ખતરનાક ખેલાડી નીકળ્યો બેંકનો કેશિયર, ગ્રાહકના અસલી સોનાને નકલી સોના સાથે બદલી દીધું

Bank Fraud : ઓડિટ દરમિયાન બેંકમાં મુકેલા એક ગ્રાહકના 19.59 લાખની કિંમતના દાગીના નકલી હોવાનું બહાર આવ્યું હતું. આથી બેંકનો સ્ટાફ ચોંકી ગયો હતો
 

ખતરનાક ખેલાડી નીકળ્યો બેંકનો કેશિયર, ગ્રાહકના અસલી સોનાને નકલી સોના સાથે બદલી દીધું

Bank Fraud નિલેશ જોશી/વાપી : વાપીની એક બેંકના કેશિયરે જ બેંકના એક ગ્રાહક અને બેંકનું બૂચ માર્યું છે. ગ્રાહકે ગોલ્ડ લોનના બદલામાં બેંકમાં ગીરવે મુકેલા સોનાના અસલી દાગીનાને બદલે નકલી દાગીના મૂકી અને છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે બેંક દ્વારા બેંકના કેશિયર વિરૂધ ફરિયાદ દાખલ થતાં. વાપી ટાઉન પોલીસે બુચમાર કેશિયરની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વાપીના ચલા વિસ્તારમાં આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં વાપીના છરવાડા રોડ વિસ્તારમાં રહેતા એક એક મહિલા ગ્રાહકે ગોલ્ડ લોન લેવા પોતાના અસલી દાગીના ગીરવે મૂક્યા હતા. બેંકના આ મહિલા ગ્રાહકે પોતાના 19.59 લાખની કિંમતના અસલી દાગીના ગીરવે મૂકી બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી. ત્યાર બાદ વર્ષ 2022 ના ડિસેમ્બર મહિનામાં બેંકનું રૂટીન ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં કેરળ જ્વેલરી વર્કસ દ્વારા બેંકમાં ગોલ્ડ લોન લેવા માટે ગ્રાહકોએ મુકેલા દાગીનાનું ઓડિટ કરવામાં આવ્યું હતું. 

આ ઓડિટ દરમિયાન બેંકમાં મુકેલા એક ગ્રાહકના 19.59 લાખની કિંમતના દાગીના નકલી હોવાનું બહાર આવ્યું હતું. આથી બેંકનો સ્ટાફ ચોંકી ગયો હતો. જોકે ત્યારબાદ બેંકની હેડ ઓફિસમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. આથી હેડ ઓફિસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. અને તપાસમાં હકીકત બહાર આવી હતી. અને બેંકના કોઈ કર્મચારીએ જ ગ્રાહકના મુકેલા અસલી દાગીનાને બદલે નકલી દાગીના મૂકી અને છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું. આથી બેંકના મેનેજર એ આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ આ મામલે પોલીસે તપાસ કરી હતી. તપાસ દરમિયાન બેંકના અન્ય સ્ટાફ અને મેનેજરના પણ નિવેદનો અને ફરિયાદના આધારે બેંકમાંથી અસલી દાગીનાની ઉઠાંતરી કરી અને નકલી દાગીના મૂકનાર કોઈ અન્ય નહીં, પરંતુ બેંકનો જ કેશિયર હોવાનું બહાર આવ્યું હતું. બેંકના સીસીટીવી ફૂટેજ તપાસતા બેંકના કેશિયર વિપુલ મનચંદાની શંકાસ્પદ હરકત દેખાઈ હતી. બેંકનો કેશિયર શંકાસ્પદ રીતે બેંકના સેફ વોલ્ટમાં ગયો હતો, જ્યાં ગ્રાહકોના દાગીના મુકેલા હતા. તે વિસ્તારમાં પણ બિનજરૂરી રીતે શંકાસ્પદ હિલચાલ કરી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યાં ગ્રાહકોના અસલી દાગીના મુકેલા હતા તે વિસ્તારમાં પણ તેની હાજરી દેખાઈ હતી. આ હકીકત બહાર આવતા વાપી ટાઉન પોલીસે આ મામલામાં બેંકના કેશિયર વિપુલ મનચંદાની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. 

આમ વાપીના ચલાની યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના કેશિયરે કરેલું એક કારસ્તાન બહાર આવ્યું છે. આથી અત્યાર સુધી આરોપી કેશિયરે એક ગ્રાહકના દાગીના બદલ્યા હોવાની હકીકત બહાર આવી છે. જોકે હવે આ કેસિયરે અન્ય જે જગ્યાએ ફરજ બજાવી હતી. ત્યાં પણ આવી રીતે કોઈ કારસ્તાન કર્યું છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news