શેર માટીની ખોટ પુરી કરે છે ગુજરાતનો આ મેળો! તબીબી પ્રયાસોથી થાકયા બાદ સંતાનવાંચ્છુ દંપતી આવે છે માનતા લેવા!
પંચમહાલમાં યોજાય છે એક એવો મેળો જ્યાં સંતાન પ્રાપ્તીની માનતા માટે જતા માર ખાવો પડે છે. જો કે માનતા દરેકની પૂર્ણ પણ થાય છે. જે અંતર્ગત ઘોંધબા તાલુકાના ખાનપાટલા ગામે ચાડીયાનો મેળો યોજાયો હતો. આ મેળા સાથે આજુબાજના ગામના રહીશોની અનોખી આસ્થા સંકળાયેલી છે.
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં આદિવાસીઓમાં હોળી ધુળેટી પર્વનું વિશેષ મહત્વ છે. આદિવાસીઓ માટે સૌથી મોટા ગણાતા હોળીના તહેવાર બાદ અહીં પારંપારિક મેળાઓનો પ્રારંભ થતો હોય છે. જે અંતર્ગત ઘોંધબા તાલુકાના ખાનપાટલા ગામે ચાડીયાનો મેળો યોજાયો હતો. આ મેળા સાથે આજુબાજના ગામના રહીશોની અનોખી આસ્થા સંકળાયેલી છે.
અહીં સંતાનવાંચ્છુ દંપતી તબીબી પ્રયાસોથી થાકયા બાદ અહીં માનતા લેવા માટે આવે છે. જોકે અહી લેવામાં આવતી માનતા કોઈ પણ દંપતીની આજ દિન સુધી નિષ્ફળ થઈ નથી. જેથી વર્ષોની પરંપરા આજે પણ જીવંત છે. ગત વર્ષે માનતા લેનારના ઘરે પણ પારણું બધાયું હતું અને પુત્રનો જન્મ થયો છે.
ચાડીયાના મેળામાં સંતાન પ્રાપ્તિ માટે લેવામાં આવતી માનતા થોડી કઠિન હોય છે. અહીં સ્થાનિક દંપતિ પોતાની માનતા માટે એક પાઘડીમાં ગોળ અને શ્રીફળ ગામના પૂજારી દ્વારા પૂજા કર્યા બાદ બાંધે છે. જેને માનતા લેનાર યુવક અહીં આવેલા ટીમ્બરવાના ઉંચા વૃક્ષ ઉપર બાંધે છે. જેને અન્ય ગામમાંથી માનતા લેવા આવેલો યુવક વૃક્ષ ઉપર ચડી ઉતારવાની પરંપરા છે. જોકે વૃક્ષ ઉપર શ્રીફળ લેવા ચઢનાર યુવકને ગામની યુવતીઓ શેરડીની સોટી લઈ વૃક્ષ ફરતે ઉભી હોય છે. જેનો વૃક્ષ ઉપર ચડતાં અને ઉતરતી વેળાએ મીઠો માર સહન કરવો પડે છે.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અહીં ઉત્સાહ અને ઉત્તેજના સભર માહોલ જોવા મળે છે. જોકે શેર માટીની ખોટ પુરી કરવા માટે માનતા લેનાર યુવક યુવતીઓના મારની ચિંતા કરતો નથી. વળી મારમાંથી બચવા માટે ચપળતા દાખવી આજુબાજુ ઉભેલા માણસોના ટોળામાં કૂદકો લગાવી દેતો હોય છે. જેથી મારમાંથી બચી જતો હોય છે અને ત્યારબાદ હોળીની પ્રદક્ષિણા કરે છે.
જો કે વાત આસ્થા અને શ્રદ્ધાની હોય ત્યાં પુરાવાઓની જરૂર નથી હોતી. એ વાત કદાચ વર્ષોથી પરંપરાગત રીતે યોજાતો ચાડીયાના મેળો આજે પણ પોતાની ઓળખ જાળવી રાખી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે