તથ્યકાંડ બાદ પણ નથી સુધર્યું AMCનું તંત્ર! S.G હાઇ-વે પરની મોટા ભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં!
અમદાવાદના સરખેજથી કર્ણાવતી ક્લબ સુધી એસજી હાઈવે પર વૃક્ષોને કાપવાની આળસના પાપે રોડ પર LED લાઈટો ચાલુ હોવા છતાં અંધારૂં છે અને જનતાના ટેક્સની કમાણી અંધારામાં કારણ વગર સમાણી હોય એવો ઘાટ સર્જાયો છે. જરા જુઓ... કઈ રીતે
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અબજોપતિ નબીરા તથ્ય પટેલે 9 નિર્દોષ લોકોના જીવ લીધા પછી પણ સરકારી તંત્ર જાગ્યું નથી. જી હા....એસજી હાઈવે પર વાહન લઈને જતા વાહનચાલકો સાવધાન. આજે પણ ઈસ્કોન બ્રિજ પર LED લાઈટો બંધ હાલતમાં પડી છે. ZEE 24 કલાક તમને બતાવી રહ્યું છે સરકારી તંત્રની વરવી વાસ્તવિકતા. જરા જુઓ... LED લાઈટો બંધ હોવાથી અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર કેવો અંધારપટ છવાયેલો છે અને મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી વાહનચાલકો પર કેટલું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. અમદાવાદના SG હાઈવે પર નઘરોળ તંત્રની આંખો ખોલતો આ રિપોર્ટ જુઓ.
સૌથી મોટી વાત એ છે કે જ્યાં LED લાઈટો ચાલુ છે ત્યાં પણ વૃક્ષોના કારણે અંધારપટ જોવા મળી રહ્યો છે અને વૃક્ષો ટ્રીમ ન કરવાના કારણે LED લાઈટો માત્ર શોભાના ગાંઠિયા બનીને રહી ગઈ છે. અમદાવાદના સરખેજથી કર્ણાવતી ક્લબ સુધી એસજી હાઈવે પર વૃક્ષોને કાપવાની આળસના પાપે રોડ પર LED લાઈટો ચાલુ હોવા છતાં અંધારૂં છે અને જનતાના ટેક્સની કમાણી અંધારામાં કારણ વગર સમાણી હોય એવો ઘાટ સર્જાયો છે. જરા જુઓ.. કઈ રીતે જનતાના ટેક્સની કમાણી અંધેર તંત્રની બેદરકારીમાં સમાણી છે.
SG હાઈવે પરની સ્ટ્રીટ લાઈટો વૃક્ષોની ઝાડીમાં ઢંકાઈ ગઈ છે અને આ સ્થિતિ એક-બે દિવસથી સર્જાઈ હોય એવું પણ નથી. ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ યોજાઈ ગઈ. G-20 સમિટની બેઠકો યોજાઈ ગઈ. બહારથી આવેલા એ અધિકારીઓ અને ગુજરાતના સરકારના મંત્રીઓ પણ અનેક વખત એસજી હાઈવે પરથી પસાર થઈ ગયા પરંતુ કોઈની આંખો ખુલતી નથી. આ અંધારપટની ચિંતા મંત્રીઓને પણ નથી અને મોટા અધિકારીઓને પણ નથી. કેમ કે, તેમની આગળ પાછળ પોલીસની ગાડીઓ ચાલતી હોય છે. તેમની એસી ગાડીઓમાં વ્હાઈટ કલરના પડદા મારી દેવામાં આવે છે. પરંતુ સરકારની આંખોમાં ધૂળ નાખતા બેદરકાર અને નઘરોળ બાબુઓ તમે બચી નહીં શકો. તમારી બેદરકારીને આજે ઝી 24 કલાક ખુલ્લી પાડી રહ્યું છે. જેથી આખું ગુજરાત જોઈ શકે રાજ્યના સૌથી મોંઘા ગણાતા એસજી હાઈવેની હકીકત શું છે.
મોટી મોટી વાતો કરતા નેતાઓ અને અધિકારીઓ તમારું કામ જુઓ.અમદાવાદનો SG હાઈવે રાજ્યના માર્ગ-મકાન વિભાગ અંતર્ગત આવે છે પરંતુ તેની હાલત જુઓ. અમદાવાદનો એસજી હાઈવે ગુજરાતની સૌથી મોટી મહાનગર પાલિકા ગણાતી અમદાવાદ મનપાની હદમાંથી પસાર થાય છે પણ તેની હાલત જુઓ. ZEE 24 કલાક પર જુઓ અંધેર વહીવટનો જીવતો જાગતો પુરાવો.
- SG હાઈવે પર ગાંડા બાવળ ઉછેરનારા તંત્રની બેદરકારી જુઓ.
- જનતા બિચારી ટેક્સ ભરે છે અને અહીં લાઈટોનાં ઠેકાણાં નથી.
- જનતાના ટેક્સનો કેવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે તે જુઓ.
- હાઈવે પરથી નીકળતા મંત્રીઓને કેમ નથી દેખાતી આ બેદરકારી?
- સરકાર જુઓ તમને કેવી રીતે ઉઠ્ઠાં ભણાવી રહ્યા છે તમારા બેદરકાર
- અધિકારીઓ? કેવી રીતે ફૂલગુલાબી ચિત્ર રજૂ કરીને માત્ર કાગળ પર કામ કરી રહ્યું છે તંત્ર તે જુઓ...
મોઢવાડીયાને ગુજરાતના આ નેતાએ આપી ખુલ્લી ઓફર, કહ્યું; 'અમારી પાર્ટીમાં આવી જાવ...'
સારા હાઈવે બનાવ્યા હોવાની મોટી વાતો પાછળની સચ્ચાઈ જુઓ. માર્ગ-મકાન વિભાગના મંત્રી સાહેબ જુઓ તમારા વિભાગના સરકારી અધિકારીઓ કેવું કામ કરી રહ્યા છે અને વાહનચાલકોની કેટલી ચિંતા કરી રહ્યા છે? કેવી રીતે મંત્રીઓને ગેરમાર્ગે દોરી રહ્યું છે તેમના વિભાગનું તંત્ર તે જુઓ. ZEE 24 કલાક પૂછે છે સવાલ- શું નઘરોળ સરકારી તંત્રએ એસજી હાઈવે પરથી પસાર થતા નિર્દોષ વાહનચાલકોને મારવાની સોપારી લીધી છે? ZEE 24 કલાક પૂછે છે. સવાલ- ગુજરાતના નંબર 1 કહેવાતા SG હાઈવેની આવી હાલત કેમ? કોના પાપે SG હાઈવે પર છવાયો અંધારપટ? ઈસ્કોન બ્રિજના રોડનું લેયર ઘસાઈ ગયું છતાં તંત્ર બેધ્યાન કેમ છે? કેન્દ્રીય ગૃહમંત્રીને ZEE 24 કલાકની ટીમ વિનંતી કરે છે કે જુઓ શાહ સાહેબ, તમારી આંખોમાં પણ કઈ રીતે અહીંના અધિકારીઓ ધૂળ નાખી રહ્યા છે અને એસજી હાઈવે પર અંધારપટ છવાયેલો છે. તથ્યકાંડ પછી પણ એસજી હાઈવે પર તંત્ર કેવી બેદરકારી દાખવી રહ્યું છે તે જુઓ.
મંત્રી સાહેબ તમારે સરકારી તંત્રને જગાડવું પડશે નહીં તો વધુ એક નવો તથ્યકાંડ સર્જાશે અને કોઈના ઘરના કુળદીપક બુઝાઈ જશે. મુખ્યમંત્રી સર, ZEE 24 કલાક તમને પણ વિનંતી કરે છે કે તમારા અધિકારીઓ જગાડો અને આ હાઈવેની સ્થિતિને સુધારવા માટે કામે લગાડો. નહીં તો ગુજરાતના વિકાસની કેવી તસવીર લઈને જશે અહીંથી પસાર થતા દેશ-વિદેશના વાહનચાલકો? જો આવું જ અંધારૂં રહેશે તો ભવિષ્યમાં પણ બીજા કોઈ તથ્યને બચવા માટેનો મુદ્દો મળી જશે અને ન્યાય માટે કોર્ટનાં પગથિયાં ઘસતી જનતાને હાથ લાગશે માત્ર નિરાશા. જાગો તંત્ર જાગો. તમારી આ બેદરકારી ક્યારેય માફ કરી શકાય એવી નથી. ઝી 24 કલાકે આજે પણ તમને સવાલ પૂછે છે અને આવતી કાલે પણ તમને સણસણતા સવાલ પૂછશે. કેમ કે, તમારી આ બેદરકારી વાહનચાલકોના જીવ માટે મોટો ખતરો બની ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે