પુલવામામાં શહીદ થયેલા જવાનોના માનમાં ગુજરાતમાં વેપારીઓનું આજે બંધનું એલાન

ગુજરાતના લોકો દ્વારા ઠેરઠેર ગત રાત્રે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તો આજે રાજ્યના વેપારીઓ દ્વારા દુકાનો અને ઓફિસો બંધ રાખી શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે.

પુલવામામાં શહીદ થયેલા જવાનોના માનમાં ગુજરાતમાં વેપારીઓનું આજે બંધનું એલાન

અમદાવાદ: જમ્મૂ કાશ્મીરના પુલવામા આતંકવાદીઓ દ્વારા કાયરતા પૂર્વક હુમલો કરતા સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થયા છે. આ આતંકી કૃત્યના કારણે શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશમાંથી લોકો શ્રદ્ધાંજલી આર્પણ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતના લોકો દ્વારા ઠેરઠેર ગત રાત્રે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તો આજે રાજ્યના વેપારીઓ દ્વારા દુકાનો અને ઓફિસો બંધ રાખી શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે.

જમ્મૂ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં CRPFના 40થી વધુ જવાનો શહીદ થયા છે. ત્યારે આતંકવાદીઓના આ હુમલાને લઇને દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો દુનિયાભરમાંથી આ હુમલાની ટીકા પણ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગઇ કાલે દરિયાપુર હાર્ડવેર હોલસેલ મર્ચન્ટ એસોસિએશન અને અખિલ ગુજરાત હાર્ડવેર એસોસિએશન દ્વારા લગભગ 400થી વધુ દુકાનો બંધ રાખીને દરિયાપુર દરવાજા પાસે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પાકિસ્તાન અને આતંકીઓ વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

આ ધરણામાં મોટી સંખ્યામાં દુકાનદારો જોડાયા અને રોષ વ્યક્ત કરતા ત્વરિત ભારતીય સૈન્ય અને સરકાર આતંકીઓ અને પાકિસ્તાન સામે પગલા લે તેવી માગ કરી હતી. તો સાથે જ મોટી સંખ્યામાં હાજર રહેલા દુકાનદારોએ મૌન ધારણ કરીને શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી પણ આપી હતી અને જરૂર પડે તો તમામ પ્રકારની મદદ માટે તૈયારી પણ દર્શાવી હતી. આ સાથે કાલુપર ફ્રૂટ માર્કેટ, ઢાલગરવાડ બજાર, રિલીફ રોડ સહીતના શહેરના વેપારી મંડળોએ શહીદો જવાનોને શ્રદ્ધાંજલી આપવા એક દિવસનું બંધનું એલાન જાહેર કર્યું છે.

તો બીજી બાજુ વડોદરાના હાથી ખાના અનાજ માર્કેટના વેપારીઓ દ્વારા આતંકવાદી હુમલામાં શહીદ જવાનોના માનમાં આજે વેપાર બંધ રાખી તેમને શ્રદ્ધાંજલી આપશે. આ સાથે રાત્રીના ખાણી પીણી માર્ટેકના ધારકો પણ આ બંધમાં જોડાશે અને રાત્રી બજાર ખતા કેન્ડલ સળગાવી શહીદોને શ્રદ્ધાંજલી આપશે. જ્યારે સુરતના કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા શહીદને શ્રદ્ધાંજલી આપવા માટે કાપડ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ માર્કેટના વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news