રાજ્યના ધારાસભ્યોના પગારમાં 25 ટકાનો વધારો, હવે મળશે માસિક રૂ.1,16,316

ગુજરાતના ધારાસભ્યોને હાલ પગાર-ભથ્થા સહિત માસિક રૂ.70,727 મળતા હતા, જે વધીને રૂ.1,16,316 થશે, પદાધિકારીઓના પગારભથ્થા પણ રૂ.86,804થી વધારીને રૂ.1,32,395 કરાયા, ધારાસભ્યોનું દૈનિક ભથ્થું રૂ.200થી વધારીને રૂ.1,000 થશે, પગારવધારાનો અમલ વિધાનસભાની રચના થયાની તારીખથી મળવાપાત્ર, કુલ રૂ.45,000નો વધારો કરાયો 

રાજ્યના ધારાસભ્યોના પગારમાં 25 ટકાનો વધારો, હવે મળશે માસિક રૂ.1,16,316

ગાંધીનગરઃ ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહમાં ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ, વિરોધપક્ષના નેતાઓ સહિતના પદાધિકારીઓના પગાર – ભથ્થા સુધારા વિધેયકને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આથી હવે,  ધારાસભ્યોને સરકારના નાયબ સચિવ કક્ષાના વર્ગ-૧ના અધિકારી સમકક્ષ મૂળ પગાર મળશે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ, વિરોધપક્ષના નેતાઓ સહિતના અન્ય પદાધિકારીઓ-ધારાસભ્યોને મળવાપાત્ર મૂળ પગારમાં ૨૫ ટકાનો પગાર વધારો મંજૂર કરાયો છે. સભ્યોને 14મી વિધાનસભાની પ્રથમ બેઠકની તારીખથી અને પદાધિકારીઓને સૂચિત પગાર ભથ્થા વધારાનો લાભ હાલની વિધાનસભાની રચના થયા તારીખ એટલે કે તા. 22-12-2017થી મળવાપાત્ર થશે. 

ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ અને વિરોધ પક્ષના નેતાઓના પગાર અને ભથ્થાને લગતા કાયદા (સુધારા) વિધેયક, ૨૦૧૮ને ગૃહમાં રજૂ કરતા સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યો સહિત પદાધિકારીઓની સરખામણીમાં ગુજરાત વિધાનસભાના સભ્યો અને પદાધિકારીઓને મળતા પગાર અને ભથ્થા ઓછા છે. વર્ષ- ૨૦૦૫થી તેમાં કોઇ વધારો કરાયો નથી. 

પ્રદિપસિંહ જાડેજાએ સુધારા વિધેયકને રજૂ કરતા વધુમાં જણાવ્યું કે, ધારાસભ્યોને જનસંપર્કની કામગીરી અર્થે સતત પ્રવાસો કરવા પડતા હોવાથી અને કાર્યાલય ખર્ચમાં વધારો થયો હોવાથી પગાર-ભથ્થામાં વધારો આવશ્યક બન્યો છે. હાલમાં ધારાસભ્યોને રાજ્ય સરકારના ઉપ સચિવને મળવાપાત્ર લધુત્તમ મૂળ પગારને બદલે નાયબ સચિવની કક્ષામાં મળવાપાત્ર લધુત્તમ મૂળ પગાર મળવાપાત્ર થશે. 

નવા સુધારા મુજબ ધારાસભ્યોના પગારમાં થયેલો વધારો 

વિગત        જૂનો પગાર    નવો પગાર
મૂળ પગાર        56,100    78,800
મોંઘવારી ભથ્થું    4,627    5,516
ટેલિફોન ભથ્થું    4,000    7,000
અંગત મદદનીશ ભથ્થું    3,000    20,000
સ્ટેશનરી ખર્ચ        3,000    5,000
કુલ પ્રતિમાસ    70,727    1,16,316

એટલે કે, ધારાસભ્યોને પ્રતિમાસ રૂા.45,589 જેટલી વધુ રકમ મળવાપાત્ર થશે. 

જાડેજાએ વધુમાં જણાવ્યું કે, હાલમાં વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ અને વિરોધપક્ષના નેતા સહિતના પદાધિકારીઓને ધારાસભ્યોને મળતા મૂળ પગાર કરતાં ૨૫ ટકા વધુ મૂળ પગાર મળે છે. તેમાં સૂચિત જોગવાઇ અનુસાર મૂળ પગાર રૂા. 70,125ના સ્થાને રૂા.98,000, એકત્રિત ભથ્થું રૂા. 7,0000ના બદલે રૂા.20,.000, વાહન ભથ્થું રૂા. 4,000ના બદલે રૂા. 7,000, મોંઘવારી ભથ્થું રૂા.5,679ના સ્થાને રૂા.6,895 ચૂકવવામાં આવશે. સભ્ય સિવાયના પદાધિકારીઓને પ્રતિમાસ રૂા.86,804ના બદલે નવી જોગવાઇ મુજબ પ્રતિમાસ રૂા.1,32,395 મળવાપાત્ર થશે. એટલે કે પદાધિકારીઓને પ્રતિમાસ રૂા.45,591 જેટલી વધુ રકમ મળવાપાત્ર થશે. 

સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રદિપસિંહે વધુમાં જણાવ્યું કે, વિધાનસભા સભ્યોના પગાર તથા ભથ્થા બાબત અધિનિયમ, ૧૯૬૦ની કલમ-૪ મુજબ સભ્યોને હાલ દૈનિક ભથ્થું રૂા.200 મળે છે, તે વધારીને રૂા.1,000 કરવાની જોગવાઇ કરાઈ છે. વિરોધપક્ષના નેતાને હાલ પ્રતિમાસ ટપાલ ખર્ચના રૂા.1,000 મળે છે, તેને વધારીને રૂા.10,000 કરાશે. 

દેશના અન્ય રાજ્યોના ધારાસભ્યોને હાલમાં મળતા પગાર – ભથ્થાની વિગતો નીચે પ્રમાણે છે.
1. ઉત્તરાખંડ - રૂ.2,91,000
2. તેલંગાણા - રૂ.2,50,000
3. ઝારખંડ - રૂ.2,25,000
4. મહારાષ્ટ્ર - રૂ.2,13,130 
5. હિમાચલ પ્રદેશ - રૂ.2,10,000
6. ઉત્તરપ્રદેશ - રૂ.1,95,000 
7. હરીયાણા -  રૂ.1,65,000
8. જમ્મુ-કાશ્મીર - રૂ.1,60,000 
9. દિલ્હી - રૂ.1,34,000 
10.આસામ - રૂ.1,30,000
11. રાજસ્થાન - રૂ.1,30,000
12. પંજાબ - રૂ.1,14,000 
13. બિહાર - રૂ.1,14,000
14. પશ્ચિમ બંગાળ - રૂ.1,13,000 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news