રાજ્યસભાની 2 બેઠકો માટે આજે જંગ, કોંગ્રેસમાંથી કોણ ક્રોસ વોટિંગ કરશે તેના પર સૌની નજર

આજે રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે સાંજે સાડા ચાર કલાકે જ મતગણતરી યોજાશે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે. 

રાજ્યસભાની 2 બેઠકો માટે આજે જંગ, કોંગ્રેસમાંથી કોણ ક્રોસ વોટિંગ કરશે તેના પર સૌની નજર

અમદાવાદ :આજે રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે સાંજે સાડા ચાર કલાકે જ મતગણતરી યોજાશે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે. ભાજપે ચૂંટણી મેદાને ઉતારેલા બંને ઉમેદવારની જીત નિશ્વિત માનવામાં આવી છે, પણ ઔપચારીક રીતે મતદાન યોજાશે. ભાજપે તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે એક લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. જ્યારે કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે. 

રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે બાલારામ રિસોર્ટથી કોંગ્રેસના નેતાઓ નીકળી ચૂક્યા છે. તેઓ અંદાજે 10 કલાકની આસપાસ વિધાનસભા પહોંચીને મતદાન કરશે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તેમના નેતાઓને બે દિવસથી બાલારામ રિસોર્ટમાં રાખ્યા હતા. આજે યોજાનારી રાજ્યસભાની પેટા ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગના ભયથી તમામ ધારાસભ્યોનો બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા હતા.

કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાઓ
કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટેનો વ્હીપ આપ્યો છે, છતાં પણ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ ધારાસભ્યોમાં સૌથી પહેલુ નામ અલ્પેશ ઠાકોર છે, જેમણે લાંબા સમયથી પક્ષ સામે બાંયો ચઢાવી છે. બીજુ નામ ધવલસિંહ ઝાલાનું છે, જેઓ ક્રોસ વોટિંગ કરે તેવી પણ શક્યતાઓ છે. 

2 સીટ માટે આવી રીતે થશે ઈલેક્શન
રાજ્યસભા ચૂંટણી માટે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી વોટિંગ ચાલશે. ગુજરાત વિધાનસભાના ચોથા માળ પર વોટિંગ થશે. બંને સીટ માટે ધારાસભ્યોને અલગ અલગ વોટિંગ કરવાનું રહેશે. ભાજપના રાજ્યસભા સદસ્ય અમિત શાહની ખાલી સીટનું મતપત્ર સફેદ રંગનું રાખવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની લોકસભામાં જીત્યા બાદ તેમની ગુજરાતની રાજ્યસભાની સીટ ખાલી છે. આ સીટ માટે ગુલાબી રંગનું મતપત્ર રાખવામાં આવ્યું છે. દરેક એક વોટરે બંને સીટ માટે વોટિંગની જગ્યા પર અલગ અલગ વોટિંગ કરવાનું રહેશે. પસંદગીના ઉમેદવારનો અંક ઉમેદવારના નામ આગળ 1 લખવાનું રહેશે. તેના માટે ઈલેક્શન અધિકારી દ્વારા આપવામાં આવેલી પેનનો ઉપયોગ કરવાનો રહેશે.

રાજ્યસભામાં NDA બહુમતીની નજીક
રાજ્યસભામાં અંકગણિત હવે મોદી સરકારના પક્ષમાં આવી રહ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની લોકસભામાં જીત પછી રાજ્યસભાની બંને ખાલી બેઠકો પર પણ ભાજપની જીત સુનિશ્વિત છે. રાજ્યસભામાં NDA બહુમતીની નજીક પહોંચી રહ્યુ છે. રાજ્યસભામાં ભાજપ બહુમતી માટે તનતોડ મહેનત કરી રહ્યુ છે. ત્યારે તે સ્થિતિમાં એકપણ બેઠક ગુમાવવી ભાજપને પોસાય તેમ નથી. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીમાં ભાજપને 1 અને કોંગ્રેસને 1 બેઠક મળે તેમ હતું. પરંતુ ચૂંટણી પંચના જાહેરનામાએ કોંગ્રેસની રહીસહી આશાઓ પર પણ પાણી ફેરવી દીધું. ત્યારે કોણ છે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર અને કેવી રીતે યોજાશે ચૂંટણી? રાજ્યસભાની ચૂંટણીમાં ખરાખરીના
જંગ આ વખતે જોવા મળશે. 

પરસોત્તમ સોલંકી, શંભુજી ઠાકોરે મત માટે સહાયકની માંગ કરી 
ભાજપના ધારાસભ્ય શંભુજી ઠાકોરને ડાયાબિટીસ હોવાના કારણે તેઓએ રાજ્ય સભાનો મત આપવા નહિ જાય. એ માટે સહાયક દ્વારા મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે. ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં શંભુજી ઠાકોરે સ્વીકાર્યું કે, રાજ્યસભાની ચૂંટણી મહત્વની હોવાના કારણે મત તેમનો હાથની ધ્રુજારીના કારણે ખોટો ન પડે એ માટે સહાયક તરીકે પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ રાખ્યા છે. તો બીજી તરફ, રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ પણ ચૂંટણી પંચ સામે કમ્પેનિયનની માંગણી કરી છે. 

ચૂંટણી પહેલા ભાજપની બેઠક યોજાઈ
ચૂંટણીના આગામી દિવસે વિધાનસભા કોન્ફરન્સ હોલ ખાતે ભાજપની બેઠક મળી હતી. આ બેઠકમાં સીએમ રૂપાણી, ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ, જીતુ વાઘાણી અને ભાજપના ઉમેદવાર એસ. જયશંકર ઉપસ્થિત રહ્યાં હતા. ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કેવી રીતે થાય તે અંગે મોકપોલ યોજી સમજણ આપવામાં આવી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news