સપ્તશૃંગી માતાજીના જૂના સ્વરૂપના દર્શન થશે, 500 વર્ષથી ચઢેલા સિંદુરના થપેટાને દૂર કરાયા
સાપુતારા નજીક આવેલ સપ્તશૃંગી માતાજીનું મંદિર નોરતાના પ્રથમ દિવસે ભક્તો માટે ખુલ્લું મુકાશે... 500 વર્ષ જૂનું સપ્તશૃંગી માતાજીનું સ્વરૂપ પ્રથમ નોરતે ભક્તોની સામે આવશે
- સાપુતારા નજીક આવેલ સપ્તશૃંગી માતાજીનું મંદિર નોરતાના પ્રથમ દિવસે ભક્તો માટે ખુલ્લું મુકાશે
- 500 વર્ષ જૂનું સપ્તશૃંગી માતાજીનું સ્વરૂપ પ્રથમ નોરતે ભક્તોની સામે આવશે
- માતાજીની પરંપરાગત રીતે સિંદૂર લગાવી પૂજા કરાતાં મૂળ મૂર્તિ સિંદૂર લેપની પાછળ હતી
- ભક્તોને દેવીના અતિ પ્રાચીન, મનોહર અને રહસ્યમય સ્વરૂપનો અનુભવ થશે
Trending Photos
હિતાર્થ પટેલ/ડાંગ :સાપુતારા નજીક મહારાષ્ટ્રના વનીમાં આવેલા સપ્તસૃંગી માતાજીમાં ભક્તોને ખૂબ જ આસ્થા છે. અહીં ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે. 500 વર્ષ જૂના માતાજીના આ મંદિરમાં સપ્તશ્રૃંગી માતાજીની પરંપરાગત રીતે સિંદૂર લગાવીને પૂજા કરવામાં આવતી હતી. જેને કારણે મૂળ મૂર્તિ આ સિંદૂર લેપની પાછળ છુપાઈ ગઈ હતી. ત્યારે ધાર્મિક વિધિવિધાન સાથે આ સિંદુરના થપેટાને દૂર કરવામાં આવ્યું છે. માતાજીની મૂર્તિનું સંરક્ષણનું કામ હાલ પૂર્ણ થઈ ગયું છે. હવે સપ્તશૃંગી માતાજીનું મંદિર નોરતાના પ્રથમ દિવસે ભક્તો માટે ખુલ્લું મુકાશે.
સપ્તશૃંગી મંદિરના ટ્રસ્ટી લલિત નિકમે આ વિશે જણાવ્યું કે, સપ્તશ્રૃંગી માતાજીનું મંદિર શક્તિપીઠોમાંથી એક છે. આ મંદિરનું મહાત્મય નવરાત્રિમાં વધુ હોય છે. નવરાત્રિમાં અહી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે હવે મંદિર શરદ નવરાત્રિના 26 મી તારીખથી ભક્તો માટે ખોલવામાં આવશે. 500 વર્ષ જૂનું સપ્તશૃંગી માતાજીનું સ્વરૂપ પ્રથમ નોરતે ભક્તોની સામે આવશે. માતાજીની પરંપરાગત રીતે સિંદૂર લગાવી પૂજા કરાતાં મૂળ મૂર્તિ સિંદૂર લેપની પાછળ હતી. ત્યારે આ લેપ હટી જતા ભક્તોને દેવીના અતિ પ્રાચીન, મનોહર અને રહસ્યમય સ્વરૂપના દર્શન થશે.
આ મંદિર ફરી ખુલ્લુ મૂકવા પાછળનું કારણ
500 વર્ષ જૂના માતાજીના મંદિરે વર્ષોથી શ્રી સપ્તશ્રૃંગી દેવીની પરંપરાગત રીતે સિંદૂર લગાવીને પૂજા કરવામાં આવતી હતી. આથી મૂળ મૂર્તિ આ સિંદૂર લેપની પાછળ હતી. મૂર્તિ પર સિંદૂર એટલું બધુ ફેલાયુ હતું કે માતાજીનું મૂળ સ્વરૂપ જ બદલાઈ ગયુ હતું. તેથી માતાજીની મૂર્તિ પરથી સિંદૂર હટાવવાનું નક્કી કરાયું હતું. શ્રી સપ્તશ્રૃંગી નિવાસીની દેવી ટ્રસ્ટ પુરાતત્ત્વ વિભાગની સાથે ટ્રસ્ટી મંડળ, મુંબઈ સાથે યોગ્ય ચર્ચા, વિચારણા અને જિલ્લા વહીવટી તંત્ર સાથેના સંકલન બાદ આ નિર્ણય લેવાયો હતો. હવે મૂર્તિ પરથી સિંદૂર હટાવવાની તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થઈ ગયી છે.
21 જુલાઈ, 2022 ના રોજ મૂર્તિના સંરક્ષણ અને જાળવણી માટે કામ શરૂ કરવામાં આવ્યું હતું. શ્રી સપ્તશ્રૃંગી દેવીની મૂર્તિ જેમાં શ્રી ભગવતીની મૂર્તિ પર વર્ષોથી એકઠા થયેલા સિંદૂરના લેપને ધાર્મિક વિધિવત રીતે દૂર કરવામાં આવ્યું છે. દોઢ મહિનામાં મૂર્તિના સંરક્ષણનું કામ પૂર્ણ થઈ ગયું છે. આજે 10 મી સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યું હોવાથી શાસ્ત્રો અનુસાર આ સમય ભક્તો માટે દેવીનાં દર્શન યોગ્ય નથી. આ સમયગાળા દરમિયાન કેટલીક ધાર્મિક વિધિઓ નવરાત્રિ પર્વ પહેલાં પૂર્ણ થઈ જશે. 26 મી સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થતો હોવાથી ઘટસ્થાપનના પ્રથમ દિવસે દેવીનું મંદિર ભક્તોના દર્શન માટે ખોલવામાં આવશે.
નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોને દેવીના અતિ પ્રાચીન, મનોહર અને રહસ્યમય સ્વરૂપનો અનુભવ થશે. જેનો લાભ માતાજીના ભક્તો અવશ્ય લે એવું પણ જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે