સલમાન ખાનને ધમકી આપનારી ગેંગ સુરતથી પકડાઈ, લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 ગેંગસ્ટર જેલભેગા
કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 લોકોને ક્રાઈમ બ્રાન્ચે સુરતથી ઝડપી પાડ્યા... સુરતના પીપલોદ વિસ્તારમાં છુપાઈને બેસ્યા હતા... આશરો લેવા રાજસ્થાનથી સુરત આવ્યા હતા... ગેંગવોર વધે તે પહેલા ઝડપી લેવાયા
Trending Photos
Lawrence Bishnoi gang : સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સલમાન ખાનને ધમકી આપનાર કુખ્યાત ગેંગેસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાત ખૂનખાર સાગરીત સુરતમાંથી ઝડપાયા છે. ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ તથા સંપત નહેરા ગેંગના સાગરીતોને સુરત શહેરમાંથી ઝડપવામાં સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ૭ ઈસમોની ધરપકડ કરી છે. સુરતના પીપલોદ વિસ્તારમાંથી ૭ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે, રાજસ્થાનના જુજનું જીલ્લાના પીલાની શહેરના દિગ્પાલ પીલાની ગેંગ સાથેની આપસી રંજીસના કારણે લોરેન્સ બિસ્નોઈ/સંપત નહેરા ગેંગના દેવેન્દ્રસિહ શેખાવત તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી આશરે લેવા ગુજરાતના સુરત શહેરમાં આવ્યો છે અને હાલ તે પીપલોદ સ્થિત સારસ્વત નગરમાં છુપાયેલો છે. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી ૭ ઈસમોની ધરપકડ કરી હતી
કોની કોની ધરપકડ
૧] દેવેન્દ્રસિહ મદનસિહ શેખાવત [ઉ.૩૭]
૨] રાજસ્થાન પોલીસનો ડીસમીસ પોલીસ કોન્સ્ટેબલ અને દેવેન્દ્ર શેખાવતનો સાગરિત પ્રવીણસીહ ભગવાનસિહ રાઠોડ [ઉ.૪૧]
૩] કિશનસિંગ ઉર્ફે ક્રિશ્નાસિહ શ્રવણસિહ રાઠોડ [ઉ.૨૯, દેવેન્દ્ર શેખાવતનો મિત્ર]
૪]પ્રતીપાલસિહ જીતસિહ તવર [ઉ.૩૭, દેવેન્દ્ર શેખાવતનો બનેવી]
૫] અજય સિહ રોહિતા સિહ ભાટી [ઉ.૨૫, દેવેન્દ્ર શેખાવતનો મિત્ર ]
૬] અજયસિહ રોહિતાસસિહ ભાટી [ઉ.૨૫, દેવેન્દ્ર શેખાવતનો ડ્રાઈવર]
૭] દેવેન્દ્ર શેખાવતનો કુક રાકેશ રમેશકુમાર સેન [ઉ.૩૩]
દેવેન્દ્રસીંગ શેખાવતનો પૂર્વ ઇતિહાસ
પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાનના જંજનુ જીલ્લાના પીલાની શહેરમાં શરાબની દુકાનના ઠેકાના ટેન્ડરની અદાવતમાં કુખ્યાત લોરેન્સ બીસ્નોઇ/સંપત નહેરા ગેંગના રાજસ્થાનના સક્રિય સદસ્ય દેવેન્દ્રસિંહ શેખાવત ઉપર ઘાતક હથિયારો સાથે ૧૪ જુલાઇ ૨૦૨૨ ના રોજ રાજસ્થાનના જયપુર શહેરના ભાકરોટા થાના વિસ્તારમાં દિગ્પાલ પીલાની ગેંગ દ્રારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દિગ્પાલ, અમીત, દિનેશ, મહાવીર, અંકીત, નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને દેવેન્દ્રસિંહ શેખાવત પાસેથી પણ પીસ્તોલ મળી આવતા તેના વિરૂધ્ધમાં આમ્સ એકટ હેઠળ ગુનો દાખલ થયો હતો જેમાં બન્ને ગેંગના સભ્યો જામીન મુકત થયા પછી દિગ્પાલસીંહ પીલાની ગેંગ સાથેની આપસી રંજીસના કારણે લોરેન્સ બીસ્નોઇ/સંપત નહેરા ગેંગના દેવેન્દ્રસિંહ શેખાવત ઉપર ફરીથી હુમલો થવાની શકયતા હોય તેમજ લોરેન્સ બીસ્નોઇ/સંપત નહેરા ગેંગએ આનંદપાલસિંહના એન્કાઉન્ટર બાદ પોતાના સાગરીતો સાથે ભેગામળી ફરીથી રાજસ્થાનમાં સામ્રાજય ઉભુ કરેલ અને વિરોધીગેંગ રાજુ ઠેહડ ગેંગની સાથે આપસી રંજીસ હોય અવર નવર ગેંગો વચ્ચે ગેંગવોર થતી હતી.
આ દરમ્યાન ડીસેમ્બર ૨૦૨૨માં રાજુ ઠેહડેનુ રાજસ્થાનના શીકર જીલ્લામાં હરીયાણાની ગેંગે મર્ડર કર્યું હતું જેથી આપસી રજીસમાં ગેંગવોર ચાલતી હોય તેમજ પોલીસની સર્કીયતા વધતા દેવેન્દ્રસીંહ શેખાવત તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી ગુજરાતમાં સુરત ખાતે છુપાવવા માટે તેમજ તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી આશરો લેવા ગુજરાતના સુરત શહેરમાં આવી સુરતના તેમના ઓળખીતા કિશનસિંગ શ્રવણસિંગ રાઠોડનો સંપર્ક કર્યો હતો અને પીપલોદ જકાતનાકા પાસે આવેલ કેતન સ્ટોર્સની ગલીમાં સારસ્વત નગર મકાન નંબર ૬૦ નું ભાડેથી રાખી રહેવા લાગ્યો હતો અને પોતાના રાજસ્થાન, પંજાબ, હરીયાણા સર્પક તોડી મોબાઇલ નંબરો બંધ કરી ગુજરાતમાં છુપાયેલ હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે દેવેન્દ્રસીંગ શેખાવત રાજસ્થાનના શેખાવતી વિસ્તારમાં ગેરકાયદેસર શરાબનો વેપાર કરતા હોય આ વિસ્તારમાં વર્ચસ્વની લડાઇ માટે લોરેન્સ બીસ્નોઇ ગેંગના સંપત નહેરાની ગેંગમાં સને ૨૦૧૦ થી જોડાયેલ છે. તેમજ રાજસ્થાનના જીંજનુ તથા ચુરુ જીલ્લાના શેખાવતી વિસ્તારમાં ગેરકાયદેસર શરાબના ધંધાની અદાવતમાં દેવેન્દ્ર શેખાવત તેમજ અજય પુનીયા સાથે વર્ષ ૨૦૧૯ માં ગેંગવોર થઇ હતી જેમાં અજય પુનીયાનું ખુન સંપત નહેરા તથા તેની ગેંગના દેવેન્દ્ર શેખાવત વિગેરેઓએ કર્યું હતું જેમાં દેવેન્દ્ર શેખાવત તથા અંકિત ભાદુ, સંદિપ યાદવ, મીન્ટુ મોડાસીયા, રાજેશ કેહર, પ્રવિણ કેહર વિગેરે નાઓની ધરપકડ થયેલ હતી. સંપત નહેરા અને દેવેન્દ્રસીંગ બન્ને જણા ચુરુ જીલ્લાના રાજગઠના રહેવાસી છે. ગેંગસ્ટર લોરેન્સ બીસ્નોઇ તથા સંપત નહેરા નાઓ હાલમાં દિલ્હીની તીહાડ જેલ કસ્ટડીમાં છે.
ઝડપાયેલો પ્રવિણસિંગ ભગવાનસિંગ રાઠોડ (રાજસ્થાન પોલીસનો ડીસમીસ પો.કોન્સ છે)
સુરત પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલો આરોપી પ્રવિણસિંગ ભગવાનસિંગ રાઠોડ રાજસ્થાન પોલીસનો ડીસમીસ પો.કોન્સ છે વર્ષ ૨૦૦૧ માં રાજસ્થાન પોલીસમાં ભરતી થયો હતો અને ચુરુ જીલ્લામાં ઝાલાવાડ વિસ્તારમાં પોસ્ટીંગ થયું હતું. વર્ષ ૨૦૧૪ માં ચુરુ જીલ્લામાં ફરજ બજાવતો હતો તે વખતે બીકાનેર જેલમાં ગેંગસ્ટર આનંદપાલસિંગની ગેંગ અને રાજુ ઢેડ ની ગેંગ વચ્ચે ગેંગવોર થઇ હતી જેમાં ઇજા પામનાર આનંદપાલસિંગ તેમજ અન્ય કૈદીઓને બીકાનેરથી જયપુર હોસ્પીટલમાં સારવાર માટે પોલીસ વાન લઇ જતી તે વખતે મજકુર પ્રવિણસિંગ રાઠોડ તથા તેના સાગરીતો મહીપાલસિંગ તથા શકિતસિંગ નાઓએ સ્કોપીયો ગાડીમાં પોલીસ વાનનો પીછો કરી પોલીસ વાનને ઓવર ટેક કરી છોડાવવાની કોશિશ કરી હતી તે ગુનામાં પણ પકડાયેલ હતો અને સસ્પેન્ડ પણ થયો હતો. ત્યાર બાદ ફરીથી પોલીસ ખાતામાં બીકાનેર જીલ્લામાં ૨૦૧૭માં નીમણુક થઇ હતી તે દરમ્યાન રાજસ્થાન ગંગાનગરમાં ગુઢલીગેંગના જોર્ડન નામના ગેંગસ્ટરનુ શેરવાલા ભાદુગેંગના સાગરીતોએ ખૂન કરેલ, તે ગુનાના વોન્ટેડ આરોપી રાજેન્દ્ર, નરેન્દ્ર, સુનીલ, અમિત, તેમજ જીતેન્દ્રસિંહ ભાટી વિગેરેનાઓને આરોપી પ્રવિણસિંગ ભગવાનસિંગ રાઠોડે નાણાકીય સહાય તેમજ રહેવા માટેની સગવડ બીકાનેર વિસ્તારમાં કરી આપતા તેની ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પ્રવિણસિંગ રાઠોડને રાજસ્થાન પોલીસમાંથી ડીસમીસ કરવામાં આવેલ છે. ડીસમીસ થયા બાદ તે દેવેન્દ્રસિંગ શેખાવતની ગેંગનો સક્રિય સભ્ય બની ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે