સુરત સાચા અર્થમાં દાનવીર કર્ણની નગરી બની, 28મા ધબકતા હૃદયનું દાન કરાયું

સુરત સાચા અર્થમાં દાનવીર કર્ણની નગરી બની, 28મા ધબકતા હૃદયનું દાન કરાયું
  • સુરતથી ચેન્નાઈનું 1610 કિલોમીટરનું અંતર માત્ર 180 મિનીટમાં કાપીને હૃદય ચેન્નાઈ પહોંચ્યું હતું.
  • ઈલાબેનના હાર્ટને 15 વર્ષની વિદ્યાર્થીનીને તથા ફેફસાને મુંબઈની મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું 

ચેતન પટેલ/સુરત :સુરત શહેર સાચા અર્થમાં દાનવીર કર્ણની નગરી બની છે. સુરતથી 28મુ ધબકતું હૃદય દાન (heart transplant) કરાયું છે. બ્રેનડેડ ઈલાબેન પટેલના પરિવારના એક નિર્ણયના કારણે ચાર લોકોને જીવનદાન મળ્યું છે. સુરતથી ચેન્નઈ ધબકતું હૃદય ગ્રીન કોરિડોરથી લઈ જવામાં આવ્યું હતું. ઈલાબેનનું હૃદય, લીવર, કિડની અને ફેફસાંનું દાન કરાયું છે. 

કોળી પટેલ સમાજના બ્રેનડેડ ઇલાબેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. આ પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

સુરતથી ચેન્નાઈનું 1610 કિલોમીટરનું અંતર માત્ર 180 મિનીટમાં કાપીને હૃદય ચેન્નાઈ પહોંચ્યું હતું. જ્યાં દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થીનીમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ચેન્નાઈની MGM હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. તો બીજી તરફ, ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં ઈલાબેનના ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની 61 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું હતું. 

દાનમાં મેળવવામાં આવેલી બંન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીમાં નિયમાનુસાર અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીસ (Institute of Kidney Diseases) અને રિસર્ચ સેન્ટર( IKDRC) માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 369 કિડની, 150 લીવર, 7 પેન્ક્રીઆસ, 28 હૃદય, 6 ફેફસાં અને 272 ચક્ષુઓ કુલ 832 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 766 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news