સુરતની જીડી ગોયેન્કા સ્કૂલ સામે વાલીઓનો મોરચો, સંતાનોને લઈ કલેક્ટર ઓફિસ પહોંચ્યા
Trending Photos
- જો સાત દિવસમાં સ્કૂલ સંચાલક વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહિ આવે તો વાલીઓ દ્વારા ઓફિસની બહાર હોબાળો મચાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી
ચેતન પટેલ/સુરત :એફઆરસી દ્વારા ફી નિયમન કરી હોવા છતાં સુરતની ખાનગી સ્કૂલો દ્વારા બેફામ ફી ઉઘરાવવામાં આવી રહી છે ત્યારે સુરતની જીડી ગોયેન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ આજે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. FRC દ્વારા નક્કી કરાયેલી ફી વાલીઓ ભરવા તૈયાર હોવા છતાં તેમની પાસેથી વધારાની ફી લેવામાં આવી રહી છે. જેનો વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરતાની સાથે જ સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું અને વાલીઓને ફી ભરવા માટે દબાણ આપવામાં આવી રહ્યું હતું. જેને લઇ વાલીઓ દ્વારા એફ આર સી, DEOઅને કલેકટરમાં રજૂઆત પણ કરી હતી. તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કરવામાં આવી ન હતી. જેથી આજે મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો સાથે કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ DEO અને કલેક્ટર મારફતે સ્કૂલ સંચાલકને લિગલ નોટિસ પણ પાઠવી હતી. જો સાત દિવસમાં સ્કૂલ સંચાલક વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહિ આવે તો વાલીઓ દ્વારા ઓફિસની બહાર હોબાળો મચાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો : વડોદરામાં મ્યૂકોરમાઈકોસિસ બીમારીની એન્ટ્રી, 7 કેસ આવ્યા
વાલીઓ કરશે આંદોલન
કલેક્ટર કચેરી ખાતે એકઠા થયેલા વાલીઓએ જણાવ્યુ કે, ફી નક્કી કરી હોવા છતાં સ્કૂલ વધુ ફી વસૂલી રહી છે. સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે. જીડી ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલ હવે દાદાગીરી પર ઉતરી આવી છે. સ્કૂલ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે કે, 20 તારીખ સુધીમાં તમામ ફી ભરવાની રહેશે. નહિ તો ઓનલાઈન ક્લાસ બંધ કરી દેવામાં આવશે. તો બીજી તરફ હવે વાલીઓ પણ લડી લેવાના મૂડમાં છે. વાલીઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
સ્કૂલ દ્વારા થતી ઉઘાડી લૂંટ મામલે વાલીઓએ હવે ખૂલીને સામે આવ્યા છે. વાલીઓનું કહેવું છે કે, લોકડાઉનને કારણે અમારી આવક પર અસર પડી છે. અમને ફી ભરવામાં તકલીફ પડી રહી છે. જેની સામે સ્કૂલ ઓનલાઈન ક્લાસ બંધ કરવાની ધમકી આપી રહી છે. કોરોનાને કારણે આર્થિક પરિસ્થિતિ સારી નથી, ત્યાં ફી કેવી રીતે ભરવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે