તમિલનાડુથી સુરત આવીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, કોઈ ઓળખી ન જાય તે માટે મંકી કેપ પહેરતા
Surat Latest News : સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈ ચોંકી ઉઠી છે.જેમાં જાણવા મળ્યું છે કે, આ આ ગેંગ તામિલનાડુની કુખ્યાત સેલમ ગેંગના નામે જાણીતી છે
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં google પર સર્ચ કર્યા બાદ શાળા- કોલેજોને ટાર્ગેટ કરી લાખોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતી તામિલનાડુની કુખ્યાત સેલમ ગેંગના મુખ્ય બે આરોપીઓને સુરતના સિંગણપોર વિસ્તારમાંથી ઝડપી પાડી ઘરફોડી ચોરીના 18 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે. આરોપીઓ પાસેથી મોબાઇલ, મંકી કેપ, હાથ મોજા,ફેસ માસ્ક,સ્ક્રુ ડ્રાઇવર સહિત ઘરફોડ ચોરી માટે ઉપયોગમાં લીધેલ સાધનો કબ્જે કરી આગળની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.
સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શાળા કોલેજોમાં બનતી ઘરફોડ ચોરી જેવી ઘટનાઓને ડામવા અને ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત ક્રાઈમ બ્રાન્ચે ભારે કમર કસી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આવેલી શાળા કોલેજોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરતી તામિલનાડુની કુખ્યાત સેલમ ગેંગના મુખ્ય બે આરોપીઓ સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા હરી દર્શન ના ખાડા પાસે હાલ ઊભા છે. જે ચોક્કસ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે વોચ ગોઠવી ગેંગના મુખ્ય આરોપી પલની સ્વામી ઉર્ફે અન્નનો મહાધીશ કઉનદર અને પરમશિવમ ઉર્ફે તમ્બિ ફૂલથાઇવેલ દેવેન્દ્રને ઝડપી પાડ્યા હતા.
આ બંને આરોપીઓ ગુનાને અંજામ આપવા માટે વોચમાં હતા તે પહેલા જ સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે બે મોબાઈલ,લેપટોપ,રોકડા રૂપિયા 70 હજાર,ચાંદીની લક્કી અને ઘરફોડ ચોરી કરવા ઉપયોગમાં લેવાતી મંકી કેપ, ગરમ ટોપી, હાથના મોજા, ફેસ માસ્ક, સ્કાફ, સ્ક્રુ ડ્રાઇવર સહિત 1.22 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે પૂછપરછમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આવેલી શાળા કોલેજોમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીના 18 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા હતા. જેમાં ગુજરાતના ભીલાડ, સોનગઢ ,વાલોડ, નડિયાદ, હિંમતનગર સહિત સુરત જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી.
આ સિવાય ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની આકરી પૂછપરછમાં આ ગેંગ દ્વારા વર્ષ 2017 માં કોસંબા ખાતે આવેલી એ.વાય.દાદાભાઈ ટેકનિકલ સ્કૂલ,કિંમની વી.કે.ટેક્નિકલ ઇન્ટરનેશનલ સ્કૂલ, બારડોલીની બે સ્કૂલ અને વર્ષ 2018 માં ભરથાણા કામરેજની આત્મીય વિદ્યામંદિર, વર્ષ 2021 માં સારોલીની સરસ્વતી વિદ્યા મંદિર, વર્ષ 2023 માં ઇચ્છાપોરની આર્થ સ્કૂલ, મોટા વરાછાની પીપી સવાણી સ્કુલ તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની સ્કૂલ કોલેજોમાં છેલ્લા દસ વર્ષની અંદર 50 થી વધુ ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા સેલમ ગેંગ નો મુખ્ય આરોપી પરમ શિવમ ઉર્ફે તમ્બિ અગાઉ ભીલાડ પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર છે. જ્યારે આરોપી પલની સ્વામી ઉર્ફે અન્નનો અડાલજ અને ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈ ચોંકી ઉઠી છે.જેમાં જાણવા મળ્યું છે કે, આ આ ગેંગ તામિલનાડુની કુખ્યાત સેલમ ગેંગના નામે જાણીતી છે. છેલ્લા દસ વર્ષથી આજ દિન સુધી google પર સર્ચ કરી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આવેલી સરકારી તેમજ ખાનગી સ્કૂલ કોલેજની રેકી કરતા હતા. સ્કૂલ કોલેજની આજુબાજુમાં આવેલા ખેતર કે વાડામાં સરળતાથી લોકોની નજર ના પડે તે રીતે અંધારામાં સંતાઈ રહેતા હતા. જે બાદ ચોરી કરતી વખતે કોઈ ઓળખી ન શકે અને ફિંગર પ્રિન્ટના આવે તે માટે મંકી કેપ તથા હાથ મોજાનો ઉપયોગ કરતા હતા.
આ ગેંગના આરોપીઓ રાત્રિના સમયે સ્કૂલ કોલેજના પાછળના ભાગે, દિવાલ કૂદી અથવા સ્કૂલની બારીની ગ્રીલ તેમજ દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કરતા હતા. સ્કૂલ અથવા કોલેજની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરા ડીવીઆર, ટીવી, રાઉટર તોડી નાંખી તિજોરી અથવા કબાટ, ટેબલના ડ્રોઅરના લોક તોડી તેમાં રહેલી લાખોની રોકડ રકમ તેમજ અન્ય કીમતી ચીજ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ જતા હતા. એટલું જ નહીં પરંતુ સ્કૂલમાં રાખેલા લોકર સ્કૂલ કોલેજની આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ તે લોકર તોડી તેમાં રહેલા રોકડ રકમ સહિતની કિંમતી વસ્તુઓ ચોરી બાદમાં ફેંકી દેતા હતા. રાત્રી દરમિયાન પોલીસ નું પેટ્રોલિંગ રહેતું હોવાથી વહેલી સવાર સુધી સ્કૂલની આજુબાજુમાં સંતાઈ રહેતા હતા. ત્યારબાદ સવારના 5:30 થી 6:00 વાગ્યા ના સમય દરમિયાન લોકોની અવરજવર થાય ત્યારે ચોરી કરેલ મુદ્દામાલ લઈ ભાગી છુટ્ટતા હતા. ચોરીમાં આવેલા રોકડા રૂપિયા સરખા ભાગે વહેંચી લેતા હતા.જ્યારે કીમતી ચીજ વસ્તુઓ પોતે શનિવારી બજાર અથવા મુંબઈ દાદર ખાતે આવેલા રવિવારી બજારમાં સસ્તા ભાવે વેચી દેતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે