તૌકતે વાવાઝોડું: ઓલપાડ તાલુકામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ, થયું આટલું નુકસાન

ખાસ કરીને ઓલપાડ (Olpad) તાલુકામાં ૬૪૫૮ હેકટરમાં ઉનાળું ડાંગરનું વાવેતર થયું હતું. જેમાંથી વાવાઝોડાના કારણે ૪૨૦૦ હેકટર ડાંગરને નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. 

તૌકતે વાવાઝોડું: ઓલપાડ તાલુકામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ, થયું આટલું નુકસાન

સુરત: ગુજરાતમાં ‘તૌકતે’ વાવાઝોડાં (Tauktae Cyclone) ના કારણે સૌથી વધુ નુકસાન કૃષિ અને ઉર્જા વિભાગને થયું છે. દક્ષિણ ગુજરાત (South Gujarat) ના દરીયા કિનારાના વિસ્તારોમાં પણ ડાંગર, શાકભાજી, કેળ, આંબા જેવા બાગાયતી પાકોને પણ નુકશાન થયું છે. જેથી સુરત (Surat) જિલ્લાના ખેતીવાડી, બાગાયત વિભાગની ટીમો દ્વારા નુકશાનીના સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

જિલ્લામાં તૌકતે વાવાઝોડા (Tauktae Cyclone)  ના કારણે પવનના સુંસવાટા સાથે ભારે વરસાદના કારણે સૌથી વધુ કૃષિ ક્ષેત્રને ત્યારબાદ ઉર્જા વિભાગના ઇલેક્ટ્રિકના ફિડરો, થાંભલાઓને પણ નુકસાન થયું છે. વાવાઝોડાંએ ડાંગર, કેળ, કેરીના પાકને સૌથી વધારે હાનિ પહોંચાડી છે, ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાન સંદર્ભે સર્વેક્ષણ માટે જિલ્લામાં ૪૩ જેટલી ટીમો બનાવીને સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

સુરત (Surat) જિલ્લાના ઓલપાડ (Olpad) તાલુકામાં નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મદદનીશ ખેતી નિયામક(એગ્રો)ચિંતન દેસાઈએ જણાવ્યું કે, તાઉ તે વાવાઝોડાના કારણે ઓલપાડ તાલુકાના ડાંગર, શાકભાજી, મગ, તલ, આંબા, કેળ જેવા પાકો પકવતા ખેડુતોને નુકસાન થયું છે જેના સર્વે માટે પાંચ ટીમો બનાવવામાં આવી છે. 

જે મુજબ એક ટીમમાં નોડલ અધિકારી તરીકે મદદનીશ ખેતી નિયામક, બાગાયત ખેતી નિયામક, વિસ્તરણ અધિકારી (ખેતી), ૨૮ ગ્રામ સેવક સાથે મળીને નુકશાન થયેલ ખેતરોમાં જઈ સર્વે કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને ઓલપાડ (Olpad) તાલુકામાં ૬૪૫૮ હેકટરમાં ઉનાળું ડાંગરનું વાવેતર થયું હતું. જેમાંથી વાવાઝોડાના કારણે ૪૨૦૦ હેકટર ડાંગરને નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. 

જયારે આંબામાં ૨૭૦ હેકટર, કેળામાં ૬૦ થી ૭૦ હેકટર તથા શાકભાજીના ૩૬૦ હેકટર પાકને નુકસાની થયાનો અંદાજ છે. આ ઉપરાંત મગ, મકાઈમાં નુકસાન થયું છે. હાલ તાલુકામાં પાંચ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાર બાદ સરકારના ધારા ધોરણો મુજબ ખેડુતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news