સુરત પોલીસ પૈસાને જ ધર્મ બનાવી બેઠી! ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં પોલીસ જ ખંડણી વસૂલવા લાગી!
ગૃહમંત્રીના શહેર સુરતમાં પોલીસ જ ખંડણી વસૂલવા લાગી છે. પોલીસ માટે શરમજનક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કમલેશ લાઠિયા વિરુદ્ધ 8 લાખની ખંડણીની વસૂલાતની ફરિયાદ મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: પોલીસ પ્રજાના રક્ષણ માટે છે, પરંતુ સુરત શહેરની પોલીસ પૈસાને જ ધર્મ બનાવી બેઠી હોય તેમ લાગે છે. ગૃહમંત્રીના શહેર સુરતમાં પોલીસ જ ખંડણી વસૂલવા લાગી છે. પોલીસ માટે શરમજનક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કમલેશ લાઠિયા વિરુદ્ધ 8 લાખની ખંડણીની વસૂલાતની ફરિયાદ મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે. હીરાની છેતરપિંડીના કેસમાં આરોપીઓને નિર્દોષ છોડાવી દેવાની લાલચ આપી આરોપીના મોટા ભાઈ પાસેથી 8 લાખનો તોડ કર્યા હોવાનો આક્ષેપ છે.
મહિધરપુરાની પીપળા શેરીમાં હીરાનો વેપારલ કરતા મનિષ મનહરભાઇ પટેલ (ઉ.વ. ૩૯ ધંધો. હીરાનો વેપાર રહે. સી/૦૯, રાધેશ્યામ સોસાયટી, સિંગણપોર ચાર રસ્તા, કતારગામ, સુરત શહેર મુળ વતન ગામ. ખોપાળા તા. ગઢડા જી. બોટાદ) એ બિપીન તેજાણી અને કમલેશ લાઠિયા વિરુદ્ધ ફરિયાદ આપી છે. મનહર પટેલે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ગઈ તા. 15 ઓક્ટોબર 2022ના રોજ મહિધરપુરા પોલીસ મથકમાં હીરાની છેતરપિંડીની એક ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં તેમના નાનો ભાઈ ધર્મેશ મનહર પટેલ, તેના સાળા વિશાલ ભાદાણી તેમજ મિત્ર નિલેશ નાવડીયા સહ આરોપી તરીકે નામ ખૂલ્યા હતા. જેથી તેમના ભાઈ સહિતના અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
દરમિયાન ભાઈને આ ગુનામાંથી બચાવવા માટે મનિષ પટેલે પ્રયાસો શરૂ કર્યા હતા.તે પ્રયત્નો દરમિયાન મિત્ર નિલેશ નાવડીયાના એક મિત્ર બિપિનભાઇ તેજાણી (મુળ વતન ગામ ઘેટી) નો ફોન આવ્યો હતો અને નિલેશે “”હું તમારૂ ફરીયાદી સાથે સમાધાન કરાવી દઇશ અને આ સમાધાનમાં જેના હિરા છે તે કમલેશ ખત્રી ને મારા ઓળખિતા પોલીસ વાળા કમલેશ લાઠીયા કે જે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે તેઓ ઓળખે છે અને મોટું નામ ધરાવે છે તેઓ આ મેટરમાં સમાધાન કરાવી આપશે” તેવું આશ્વસન આપ્યું હતું.
જોકે, મનિષ પટેલને વિશ્વાસ નહીં હોય તેઓએ બિપીન તેજાણીને કોઈ જવાબ આપ્યો નહોતો. દરમિયાન બિપિન તેજાણીએ વારંવાર આ કેસમાં સમાધાન કરાવી આપવા ફોન કર્યો હતો અને પોતાની લાગવગ છેક હાઇકોર્ટ સુધી છે તેવી વાતો કરી હતી. તેથી પોતાના ભાઈને કેસમાંથી છોડાવવા બિપિન તેજાણીને કામ સોંપ્યું હતું. શરૂઆતમાં તેજાણીએ 15 લાખની માંગણી કરી હતી, જે આપવાનો ઈનકાર કરતા રકમ ઘટાડશે તેમ કહી એફ.એસ.એલ ફાલસાવાડી, રીંગરોડ પાસે બોલાવી પોલીસ કોન્સ્ટેબલ કમલેશ લાઠીયા સાથે મુલાકાત કરાવી હતી.
કમલેશ લાઠીયાએ “પોતે ઉપર સુધી લાગવગ કરીને કેસ પુરો કરાવી આપશે” તેવું જણાવી બિપિન તેજાણીને આઠ લાખ રૂપિયા આપવા સૂચના આપી હતી. તેથી ઉધાર લઈ મનિષ પટેલે 8 લાખ રૂપિયા બિપીન તેજાણીને આપ્યા હતા. જોકે, ત્યારબાદ પણ મહિધરપુરા પોલીસ તથા સુરત શહેરની અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ માણસો ઘરે વારંવાર તપાસ માટે આવતા હતા. ત્યારે બિપિન તેજાણીએ ફોન કરીને જલદીથી કેસ પુરો કરાવવા માટે પૂછતા તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. ત્યાર બાદ કંટાળીને હીરાના વેપારીએ પોતાના ભાઈને છોડાવવા આગોતરા જામીન મેળવવા કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
હીરાના વેપારીએ રૂપિયા પરત માંગતા બિપિન તેજાણીએ “કયા પૈસા અને કેવા પૈસા” કહી વાત ઉડાડી દીધી હતી. ત્યાર બાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. બિપિન તેજાણી તેના ઘરે પણ નહોતો. આખરે હીરાના વેપારીએ હારી થાકી જઈ બિપીન તેજાણી અને પોલીસ કોન્સ્ટેબલ કમલેશ લાઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે