પીએમ મોદી રાજકોટથી લડી શકે ચુંટણી? ભાજપના 2 નેતાઓએ આપ્યું અલગ અલગ નિવેદન

આજ થી ૩ દિવસ ચાલનારી સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો દ્વારા દાવેદારો અને પક્ષના અગ્રણીઓની વાત સાંભળી પ્રદેશ મવડી મંડળને રીપોર્ટ સુપ્રત કરશે. ત્યારે આજે રાજકોટ લોકસભા બેઠકની સેન્સ માટે આવેલ નિરીક્ષકોના અલગ અલગ નિવેદન સામે આવ્યા હતા.

પીએમ મોદી રાજકોટથી લડી શકે ચુંટણી? ભાજપના 2 નેતાઓએ આપ્યું અલગ અલગ નિવેદન

રક્ષિત પંડ્યા, રાજકોટ: લોકસભાની ચુંટણીને લઇ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે સેન્સ કાર્યવાહીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આજ થી ૩ દિવસ ચાલનારી સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો દ્વારા દાવેદારો અને પક્ષના અગ્રણીઓની વાત સાંભળી પ્રદેશ મવડી મંડળને રીપોર્ટ સુપ્રત કરશે. ત્યારે આજે રાજકોટ લોકસભા બેઠકની સેન્સ માટે આવેલ નિરીક્ષકોના અલગ અલગ નિવેદન સામે આવ્યા હતા. આ બેઠક પર પ્રધાનમંત્રી મોદી ચુંટણી લડી શકે અને ન લડી શકે એવા બે અલગ અલગ નિવેદન નિરીક્ષકો દ્વારા આપવામાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રની બેઠકો પર આગામી ૩ દિવસ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે સૌરાષ્ટ્રના પાટનગરમાં રાજકોટ ખાતે સેન્સની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલ રાજકોટ નિરીક્ષકો નરહરી અમીન, બાબુભાઈ જેબલીયા અને જયાબેન ઠક્કર દ્વારા રાજકોટ લોકસભા બેઠકના દાવેદારો અને અપેક્ષિત કાર્યકર્તા સાથે સેન્સ યોજી છે. સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયેલ સેન્સમાં પ્રથમ જસદણ વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા અને અગ્રણીઓની સેન્સ લેવામાં આવી હતી.

આમ એક બાદ એક તમામ સાત વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા અને અગ્રણીઓની સેન્સ લેવામાં આવશે. એક તરફ રાજકોટમાં ચાલુ સાંસદ મોહન કુંડારિયાનો સ્થાનિક વિરોધ હોવાની ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી લડશે એ વાતની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમાં ખાસ રાજકોટ આવેલા બન્ને નિરીક્ષકોના અલગ અલગ નિવેદન સામે આવતા ચર્ચાને ચઢું વેગ મળ્યો છે. નિરીક્ષક બાબુ જેબલિયાએ જણાવ્યું કે કાર્યકર્તા સક્ષમ છે મોડી રાજકોટથી લડેએ વાતમાં દમ નથી. તો બીજી તરફ નરહરી અમીન જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી રાજકોટથી લડે તો સૌરાષ્ટ્રને ફાયદ્દો થઇ શકે છે.

શા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી લડી શકે ચુંટણી..?
રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવી રહ્યું છે. રાજકોટ સાથે પ્રધાનમંત્રીનો નાતો કૈક અલગ છે, કારણ કે વિધાનસભાની પ્રથમ ચુંટણી તેઓ રાજકોટથી લડ્યા હતા અને ત્યારબાદ તેઓ મૂખ્યમંત્રી તરીકે ગુજરાતમાં ફરજ બજાવી હતી. આજે તેઓ પ્રધાનમંત્રી થયા બાદ તેમના દ્વારા ચાલુ વર્ષે રાજકોટ અને સૌરાષ્ટ્રને વિશેષ ભેટ આપવામાં આવી છે.

રાજકોટ ને કેન્દ્ર સરકાર દ્વારા એઈમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં નર્મદા નીર પહોચાડવા અને ફોર લેન હાઈવેને સિક્સ લેન માટે મંજુરી આપવા સહીતની ભેટ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. જો કે આ અંગે રાજકોટ બેઠકના નિરીક્ષક બાબુ જેબલિયાએ આ વાતને દમ વગરની ગણાવી હતી અને કહ્યું હતું કે, માત્ર રાજકોટ નહિ અન્ય મહાનગર એટલે કે રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદનો પણ વિકાસ થઇ રહ્યો છે. જો કે પ્રધાનમંત્રી રાજકોટથી ચુંટણી લડે તો તમામ લોકોને ફાયદો થશે તેવું કાર્યકર્તાઓ માની રહ્યા છે.

ભાજપની સેન્સ કાર્યવાહી શરુ થયા પહેલા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભાજપના ટીકીટવંછુ દાવેદારોમાં આતર પ્રવાહો તેજ બની ગયા છે. જો કે સેન્સ આજે સેન્સ કાર્યવાહી તો થશે સાથે જ સેન્સ બાદ રીપોર્ટ મવડી મંડળમાં સોપવામાં આવશે તેવામાં હાલ રાજકોટના ચાલુ સાંસદ મોહન કુંડારિયાનો વિરોધ હોવાની ચર્ચા ચાલી રહી છે અને બીજી તરફ સેન્સ લેવા આવેલ નિરીક્ષકોના બે અલગ અલગ નિવેદનથી વધુ એક ચર્ચાએ વેગ પકડ્યું છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર ચાલુ સાંસદને રીપીટ કરવામાં આવશે કે પછી પ્રધાનમંત્રી ખુદ આ બેઠક પરથી ચુંટણી લડશે તે તો મવડી મંડળની જાહેરાત બાદ માલુમ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news