ગુજરાતના ખેડૂતો માટે લાભ પાંચમનું મુહૂર્ત ફળ્યું, આજથી ટેકાના ભાવે ખરીદી કરાશે
Labh Pancham 2022 : આજે લાભ પાંચમનું પાવન પર્વ... આજના દિવસથી ફરીથી ધમધમતાં થશે વેપાર-ધંધા...આજના દિવસે વેપાર-ધંધા શરૂ કરવાથી થાય છે લાભ...
Trending Photos
અમદાવાદ :આજે લાભ પાંચમનું પાવન પર્વ છે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસે કોઈ પણ નવા કામની શરૂઆત કરવી ખૂબ શુભ અને ફળદાયી હોય છે. હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓ મુજબ આ દિવસે કોઈ નવો વેપાર શરૂ કરે છે તો તેને ફાયદો થાય છે. આ તહેવાર ન માત્ર ગુજરાતમાં, પરંતુ દેશભરમાં ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આજના દિવસે વેપારી નવા ખાતાવહી શરૂ કરે છે. ખાતાવહીમાં લાલ કંકુથી શુભ-લાભ લખે છે અને ભગવાન ગણેશનો નામ લખાય છે અને સાથિયો પણ બનાવે છે. આ દિવસે મંત્રોથી ભગવાન ગણેશનો ધ્યાન કરાય છે. વિધિ વિધાનથી આ પર્વને ઉજવીએ છે. આ દિવસે ધન-ધાન્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસથી વેપારીઓ તેમના ધંધો વેપારની શરૂઆત કરે છે દુકાન ખોલે છે, જેનાથી માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપાથી સુખ- સમૃદ્ધિ મળે છે. આજના દિવસે ધનની દેવા લક્ષ્મીની સાથે વિદ્યાની દેવી શારદાની પણ પૂજા કરાય છે.
તો સાથે જ ખેડૂતો માટે આજનો લાભપાંચમનો દિવસ મહત્વનો છે. ગુજરાતમાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. મગફળી, મગ, અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. સાથે જ સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી થશે. આજથી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી ચાલશે. ગુજરાતના 50 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી ચાલશે.
ગુજરાત સરકારે મગફળીનો મણનો ભાવ 1170 સરકારે જાહેર કર્યો છે. તો મગનો મણનો ભાવ સરકારે 1551 જાહેર કર્યો છે. તો અડદનો મણનો ભાવ 1320 જાહેર કર્યો છે. સોયાબીનનો મણનો ભાવ 860 જાહેર કર્યો છે.
આ વિશે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે, ખેડૂતોની આવક ડબલ કરવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લક્ષ્યાંક છે. આજથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની પ્રાઈઝ સ્પોર્ટ સ્કીમ હેઠળ ખરીદી શરૂ થશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેથી સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરે છે. જરૂર પડશે તો આ કેન્દ્રો વધારવામાં પણ આવશે. ગત વર્ષે મગફળી, ચણાની ખરીદી કરી હતી. 3.78 લાખ ખેડૂતો પાસે થી ખરીદી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં 9,79,000 મેટ્રિક ટન મગફળી, 9588 મેટ્રિક ટન મગ, 23872 મેટ્રિક ટન અડદ, 81820 મેટ્રિક ટન સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે મંજૂરી સરકારે આપી છે. રૂપિયા 6315 કરોડની રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે