ભાડુઆતે મકાન પચાવી પાડ્યું, તો પોલીસે પરત અપાવ્યું... લોક દરબારમાં તાત્કાલિક આવ્યો ઉકેલ
Surat Police : સુરત પોલીસે લોકદરબાર યોજીને મકાન માલિકની ફરિયાદનો નિકાલ કર્યો, ભાડુઆતે પચાવી પાડેલા મકાનને છોડાવી આપ્યું તો મકાન માલિક પોલીસ કમિશનર સામે ગળગળા થઈને રડી પડ્યા
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : સુરતમાં વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ માથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિ સોંપતો ન હતો. જેથી લોક દરબારમાં દુકાન માલિકે રજૂઆત કરતા સરથાણા પોલીસે તાત્કાલિક જ દુકાનનો કબજો અપાવ્યો હતો.
સુરત પોલીસ કરે છે લોક દરબાર
વ્યાજખોરોનો ત્રાસ સતત ને સતત વધી રહ્યો છે, તેવામાં વ્યાજના ખપ્પરમાં હોમાયેલા લોકોને ઉગારવા માટે સુરત પોલીસ લોક દરબારનું આયોજન કરે છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. જેમાં સુરત પોલીસ કમિશનર સાથે એસીપી, ડીસીપી અને અનેક પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ લોક દરબારમાં હાજર હોય છે. જે તે પોલીસ મથકમાં લોક દરબાર હોય તે વિસ્તારના લોકો તેમને મૂંઝવતા પ્રશ્ન સીધા જ પોલીસ કમિશનરને કહી શકે તે માટે થઈને આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. જેના થકી અત્યાર સુધી અનેક લોકોને પોતાની ચીજ વસ્તુઓ પોલીસે પરત અપાવી છે અથવા તો મોટામાં મોટી મુશ્કેલીમાંથી પણ પોલીસે અનેક લોકોને ઉગાર્યા છે.
આવી જ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં જોવા મળી હતી. લોક દરબારમાં એક વ્યક્તિ સુરત પોલીસ કમિશનર પાસે આવી અને એકાએક જ રડવા લાગ્યો હતો. પોલીસ કમિશનરે તેમને પૂછતા તેમને પોતાની આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે, તેમનું નામ અશોક ભાયાણી છે. થોડા મહિનાઓ પહેલા તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી હતી. દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ તેમાં દુકાન ચલાવતો હતો, જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો ત્રણ મહિનાનો વાયદો આપ્યો હતો. પરંતુ પાંચ મહિના ઉપર થઈ ગયા છતાં દુકાન ચાલક દુકાન ખાલી કરતો ન હતો અને દુકાન માલિકને મનફાવે તેવા જવાબ આપતો હતો. જેથી દુકાન માલિક ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં દુકાને ચલાવનાર વ્યક્તિ ભાડું પણ આપતો ન હતો.
દુકાન માલિકે લોક દરબારમાં આવીને સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત જણાવી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને ત્રણ જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો. દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમને સુરત પોલીસ કમિશનર તેમજ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર નો આભાર માન્યો હતો. મહત્વનું છે કે લોકોને પડતી મુશ્કેલી માટે જ લોકદરબારનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ પ્રકારના લોકોના થઈ રહેલા કામ જ લોક દરબારને સાચા અર્થમાં સફળ સાબિત કરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે