અયોધ્યાની કહાની, નવસારીના બે કારસેવકોની જુબાની; જાણો ગોળીબાર અને રક્તથી લાલ બનેલી સરયુની વ્યથા

એકે 1990માં કાર સેવકો પર થયેલા અંધાધૂંધ ગોળીબાર અને રક્તથી લાલ બનેલી સરયુની વ્યથા જોઈ છે તો બીજાએ 1992 માં 5 કલાકમાં બાબરી ઢાંચો તોડ્યો અને અડધી રાતે તુટેલા ઢાંચામાંથી ભગવાન શ્રીરામ પરિવારની મૂર્તઓ પોતાના હાથે કાઢી હોવાના દર્શ્યો આંખો સામે જીવંત થઇ ભાવવિભોર થઇ જાય છે.

અયોધ્યાની કહાની, નવસારીના બે કારસેવકોની જુબાની; જાણો ગોળીબાર અને રક્તથી લાલ બનેલી સરયુની વ્યથા

ધવલ પારેખ/નવસારી: અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રામ મંદિર માટે 40 વર્ષોથી સતત સંઘર્ષ રત રહેલા નવસારીના કાર સેવકો પણ ઉત્સાહી બન્યા છે. જેમાં એકે 1990માં કાર સેવકો પર થયેલા અંધાધૂંધ ગોળીબાર અને રક્તથી લાલ બનેલી સરયુની વ્યથા જોઈ છે તો બીજાએ 1992 માં 5 કલાકમાં બાબરી ઢાંચો તોડ્યો અને અડધી રાતે તુટેલા ઢાંચામાંથી ભગવાન શ્રીરામ પરિવારની મૂર્તઓ પોતાના હાથે કાઢી હોવાના દર્શ્યો આંખો સામે જીવંત થઇ ભાવવિભોર થઇ જાય છે. ત્યારે આવો જાણીએ બાબરી ઢાંચાના વિરોધમાં થયેલા અયોધ્યા આંદોલનની કહાની નવસારીના કાર સેવકોની જુબાની..

ભગવાનશ્રી રામજીની જન્મ ભૂમિ અયોધ્યામાં વિદેશી આક્રાન્તાઓએ ભગવાનના મંદિર પર કબ્જો જમાવી તેના ઉપર બાબરી ઢાંચો બનાવી દીધો હતો. જેથી કરોડો સનાતનીઓની આસ્થાના કેન્દ્ર અને હૃદયસ્થ ભગવાન શ્રીરામનાં મંદિરને મેળવવા માટે સનાતનીઓ સેંકડો વર્ષોથી સઘર્ષ કરતા રહ્યા છે. પરંતુ શ્રીરામ લલ્લાના મંદિરમાં દર્શનાર્થે જવા ઉપર લગાવેલી પાબંદી હટાવવા વર્ષ 1984 થી આંદોલન દેશવ્યાપી બન્યુ અને દેશભરમાંથી 16 કરોડ હસ્તાક્ષર સાથેની અરજી રાષ્ટ્રપતિને થઇ અને ભગવાનના દ્વાર ઉપર લાગેલા તાળા ખોલવામાં આવ્યા હતા. 

જોકે ત્યારબાદ બાબરી ઢાંચાના સ્થળે જ ભગવાનની જન્મ સ્થળી હોવાની વાત સાથે એને મેળવવા માટેની લડત ઉગ્ર બની, જેમાં રામ જાનકી યાત્રા, ગંગાજળી યાત્રા, શીલાપૂજન, રામ યાત્રા અને અંતે શરૂ થઇ કાર સેવા. જેમાં વર્ષ 1990 ની કાર સેવા લોહીયાળ બની હતી. UP સરકારે અયોધ્યામાં કાર સેવકો ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથે જ ત્યાં કોઈ ન પહોંચી શકે એના પુરતા પ્રયાસો કર્યા હતા. પરંતુ રામ કાજ બિન મોહે ચેન નાહીની લલક સાથે દેશભરમાંથી લાખોની સંખ્યામાં કાર સેવકો અયોધ્યા પહોંચી રહ્યા હતા. જેમાં નવસારીના માધુ પટેલ અને સાથીઓ પણ અયોધ્યા જવા રવાના થયા. જેમને ચિત્રકૂટ રોકી, 16 દિવસ સુધી બાંદા જેલમાં પુરી રાખ્યા બાદ પરત મોકલી આપવામાં આવ્યા હતા. પરંતુ અયોધ્યા પહોંચવાના જોમમાં ફરી બનારસ સુધી પહોંચ્યા બાદ, ત્યાંથી 270 કિમી રેલ્વે ટ્રેક ઉપર ચાલીને હનુમાનગઢી સુધી પહોંચ્યા હતા. પરંતુ હનુમાનગઢીમાં સવાર પડી, તો અંધાધૂધ ગોળીબાર થઇ રહ્યો હતો. આગળ અને પાછળ ચાલતા કાર સેવકો ગોળીઓથી વીંધતા હતા. તેમને માધુ પટેલ અને તેમના સાથીઓ બચાવવાનો પ્રયાસ કરતા હતા. 

