માસ પ્રમોશન બાદ ધોરણ-11 માં ક્યાંય વર્ગખંડ નહિ ખૂટે : શિક્ષણ બોર્ડના સેક્રેટરી

માસ પ્રમોશન બાદ ધોરણ-11 માં ક્યાંય વર્ગખંડ નહિ ખૂટે : શિક્ષણ બોર્ડના સેક્રેટરી
  • ગુણાંક બાબતે શાળાના આચાર્યોના પ્રશ્નો બાબતે ટ્રેનિંગ આપવામાં આવી છે. જોકે, હાલ સ્કૂલે ફી પરત કરવા બાબતે કોઈ નિર્ણય બોર્ડ દ્વારા નથી કરવામાં આવ્યો. જ્યારે ધોરણ 12 ની માર્કશીટ અંગે પણ હજુ કોઈ નિર્ણય નથી કર્યો

હિતલ પારેખ/ગાંધીનગર :ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું કઈ રીતે પરિણામ તૈયાર કરવું તેની તાલીમ યોજાઇ. જેમાં ગુજરાતની તમામ સ્કૂલના શિક્ષકો, આચાર્ય અને વહીવટી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. GSEBની યુટ્યૂબ ચેનલ વંદે ગુજરાતની ચેનલ 1 દ્વારા આ ઓનલાઈન તાલીમ શરૂ થઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનાં અધિકારીઓ દ્વારા તમામ જરૂરી માહિતી આપવામાં આવી રહી છે કે, કેવી રીતે પરિણામ તૈયાર કરવું. જોકે, આ તાલીમમાં ધોરણ 12ની માર્કશીટ અંગે કોઈ તાલીમ આપવામાં આવી નથી. 

શાળાઓને પરિણામ તૈયાર કરવાની ટ્રેનિંગ અપાઈ 
ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કોવિડના કારણે આપવામાં આવેલા માસ પ્રમોશન બાદ તેના પરિણામો બાબતે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓએ ગઈકાલે બાયસેગના માધ્યમથી રાજ્યની તમામ શાળાઓના કર્મચારીઓ ને માહિતી આપી હતી. ગુણાંક બાબતે પણ ટ્રેનિંગમા માહિતી આપવામાં આવી હતી. ટ્રેનિંગમા ઉપસ્થિત રહેલા માધ્યમિક શિક્ષણ બોર્ડના સેક્રેટરી ડી એસ પટેલે આ બાબતે માહિતી આપતા કહ્યું હતું કે, ગુણાંક બાબતે શાળાના આચાર્યોના પ્રશ્નો બાબતે ટ્રેનિંગ આપવામાં આવી છે. જોકે, હાલ સ્કૂલે ફી પરત કરવા બાબતે કોઈ નિર્ણય બોર્ડ દ્વારા નથી કરવામાં આવ્યો. જ્યારે ધોરણ 12 ની માર્કશીટ અંગે પણ હજુ કોઈ નિર્ણય નથી કર્યો. 

ધોરણ-11 માં વર્ગખંડ નહિ ખૂટે 
તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સામે વર્ગખંડોની ઉપલબ્ધતા બાબતે પણ બોર્ડના સેક્રેટરીએ કહ્યું હતું કે, નવી શાળાઓને મંજૂરી અપાઈ રહી છે. કુલ 286 શાળાઓની અરજીમાંથી 10 અરજી ધોરણ 11 માટે છે. ધોરણ 11 માં કોઈ વર્ગખંડ ખૂટશે નહિ. 

આવતીકાલથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે 
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે આવતીકાલે 7 જૂનથી ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ થશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ જ આપવાનું રહેશે તેવુ કહેવાયુ છે. રાજ્ય સરકારની સૂચના ન મળે ત્યાં સુધી શાળાએ બાળકોને કે વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે નહિ તેવો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news