તહેવારોમાં ડાકોરના ઠાકોર અને હનુમાનજી વિવાદમાં! હવે લાખો ભક્તોની દુભાઈ રહી છે લાગણી

તહેવારો પ્રિય ગુજરાતીઓ માટે હાલમાં 2 મંદિરો વિવાદનું કેન્દ્ર બન્યા છે. ડાકોરના ઠાકોર અને સાળંગપુરના હનુમાનજીના દર્શન માટે ભક્તો કચવાટા મને જઈ રહ્યાં છે ત્યારે જ્યાં હજારોની લાઈનો લાગે છે એ મંદિરોનો શું છે વિવાદ એ અહીં જ જાણી લો....

  • તહેવારોના ટાણે મંદિરમાં હજારો ભક્તો પહોંચે છે એ સમયે જ ખોટા વિવાદો ઉભા થતાં ભક્તોની દુભાઈ રહી છે લાગણી
  • 'કિંગ ઓફ સાળંગપુર'ના નામે જગવિખ્યાત હનુમાનજીને સ્વામીના દાસ ગણાવાતાં જબરદસ્ત વિરોધ
  • ડાકોરના ઠાકોરના સન્મુખ દર્શન મામલે વિરોધ થતાં આખરે ટેમ્પલ કમિટીએ 4 શ્રેણીમાં મફત દર્શનની કરવી પડી સ્પષ્ટતા
  • ગુજરાતીઓને ડર કે ડાકોર બાદ અંબાજી, સોમનાથ અને દ્વારકામાં પણ ચાલુ થશે VIP(સન્મુખ) દર્શન  

Trending Photos

તહેવારોમાં ડાકોરના ઠાકોર અને હનુમાનજી વિવાદમાં! હવે લાખો ભક્તોની દુભાઈ રહી છે લાગણી

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતના પ્રખ્યાત મંદિરો માત્ર ભક્તિસ્થળ નથી, પરંતુ વાસ્તુ ચમત્કાર છે, જે ભૂતકાળમાં રાજ્યની ભવ્યતા રજૂ કરે છે. ગુજરાતમાં મંદિરો એ સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતીઓ કોઈની પર વિશ્વાસ મૂકે ના મૂકે પણ ભગવાન અને માતાજી પર તો જરૂર મૂકતા હોવાથી મંદિરો હંમેશાં ભક્તોથી ઉભરાય છે. તહેવારોમાં તો મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો લાગતી હોય છે.

ગુજરાતમાં એવા અનેક મંદિરો છે જેના કારણે ગુજરાતને પવિત્ર રાજ્ય માનવામાં આવે છે. આ મંદિરોને લીધે, ઘણા પ્રવાસીઓ આ સ્થળે સતત આવતા રહે છે. અહીંના તમામ મંદિરોને જોઈને જૂના સમયની યાદ આવી જાય છે અને જૂના સ્થાપત્યમાં ખૂબ જ રસ ધરાવતા લોકો માટે આ જગ્યા દરેક રીતે પરફેક્ટ છે. ગુજરાતના દેવી-દેવતાઓના મંદિરો તેમની સુંદરતા અને ભવ્યતા માટે ખાસ જાણીતા છે. એકવાર આ મંદિરોની મુલાકાત લીધા પછી, તમારા મનમાં પણ ભગવાન પ્રત્યે પ્રેમ અને ભક્તિની ભાવના જાગે છે. 

હાલમાં ગુજરાતમાં તહેવારોમાં ડાકોરના ઠાકોર અને સાળંગપુરના હનુમાનજી વિવાદમાં સપડાયા છે. ભક્તો કચવાટ મને આ ચર્ચા કરી રહ્યાં છે કારણ કે આ બંને મંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. ગુજરાતમાં ડાકોરના ઠાકોરના સન્મુખ દર્શન મામલે વિરોધ થતાં આખરે ટેમ્પલ કમિટીએ 4 શ્રેણીમાં મફત દર્શનની આજે સ્પષ્ટતા કરવી પડી છે પણ ગુજરાતીઓને ડર છે કે ડાકોર બાદ અંબાજી, સોમનાથ અને દ્વારકામાં VIP(સન્મુખ) દર્શન માટે ચાર્જ ચાલું થશે. ગુજરાત બહાર મોટા મંદિરોમાં ભગવાનના દર્શન માટે ચાર્જ લેવાય છે અને ગુજરાતીઓ ચૂકવીને દર્શન કરીને આવે છે પણ ગુજરાતમાં આ પ્રથા ન હોવાથી ગુજરાતમાં ભગવાનના દર્શન લાઈનમાં ઉભા રહીને પણ આરામથી થઈ જતા હતા. 

ડાકોરમાં ભગવાન સન્મુખ દર્શનને નામે પુરૂષોને 500 અને મહિલા માટે 250નો ચાર્જ શરૂ થતાં ડાકોર ટ્રસ્ટે ગુજરાતના મંદિરોમાં એક નવી પ્રથા શરૂ કરી છે. ભક્તો રોષ ઠાલવી રહ્યાં છે કે રૂપિયાવાળા માટે આ સુવિધા શરૂ કરી હોય તો 500 કેમ 5000 રૂપિયા લો...  ચાર્જના આ રૂપિયા ડાકોર મંદિરમાં આવતા ભકતોની સુવિધા માટે વપરાશે પણ ભક્તોને ડર એ છે કે આ કીડો સળવળીને અંબાજી, સોમનાથ, બહુચરાજી અને દ્રારકા સુધી ના પહોંચે... કારણ કે એક ટ્ર્સ્ટને જોઈને બીજા મંદિર ટ્રસ્ટો ભગવાનના સન્મુખ દર્શનનો ચાર્જ શરૂ કરશે તો ગુજરાત અને અન્ય રાજ્યોમાં કોઈ તફાવત નહીં રહે. મુઘલો સમયમાં મંદિરના દર્શનો માટે વેરો લેવાતો હતો. આ વેરો ફરી શરૂ થયો હોવાનો બળાપો ઘણા ભક્તો જાહેરમાં વ્યક્ત કરી રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં તહેવારોમાં ડાકોરના ઠાકોર સાથે કિંગ ઓફ સાળંગપુર ગણાતા હનુમાનજી પણ વિવાદમાં આવતાં ભક્તોમાં રોષનો માહોલ છે. 

વિવાદ શું છે?
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે. આ ચિત્રો ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામે વિખ્યાત હનુમાનજીની પ્રતિમા નીચે કોતરણી કરીને લગાવવામાં આવ્યાં છે. કેટલાક દર્શનાર્થીઓએ આ ચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. વાયરલ થઇ રહેલા ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ સમગ્ર વિવાદ વકર્યો છે. 

તમને જણાવી દઈએ કે, કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં સાળંગપુર મંદિર સ્થિત હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થઇ રહ્યા છે. આ ફોટા વાયરલ થયા બાદ મંદિર પ્રશાસન દ્વારા વિવાદ વધુ ન વકરે તે હેતુથી બંને ભીંતચિત્રો પર પીળા રંગનું પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવ્યું છે. આ મામલો સતત તુલ પકડી રહ્યો છે. ગુજરાતમાં ક્યારેય મંદિરો બાબતે વિવાદો થયા નથી કારણ કે મંદિર સાથે તો ગુજરાતીઓની આસ્થા જોડાયેલી હોય છે પણ હાલમાં ગુજરાતના 2 પ્રખ્યાત મંદિરો વિવાદમાં સપડાયા છે. 

ડાકોર ટેમ્પલ ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે કે ઘણા ભાવિક ભક્તોને રાજા રણછોડના સન્મુખ દર્શન કરવાની મનમાં ઈચ્છા હોય છે આવા દર્શન કરવા યોગ્ય વ્યવસ્થા કરવા ટેમ્પલ કમિટીને ખૂબ જ વિનંતીઓ મળી હતી. ભાવિક ભક્તોની લાગણીઓ ને ધ્યાનમાં રાખીને સન્મુખ દર્શનની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો છે.  ટ્રસ્ટી મંડળ તથા સેવકોએ ચર્ચા વિચારણા કરીને નિર્ણય કર્યો છે. 

આ નિર્ણયમાં કેટલીક સ્પષ્ટતા આજ રોજ ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવે છે. સન્મુખ દર્શન માટે કેટલાક ભાવિક ભક્તોને નિયત ન્યોછાવરમાંથી મુક્તિ આપવાનું નક્કી કરવામાં આવે છે. જેમાં ગર્ભવતિ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, શારીરિક અશક્ત અને દિવ્યાંગો મંદિરે દર્શન માટે જશે તો તેમને એકપણ રૂપિયા લીધા વગર સન્મુખ દર્શનનો લાભ આપવામાં આવશે. આ સિવાય ડાકોર, ઉમરેઠ અને ઠાસરાના સ્થાનિક લોકોને પણ ભગવાનાન સન્મુખ દર્શન માટે એક રૂપિયો ચૂકવવો નહીં પડે.... આ સિવાયના તમામ લોકોએ ડાકોરના ઠાકોરના સન્મુખ દર્શન કરવા હશે તો ચાર્જ ચૂકવવો પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news