મોટો ઘટસ્ફોટ: સરકારી બસ બની ડ્રગ્સ હેરાફેરીનું એપી સેન્ટર! આ વિસ્તારમાંથી ઝડપાયું 2 કરોડનું ડ્રગ્સ

ahmedabad news : અમદાવાદના ગીતા મંદિર નજીકથી 2 કિલો અંદાજે 2 કરોડની કિંમતના MD ડ્રગ્સ સાથે એક ઉત્તર પ્રદેશના આરોપીને SOG ક્રાઇમે ઝડપી પાડ્યો છે
 

મોટો ઘટસ્ફોટ: સરકારી બસ બની ડ્રગ્સ હેરાફેરીનું એપી સેન્ટર! આ વિસ્તારમાંથી ઝડપાયું 2 કરોડનું ડ્રગ્સ

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં થતી ડ્રગ્સની મોટી ડિલિવરી SOGએ ઝડપી તપાસ કરતા મોટા ખુલાસા થયા છે. અમદાવાદના ગીતામંદિર પાસે ખાનગી બસમાં જયપુરથી અમદાવાદ આવેલા ડ્રગ્સ કેરિયરની ધરપકડ કરી તેની પાસેથી 2 કરોડ ની કિંમતનું 2 કિલોથી વધુ એમ.ડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. જે મામલે ઉત્તરપ્રદેશના મુખ્ય સ્પ્લાયરનું નામ સામે આવતા એસઓજીની બે ટીમ આરોપીની ધરપકડ માટે રવાના કરાઈ છે. પકડાયેલા આરોપી એક બે કિલો નહીં પરંતુ અંદાજે 15 કિલો એમ.ડી ડ્રગ્સ ઉત્તરપ્રદેશથી લઈને નિકળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

અમદાવાદ શહેર એસઓજીની ટીમે ગીતામંદિર પાસે મહાવીર ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવેલા મહેશકુમાર નિષાદ નામનાં શખ્સની ધરપકડ કરી હતી, જે કેસમાં તેની પાસે 2 કિલો એમ.ડી ડ્રગ્સ મળી આવતા એસઓજીને મોટી સફળતા મળી છે. પકડાયેલા આરોપી ઉત્તરપ્રદેશના સદ્દામ ઉર્ફે રઈશ નામના શખ્સ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હોવાનું સામે આવ્યુ છે. 

આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો છે. આરોપીની તપાસમાં સામે આવ્યું કે તે ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં આવેલા વમોલી ગામનો રહેવાસી છે. અને તેને ત્યાંનાં સદ્દામ ઉર્ફે રહીશ નામના શખ્સે આ ડ્રગ્સનો જથ્થો આપી અમદાવાદમાં ડિલિવરી કરવા માટે મોકલ્યો હતો. આરોપીની ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે તે ઉત્તરપ્રદેશથી અંદાજે 15 કિલો એમડી ડ્રગ્સ લઈને નીકળ્યો હતો અને ત્યાંથી જયપુર ગયો હતો. જ્યાં તે એક હોટલ માં અંદાજે 4 થી 6 કલાક રોકાયો હતો અને બાદમાં મહાવીર ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવ્યો હતો. 

મુખ્ય આરોપીએ મહેશકુમાર નિષાદને એક નવો મોબાઈલ ફોન અને તેમાં ડમી સિમ આપ્યું હતું. જે ફોનમાં માત્ર સદ્દામ નો નંબર હતો અને તેને અમદાવાદ પહોંચી ને સદ્દામ ને ફોન કરવાનો હતો. જે બાદ સદ્દામ ડ્રગ્સ ડીલીવરી ને ફોન કરીને મહેશ નિષાદ નો ફોટો અને લોકેશન મોકલી ડ્રગ્સ રીસીવ કરવા નો હતો. જોકે તે પહેલા જ તેને ઝડપી લેવાયો છે.

આ મામલે પકડાયેલા આરોપી અગાઉ પણ ગુજરાતમાં રાજકોટ સહિતની જગ્યાઓ પર 2 કિલો કરતા પણ વધુ એમ.ડી ડ્રગ્સ ના જથ્થાને ડિલિવરી કરી ચુક્યો હોવાનો ખુલાસો થયો છે અને છેલ્લા 2 મહિનાથી તે ગુજરાતમાં ડ્રગ્સ ની ડિલિવરી કરવા માટે કેરિયર તરીકે કાર્યરત હોવાનું ખુલ્યું છે. તે 7-8 વાર અલગ અલગ રાજ્યોમાં ડ્રગ્સનો મોટો જથ્થો ડિલિવરી કરી ચુક્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

મહત્વનું છે કે આ ગુનામાં ઝડપાયેલા આરોપી મહેશ નિષાદ અગાઉ મુંબઈમાં હતો તે સમયે તેનો સંપર્ક સદ્દામ ઉર્ફે રઈશ સાથે થયો હતો અને બન્ને જણા એ આ કામ શરૂ કર્યું હતું. રઈશ અગાઉ બે જગ્યા ઓ પર ડ્રગ્સ ના કેસમાં ઝડપાઈ ચુક્યો હોવાની બાબત પણ તપાસમાં ખુલી છે. સદ્દામ ઉર્ફે રઈશ પકડાયેલા આરોપી મહેશ નિષાદ ને એક વાર ડ્રગ્સની ડિલીવરી કરવા માટે 50 હજાર રૂપિયા આપતો હતો. જેમાં ડ્રગ્સ લઈને નીકળે ત્યારે 10 હજાર રૂપિયા અને ડિલિવરી પૂર્ણ કરીને તે પરત ફરે ત્યારે બીજા 40 હજાર રૂપિયા આપતો હતો.

અમદાવાદ શહેરમાં થતી ડ્રગ્સની ડિલીવરી માં અગાઉ રાજસ્થાન, મુંબઈ અને મધ્યપ્રદેશ કનેક્શન ખુલતા હતા જોકે પહેલી વાર ઉત્તરપ્રદેશ કનેક્શન ખુલ્યું છે. જેથી એસઓજીની ટીમે મુખ્ય આરોપીને પકડવા બે ટીમો મોકલી છે. આ કેસમાં સંકળાયેલા અમદાવાદ નાં ડ્રગ્સ કેરિયર અને રીસીવર સહિતના તમામ આરોપીની ધરપકડ માટે તપાસ તેજ કરી છે. 

અમદાવાદ શહેરમાં ડ્રગ્સનું ચલણ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. ગત વર્ષે એસઓજીએ ક્રાઈમે NDPS ના કુલ 37 કેસ કર્યા હતા, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 30 કેસ કરવામાં આવ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ડ્રગ્સ માફિયાઓ અમદાવાદ શહેરમાં પગપેસારો કરી રહ્યા છે. જોકે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી પકડાયા બાદ દેશના અનેક રાજ્યોમાં થતી એમ.ડી ડ્રગ્સની ડીલીવરીનું મોટું રેકેટ પકડાઈ તેવી શક્યતા ઓ સેવાઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news