિના જેવા  ટૂંક સમયમાંજ ઉપજ લેવાની હતી પણ હાલ કફોડી હાલત બની છે. ઘણાં બાગાયતી પાકને એવું નુકસાન થયું છે કે તેમની મહેનત અને ખર્ચ એળે ગયો હોય તેવી સ્થિત બની છે. કેળની ખેતીમાં આખી વર્ષ મહેનત કર્યા પછી મહેનતનું વળતર મળશે તેવી આશા બંધાઈ હતી પણ જાણે કુદરત રૂઠી હોઈ તેમ તેમની આશા પર પાણી ફેરવી દીધું છે.

ઉપલેટાના ભાદર નદીના કિનારે આવેલ વીડી ધાર વિસ્તારમાં આવેલ બાગાયતી ખેતી કરતા ખેડૂતના કહેવા પ્રમાણે અહી વાવાઝોડાને કારણે આ વિસ્તારમાં લગભગ 500 વિઘામાં 28 થી 30 ખેડૂતો દ્વારા બાગાયત પાકોનું વાવેતર કરવામાં આવેલ છે જેમાં વાવાઝોડાના કારણે નુકસાન થયું છે. ખેડૂતને જે નુકસાની થઈ છે તેને લઈ સરકાર વધુ નહિ પણ થોડી ગણી પણ સહાય આપે તો તેઓ બેઠા થઈ શકે છે.એક તરફ બાગાયતી અને રોકડ્યા ખેતી તરફ વળવા માટે સરકાર પ્રોત્સાહન આપે છે. પણ જ્યારે કુદરતી આફતને લઈ ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે તેને વળતર માટે વલખા મારવા પડી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જેના કારણે બાગાયતી પાક તરફ વળેલા ખેડૂતોને હવે ભવિષ્ય અંગે ડર સતાવી રહ્યો છે. 

ખાસ કરી ને બાગાયતી ખેતી કરતા ખેડૂતોને જે વાવાઝોડાથી નુકસાન થયું છે જેના કારણે તેઓ પાયમાલ બની ગયા છે. બચત કરેલ મૂડી પણ રહી નથી ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી એક આશા રાખીને બેઠા છે કે સરકાર તેમને મદદ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news