મહોરમમાં માતમ છવાયો, જામનગરમાં તાજિયા વીજવાયરને અડી જતા 15 ને કરંટ લાગ્યો, 2 યુવકોના કમકમાટીભર્યાં મોત
Jamnagar News : જામનગરમાં મહોરમની રાત્રે ઝુલુસમાં લોકોને વીજશોક લાગતા 15 લોકો દાઝ્યા, સારવારમાં 2 યુવાનોનાં મોત થતાં મુસ્લિમ સમાજમાં શોકની લાગણી ફેલાઈ
Trending Photos
મુસ્તાક દલ/જામનગર :જામનગરમાં મહોરમનો તહેવાર જોતજોતામાં દુખમાં ફેરવાયો હતો. મહોરમના તહેવારની રાતે વીજ કરંટ લાગવાની ગોઝારી દુર્ઘટનામાં બે યુવાનોના મોત નિપજ્યા છે. જુલુસ સમયે વીજ કરંટ લાગતે 15 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમાં બે યુવકોના મોત નિપજતા મુસ્લિમ સમાજમાં ગમમીની છવાઈ છે.
જામનગર શહેરના ધરારનગર વિસ્તારની ગત મોડી રાતે આ ઘટના બની હતી. ધરારનગરમાં સોમવારની રાતે તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા હતા. તાજિયા ઉંચા હોવાથી તેનો ઉપરનો ભાગ વીજ વાયરને અડી ગયો હતો. જેથી નીચે કરંટ પ્રસરતા અંદાજે 15 જેટલા લોકોને કરંટ લાગ્યો હતો. આ ઘટનાને પગલે અફરાતરફી ફેલાઈ હતી. ઘાયલોને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો બીજી તરફ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
આ ઘટનામાં 2 મુસ્લિમ યુવાનોના દુઃખદ ઘટનામાં કરૂણ મોત નિપજ્યા છે. સારવાર દરમિયાન આસિફ યુનુસભાઈ મલેક (ઉ.વ. 23, રહે. ધરારનગર) અને મહંમદ વાહીદ (ઉ.વ. 25)નાં મોત થયા હતા. આ ઘટનાથી જીજી હોસ્પિટલ ખાતે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો પહોંચ્યો હતો. હાલ 12 જેટલા યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ, મહોરમની રાતે ગોઝારી ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે