કોરોનાઃ 'ટેલી મેન્ટરિંગ પ્રોગ્રામ' હાઈ રિસ્ક તથા વેન્ટિલેટર કેર દર્દીઓ માટે બન્યો આશીર્વાદરૂપ

બેક ઓફિસ ચાલી રહેલા આ 'ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ' દ્વારા અત્યાર સુધીમાં મૃત્યુનું જોખમ જેને સૌથી વધુ છે એવા કોરોના સંક્રમિત કોવિડ ૧૯ પોઝિટિવ ૨૪ બાળકો, ૩ સગર્ભા અને ૬૮ વૃદ્ધ દર્દીઓને સાજા કરવામાં આરોગ્ય વિભાગને વિશેષ સફળતા મળી છે. 

કોરોનાઃ 'ટેલી મેન્ટરિંગ પ્રોગ્રામ' હાઈ રિસ્ક તથા વેન્ટિલેટર કેર દર્દીઓ માટે બન્યો આશીર્વાદરૂપ

ગાંધીનગરઃ રાજ્યભરમાં કાર્યરત કોવિડ હોસ્પિટલોમાં સેવારત તબીબોને વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી રાજ્યના એક્ષપર્ટ તબીબો દ્વારા  કોવિડ-૧૯ના ક્રિટિકલ દર્દીઓને સાજા કરવા લાઈવ માર્ગદર્શન આપવાના હેતુસર એક વિશેષ પ્રોજેકટ ચાલી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલો આ 'ટેલી મેન્ટરિંગ પ્રોગ્રામ' હાઈ રિસ્ક તથા વેન્ટિલેટર કેર દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.

WHOએ વર્ષ ૨૦૧૯-૨૦ના કોરોના વાયરસ ફાટી નીકળવાની ઘટનાને આંતરરાષ્ટ્રીય કક્ષાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ગુજરાતમાં ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ આ રોગના બે દર્દીઓ સૌપ્રથમ સુરત અને રાજકોટમાં મળી આવ્યાં હતાં. આ રોગનું સંક્રમણ વધીને રાજ્યમાં અત્યારે ૪૪૦૦ સુધી પહોંચ્યું છે જે તંત્રની આગોતરી તકેદારીના કારણે જ નિયંત્રણમાં છે તે કહેવું સહેજ પણ અતિશયોક્તિ ભર્યું નથી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીના સતત માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને નિયંત્રિત કરવા તથા કાબૂમાં લાવવા માટે એક્શન પ્લાન બનાવીને અનેકવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે. તે પૈકીનું જ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે 'ટેલી મેંટરીંગ પ્રોગ્રામ'.

બેક ઓફિસ ચાલી રહેલા આ 'ટેલી મેંટરીંગ પ્રોગ્રામ' દ્વારા અત્યાર સુધીમાં મૃત્યુનું જોખમ જેને સૌથી વધુ છે એવા કોરોના સંક્રમિત કોવિડ ૧૯ પોઝિટિવ ૨૪ બાળકો, ૩ સગર્ભા અને ૬૮ વૃદ્ધ દર્દીઓને સાજા કરવામાં આરોગ્ય વિભાગને વિશેષ સફળતા મળી છે. 

કોરોના વાયરસઃ કેન્દ્ર સરકારે ગુજરાતના આ 9 જિલ્લાને રાખ્યા રેડ ઝોનમાં  

રાજ્યમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવાર માટે નિષ્ણાંત તબીબોની ટીમ દિન-રાત ખડેપગે રહે છે. દરેક પોઝિટિવ દર્દીઓની વિશેષ કાળજી રાખી રહ્યા છે ત્યારે તે દર્દીઓ પૈકીના કેટલાક કોમોર્બીડ અને હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા દર્દીઓ પોતાની અન્ય જટિલ બીમારીઓને કારણે ક્રિટિકલ સ્ટેજ પર આવી જતા હોય છે. આવા સંજોગોમાં આ દર્દીઓને કેવી રીતે બચાવવા તે તબીબો માટે પણ ક્યારેક મૂંઝવણભરી સ્થિતિ હોય છે. તબીબોની આ મુંઝવણ દૂર કરવા માટે રાજ્યના એક્ષપર્ટ તબીબોની ટીમ દ્વારા આ હોસ્પિટલમાં કાર્યરત તબીબોને ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવે છે. ચેપી રોગ નિષ્ણાંત ડો. અતુલ પટેલ, વેન્ટીલેટર કેરના નિષ્ણાંત ડો. પાર્થીવ મહેતા, ડો. આર. કે. પટેલ, ડો. બીપીન અમીન સહિતના અનુભવી તજજ્ઞ તબીબો દ્વારા દર્દીની સ્થિતિ વિશે જાણીને આવા ક્રિટિકલ દર્દીઓનું મૂલ્યાંકન કરી Webex Ciscoના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક યોજીને કોવીડ હોસ્પિટલોના તબીબોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ જ કારણોસર 'ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ' શરુ કરવાનો આરોગ્ય વિભાગનો નિર્ણય વેન્ટિલેટરકેર દર્દીઓ માટે નવી લાઇફલાઇન સમાન સાબિત થયો છે. આ પ્રોગ્રામ થકી અનેક ક્રિટીકલ દર્દીઓને સાજા કરવામાં સફળતા મળી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવી દ્વારા તેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૧૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને સાજા થઈને ઘરે ગયા છે, તે પૈકી ૨૪ બાળકો, ૩ સગર્ભા અને ૬૮ વૃદ્ધ દર્દીઓ મળી ૯૫ હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સફળતા પાછળ કોવિડ-૧૯ હોસ્પિટલોમાં કાર્યરત કોરોના વોરિયર્સ નિષ્ણાંત તબીબો અને હોસ્પિટલ સ્ટાફની જીવના જોખમે કરવામાં આવતી મહેનત તો બિરદાવવા લાયક છે જ, પરંતુ તેની સાથોસાથ બેક ઓફિસ નિસ્વાર્થભાવે કામ કરતી આ 'ટેલી મેંટરીંગ પ્રોગ્રામ'ની એક્ષપર્ટ તબીબોની ટીમની પણ એટલી જ મહેનત છે.

સાજા થઈને કોવીડ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા ૭ વર્ષથી નાની વયના ૨૪ દર્દીઓમાં અમદાવાદના ૧૬, બનાસકાંઠા અને ભાવનગરના ૨-૨, છોટાઉદેપુર અને ગાંધીનગરના ૧-૧ તથા સુરતના ૨ બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા ૬૦ વર્ષથી વધુ વયના વૃદ્ધ ૬૮ દર્દીઓમાં અમદાવાદના ૩૪, ભાવનગર અને પાટણના ૨-૨, ગાંધીનગર અને મહીસાગરના ૩-૩, સુરતના ૭, આણંદના ૪, વડોદરાના ૮ અને છોટાઉદેપુર, કચ્છ, ગીર સોમનાથ, નર્મદા તથા રાજકોટના ૧-૧ દર્દીઓનો સમાવેશ થાય છે.

રોગને લગતી આધુનિક માહિતી ઉપરાંત એક્ષપર્ટ તબીબોના અનુભવનો નિચોડ કોવિડ હોસ્પિટલોમાં સેવારત તબીબોને મળી રહ્યો છે

આ એક વર્ચ્યુઅલ બેઠક છે. જેમાં રાજ્યની કોવીડ હોસ્પિટલોમાં સેવા આપી રહેલા તબીબોના ક્રિટીકલ દર્દીઓને લગતા સવાલોના ઓન લાઇન જવાબ આપી રાજ્યના અનુભવી અને નિષ્ણાંત તબીબો ક્રિટીકલ દર્દીઓને સાજા કરવામાં મદદરૂપ થવા પ્રયત્ન કરે છે. 

આ પ્રોગ્રામ અંતર્ગત ચેપી રોગ નિષ્ણાંત ડો. અતુલ પટેલ, વેન્ટીલેટર કેરના નિષ્ણાંત ડો. પાર્થીવ મહેતા, અનુભવી તજજ્ઞ ડો. આર.કે.પટેલ, ડો. બીપીન અમીન સહિતના એક્ષપર્ટ તબીબો રાજયની કોવીડ હોસ્પિટલોમાં સેવારત તબીબોને તેમના ક્રિટીકલ દર્દીઓને લગતા પ્રશ્નો સંદર્ભે Webex Ciscoના માધ્યમથી જરૂરી સૂચનો આપે છે. કોવીડ હોસ્પિટલો ખાતે ગંભીર દર્દીઓના સ્વાસ્થ્ય અંગે આ વચ્યુઅલ બેઠકમાં ચિંતન કરવામાં આવે છે અને તેઓની સ્થિતિનું તજજ્ઞો ધ્વારા  નિયમિતપણે મુલ્યાંકન કરવામાં આવે છે. 

આ પ્રકારની ચર્ચામાં જીલ્લા કક્ષાની હોસ્પિટલો પણ ભાગ લઇ રહી છે. આ ચર્ચાથી આધુનિક માહિતી ઉપરાંત એક્ષપર્ટ તબીબોના અનુભવનો નિચોડ કોવિડ હોસ્પિટલમાં સેવારત તબીબોને પ્રાપ્ત થાય છે, જેનો વિશેષ લાભ તે હોસ્પિટલના દર્દીઓને મળી રહ્યો છે. દરરોજ આ બેઠકમાં લોગ ઇન ધ્વારા ૬૦ થી ૭૦ જેટલા તબીબો ભાગ લઇ રહ્યા છે અને  હોસ્પિટલ કક્ષાએ એક લોગઇન ધ્વારા પ થી ૬ તબીબો  ભાગ લઇ રહ્યા છે. આમ આ કાર્યક્રમનો બહોળો લાભ  રાજયની તમામ  હોસ્પિટલોને મળી રહ્યો છે. 

તાઃ ૦૪/૦૪/૨૦૨૦ થી  આ બેઠકનું નિયમિતપણે દરરોજ આયોજન કરવામાં આવે છે.  આ ચર્ચામાં ભાગ લેવા માટે  તબીબોએ હોસ્પિટલ છોડીને કયાંય જવું પડતું નથી. તેમના કાર્ય સ્થળ પર જ મોબાઇલ, લેપટોપ કે કોમ્પ્યુટર ધ્વારા લોગ ઇન થઇને તબીબો ભાગ લઇ રહ્યા છે. જેનાથી સમય અને શકિતનો બચાવ થાય છે અને સમયસર  દર્દીઓની સારવાર કે કોઇ સુધારો કરવાનો હોય તો તે શકય બને છે.  આ મીટીંગ રજાના દિવસે પણ ચાલુ રાખી છે. જેના થકી વેન્ટીલેટર કેર દર્દીઓ ( આઇ.સી.યુ.ના દર્દીઓ)ને સવિશેષ લાભ થઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news