સ્થાનિકો તેમને ઘરમાં આવવા બુમાબુમ કરી રહ્યા હતા. સરયુના પુલ ઉપર પણ બંને તરફથી કાર સેવકોને ઘેર્યા બાદ ગોળીબાર કરાયો, બાકી હોય તેમ હેલીકોપ્ટરમાંથી પણ ગોળીઓ છોડાય હતી. જોકે જેમતેમ બચેલા માધુ પટેલ અને તેમના સાથીઓએ બાદમાં રક્તરંજીત સરયુ નદીમાંથી 37 મૃતદેહો બહાર કાઢી, તેમના એક સાથે અગ્નિ સંસ્કાર કર્યા હતા. હનુમાનગઢીના મહંતના આદેશે પરત નવસારી ફર્યા તો, પરિવારજનો તેમને જીવત જોઈને હરખાયા હતા. ત્યારે આજે પણ 90 ની વાતો કરતા માધુ પટેલની આંખો ભીનાય જાય છે.

નવસારીના તુલસીવન ખાતે રહેતા 72 વર્ષીય કિરણ ભગત આજે પણ ભગવાનને બાબરી ઢાંચામાંથી કાઢ્યાની વાત યાદ કરીને રોમાંચિત થઇ જાય છે. 1992 માં કાર સેવા માટે અયોધ્યા પહોંચ્યા ત્યારે સરકાર બદલાયેલી હતી. જેથી કાર સેવકો સરળતાથી અયોધ્યા પહોંચ્યા હતા. આંખોમાં એક ચમક સાથે કિરણ ભગતે બાબરી વિધ્વંશની કહાની વર્ણવી, 6 ડિસેમ્બર, 1992 ના રોજ અયોધ્યામાં લાલકૃષ્ણ અડવાણીએ સંબોધન શરૂ કર્યુ અને ઉપસ્થિત કાર સેવકો એટલા ઉત્સાહ અને જોમમાં આવી ગયા કે જે હાથમાં આવ્યું એ લઇને બાબરી ઢાંચાને તોડવા મંડી પડ્યા હતા. જેથી અડધા સંબોધને જ અડવાણી તેમજ નેતાઓ ત્યાંથી જતા રહ્યા અને ત્યારબાદ 5 કલાકમાં જ વિવાદિત બાબરી ઢાંચાને કાર સેવકોએ તોડી પાડ્યો હતો. ખુશી હતી કે 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી. એ કામ 5 કલાકમાં જ પૂર્ણ થયું હતું. 

બાદમાં અડધી રાતે લગભગ 12 વાગ્યે ગુજરાતના કાર સેવકોને બોલાવવામાં આવ્યા અને પડેલા કાટમાળમાંથી ભગવાનની મૂર્તિઓ બહાર કાઢવા આદેશ કરવામાં આવ્યો હતો. કિરણ ભગત અને તેમના સાથીઓ કાટમાળ ખસેડી રહ્યા હતા ત્યાં અચાનક પ્રભુ શ્રી રામની કૃપા થઇ અને ભગવાન શ્રી રામ તેમજ શ્રીરામ પરિવારની મૂર્તિઓ મળી, જેને કિરણ ભગતે તેમના હાથેથી શ્રદ્ધા, રોમાંચ તેમજ આંખોમાં હર્ષના આંસુ સાથે ભગવાનની મૂર્તિઓને બહાર કાઢી હતી. ત્યારબાદ તમામ મૂર્તિઓને નજીકમાં આવેલ વિહિપની ઓફીસમાં મુકવામાં આવી હતી. ભાવવિભોર બનેલા કિરણ ભગત આજે પણ પોતાના હાથે ભગવાનશ્રી રામજીની મૂર્તિ બાબરી ઢાંચામાંથી કાઢ્યાની વાતે રોમાંચિત થઇ જાય છે. કિરણ ભગત પોતાની સાથે યાદગીરી રૂપે બાબરી ઢાંચાનો એક ઈંટનો ટૂકડો પણ પોતાની સાથે લઇ આવ્યા હતા.

40 વર્ષો અગાઉ ભગવાનશ્રી રામજી માટે કરેલા આંદોલન અને તેમાં વેઠેલા કષ્ટ આજે જયારે અયોધ્યામાં ભગવાનનું ભવ્ય મંદિર બન્યુ છે અને 22 જાન્યુઆરીએ શ્રીરામ લલ્લાની સ્થાપના થઇ રહી છે. ત્યારે માધુ પટેલ અને કિરણ ભગતની આજે પણ રામ કાજ બિન ચેન નહી જેવી સ્થિતિ છે. તેઓ આજે પણ ઘરે ઘરે ભગવાનના મંદિરમાં બિરાજવાના આમંત્રણ સાથે 22 જાન્યુઆરીએ ઘરે દીવડા પ્રગટાવી, સાંથીયા પુરી, દિવાળીની જેમ ઉજવણી કરવા વિનંતી કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news