142 કરોડના ખર્ચે સોલા સિવિલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરાશે તબદીલ

નીતિન પટેલની જાહેરાત, 1200 પથારીની સુવિધાની સાથે તમામ પ્રકારની હાઈકેટ સારવાર ઉપલબ્ધ બનાવવાનું સરકારનું આયોજન 
 

142 કરોડના ખર્ચે સોલા સિવિલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરાશે તબદીલ

ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરતા જણાવ્યું કે, 142 કરોડના ખર્ચે ગુજરાત હાઈકોર્ટની બાજુમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાયુક્ત બનાવાશે. એટલે કે સોલા સિવિલને હવે સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવશે. નવી બનનારી હોસ્પિટલમાં 1200 પથારીની સુવિધા ઉપલબ્ધ બનશે અને તમામ પ્રકારની હાઈટેક સારવાર દર્દીઓને વિના મુલ્યે અથવા તો રાહત દરે આપવામાં આવશે. 

નીતિન પટેલે જણાવ્યું કે, સોલા સિવિલમાં 2010 થી મેડિકલ કોલેજ કાર્યરત છે. રાજ્ય સરકાર તરફથી સોલાની સિવિલ હોસ્પટલ કેમ્પસમાં 150 પથારીની સુવિધા સાથેની મેડિકલ કોલેજ શરૂ કરાઈ છે, અહીં પીજી મેડિકલ પણ શરૂ કરાયું છે. રાજ્ય સરકારને 49 એકર જમીનની મંજૂરી મળી છે. અહીં 61,000 ચોરસમીટરનું 10 માળનું નવું બિલ્ડિંગ બનાવવાનું આયોજન છે. 

અહીં સામાન્ય રીતે દરરોજ 1400 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે. અહીં સ્પિટલમાં અત્યારે 750 પથારીની સુવિધા છે અને મોટી સંખ્યામાં દર્દીઓ જુદા-જુદા રોગની સારવાર માટે આવતા હોવાથી તેની ક્ષમતા ઓછી પડે છે. આ સંકુલમાં અત્યારે સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ ઉપરાંત ટ્રોમા સેન્ટર, મેડિકલ કોલેજ, બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલ ઉપરાંત પીજીના વિદ્યાર્થીઓ માટે પણ હોસ્ટેલ અને ડોક્ટર્સના ક્વાર્ટર ઉપલબ્ધ છે.  

અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પૂર્વ અમદાવાદમાં આવેલી અસારવાની સિવિલ હોસ્પિટલમાં હિંમતનગરથી નડિયાદ, આણંદ સુધીના દર્દીઓ સારવાર લેવા આવે છે. આથી હવે સોલા સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી સારવાર આપવા માટે નવી હોસ્પિટલનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. અહીં કાર્ડિયોલોજિ ઉપરાંત તમામ પ્રકારની સુપરસ્પેશિયાલિટી સારવાર આપવામાં આવશે. નેફ્રોલોજી, કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી, ગેસ્ટ્રોલોજી, સહિતની તમામ સારવાર ઉપલબ્ધ બને તેવું આયોજન કરાશે. હાલ અહીં આ પ્રકારના દર્દોની પ્રાથમિક સારવાર જ અપાતી હતી. 

પશ્ચિમ અમદાવાદનો વિસ્તાર હવે વિકસી ગયો છે એટલે અહીંના લોકોને આરોગ્યની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા સરકાર આ આયોજન કરવા માગે છે. અહીં કેથલેબની તમામ સુવિધા પણ ઉભી કરવામાં આવશે. હૃદયરોગ, કિડની સહિતના તમામ રોગોની ઉત્તમ સારવાનું આયોજન કરવા માગે છે. અમદાવાદની અસારવા હોસ્પિટલ જેવી જ તમામ સુવિધાઓ સોલા સિવિલ હોસ્પિટલમાં ઊભી કરવાનું સરકારનું આયોજન છે. 

સુરતમાં બનશે કિડની હોસ્પિટલ
નીતિન પટેલે આ સાથે જ જાહેરાત કરતા જણાવ્યું કે, સુરતમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં 54 કરોડના ખર્ચે કિડની હોસ્પિટલ ઊભી કરવામાં આવશે. સુરતમાં 200 પથારીની નવી હોસ્પિટલનું નિર્માણ કરવાની મંજુરી મળી છે. હાલ, કેન્દ્ર સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે 120 કરોડની સહાય આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news