શ્વાનની કથળી ગયેલી હાલત જોઈ રૂવાડાં ઉભા થઇ જશે! વફાદાર શ્વાનનો માલિક ગદ્દાર નીકળ્યો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા નાકા પાસે એક શ્વાનને બંદી બનાવવામાં આવ્યો હોવાની માહિતીના આધારે કેટલાક શ્વાન પ્રેમીઓ આ અબોલ જીવનું રેસ્કયુ કરવા માટે પહોચ્યાં હતા. જ્યાં શ્વાનની કથળી ગયેલી સ્થિતિ જોઈ તેઓના રુવાડા ઉભા થઇ ગયા હતા.

શ્વાનની કથળી ગયેલી હાલત જોઈ રૂવાડાં ઉભા થઇ જશે! વફાદાર શ્વાનનો માલિક ગદ્દાર નીકળ્યો

હાર્દિક દીક્ષિત/વડોદરા: જ્યારે તમે કોઈ પાલતુ શ્વાનને જુઓ ત્યારે એ શ્વાનની તેના માલિક પ્રત્યેની વફાદાર જોઈ તરત જ બોલીવુડની તેરી મહેરબાનીયા ફિલ્મ યાદ આવી જાય. એ ફિલ્મમાં શ્વાનની તેના માલિક પ્રત્યેની વફાદારીને ખુબ સુંદર રીતે વર્ણવવામાં આવી છે. શ્વાનની વફાદારી જોઈ તમને ય મન થાય કે આપડા ઘરમાં પણ એક શ્વાન હોવું જ જોઈએ.

ત્યારે વડોદરા શહેરમાં એક વફાદાર શ્વાનનો માલિક ગદ્દાર નીકળ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા નાકા પાસે એક શ્વાનને બંદી બનાવવામાં આવ્યો હોવાની માહિતીના આધારે કેટલાક શ્વાન પ્રેમીઓ આ અબોલ જીવનું રેસ્કયુ કરવા માટે પહોચ્યાં હતા. જ્યાં શ્વાનની કથળી ગયેલી સ્થિતિ જોઈ તેઓના રુવાડા ઉભા થઇ ગયા હતા.

શ્વાનની દયનીય સ્થિતિ જોઈ શ્વાન પ્રેમીઓ દ્વારા શ્વાનના માલિકને ટકોર કરવામાં આવી હતી, ત્યારે શ્વાન માલિક અચાનક રોષે ભરાઈ ગયો હતો અને શ્વાનનું રેસ્ક્યૂ કરવા ગયેલા લોકો સાથે ગાળાગાળી કરી મારવા માટે તૂટી પડ્યો હતો. ત્યારે શ્વાન પ્રેમીઓ તેમજ શ્વાન માલિક વચ્ચે છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

ઉલ્લેખનીય છે કે શ્વાન પ્રેમીઓ જ્યારે શ્વાનને બંદી બનાવ્યો હતો તે સ્થળે પહોચ્યા ત્યારે તેમને જોયું હતું કે શ્વાન પોતાના પગ પર ઊભું થઈ શકે તેવી સ્થિતિમાં પણ નહોતું. તો સાથે જ સમયસર ખોરાક નહિ મળવાના કારણે તેના શરીર પરથી વાળ ખરી પડ્યા હતા અને તે શારીરિક રીતે ખૂબ જ કમજોર થઈ ગયું હતું. જેથી કેટલાક શ્વાન પ્રેમીઓ દ્વારા આ શ્વાનનું રેસક્યૂ કરી તેને તાત્કાલિક સારવાર મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

શ્વાન માલિક દ્વારા કરવામાં આવેલી મારપીટના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે, જેમાં શ્વાનનો માલિક પ્રશાંત નામનો ઈસમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શ્વાન માલિક દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે જીવદયા પ્રેમી સંજય સોની સાથે કરવામાં આવેલી વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે રેસ્કયૂ ટીમ પર થયેલા હુમલામાં એક મહિલા અગ્રણી (જીવદયપ્રેમી) શિખા પટેલને મોઢાના ભાગે ઇજાઓ પહોચી છે.

સમગ્ર ઘટના અંગે જ્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી, ત્યારે પોલીસે ફરિયાદ લેવાને બદલે ગોળગોળ ફેરવી હુમલાખોર નિર્દયી શ્વાન માલિક ને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં એનિમલ રાઈટ એક્ટીવિસ્ટ મેનકા ગાંધીએ ટેલીફોનીક વાત કરતા આખરે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news