કેનેડામાં મોતને ભેટેલા ગુજરાતી યુવકના પરિવારે લીધો મોટો નિર્ણય; દેહદાનની અનોખી ઘટના
મૂળ આણંદ જિલ્લાના ઓડ ગામના વતની અને મુંબઈમાં રહેતા એક પરિવારનો પુત્ર કેનેડામાં મૃત્યુ પામ્યો. ત્યાર પછી તેના ભારત સ્થિત પરિવારે તેનો મૃતદેહ વતન લાવીને મેડિકલ સંશોધનમાં મદદ થાય તે માટે હોસ્પિટલને દાનમાં આપવાનો નિર્ણય લીધો હતો.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: કેનેડામાં મૃત્યુ પામેલા 39 વર્ષીય પુત્રના પાર્થિવ દેહને ભારતમાં પરત લાવી આણંદના ઓડ ગામના પરિવારે પુત્રના પાર્થિવ દેહનું આયુર્વેદિક હોસ્પિટલમાં દેહદાન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ઓડ ગામના પ્રકાશભાઈ પટેલ ઉદ્યોગપતિ છે અને હાલ મુંબઇ રહે છે. જ્યારે તેમનો પુત્ર પ્રાંજલ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની પત્ની સેજલ અને બે પુત્રો સાથે કેનેડાના ટોરોન્ટોમાં સ્થાયી થયો હતો. પ્રાંજલને ગત 21 એપ્રિલનાં રોજ ટોરોન્ટોમાં ડાયેરિયા થઈ જતા તબિયત લથડી હતી અને ત્યારબાદ બ્લડ પ્રેસર અને ઓક્સિજન લેવલ ઘટી જતાં થોડા કલાકોની સારવાર બાદ પ્રાંજલનું 39 વર્ષની વયે નિધન થતા પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.
ઓર્ગન ડોનેટ સાથે સંકળાયેલા પ્રકાશભાઈ પટેલે પુત્ર પ્રાંજલનાં દેહદાન માટે પ્રાંજલની પત્ની સેજલબેન તેમના પુત્રો અને પરિવાર સાથે ચર્ચા કરતા સમગ્ર પરિવારે પ્રાંજલનાં દેહદાન કરવાના નિર્ણયને વધાવી લીધો હતો. પ્રાંજલનાં મૃતદેહને કેનેડામાં મોર્ગમાં મૂકી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મૃતદેહને ભારત પરત લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થા સુરતનાં નિલેશભાઈ મંડેલવાલ અને તેમની ટીમનો સહયોગ મળ્યો અને પ્રાંજલના પાર્થિવ દેહને કેનેડાથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ થઈ ઓડ ગામમાં લાવવામાં આવ્યો હતો.
ઓડ ગામમાં પ્રાંજલનાં નિવાસ સ્થાને પરિવાર અને સગા સંબંધીઓ દ્વારા પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી પુષ્પાંજલિઆપી હતી અને ત્યારબાદ અંતિમ યાત્રા સમગ્ર ગામમાં ફરી હતી. જેમાં ઓર્ગન ડોનેટ માટે જાગૃતિ લાવવા પ્લેકાર્ડ પ્રદર્શિત કરી ઓર્ગન ડોનેટ માટે લોકોને જાગૃત કર્યાં હતાં. અંતિમ યાત્રા બાદ પ્રાંજલના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સમાં ન્યુ વલ્લભવિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સીટી સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલમાં દાન આપવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં તબીબો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંજલનાં મૃતદેહને વંદન કરવામાં આવ્યા હતા.
ડોનેટ લાઈફ સંસ્થાના જણાવ્યા અનુસાર વિદેશથી મૃતદેહ લાવી દેશની હોસ્પિટલમાં દેહદાન કરવાની આ સમગ્ર દેશમાં પ્રથમ ઘટના છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા મૃતક પ્રાંજલના પત્ની અને પિતાને દેહદાન બદલ આભાર માની સન્માન પત્ર અર્પણ કરાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે