ભીમાણી V/s આર્ય; 1-1 કરોડની બદનક્ષી નોટીસ ફટકારતા 'ક' ભાઇ, 'ક' ભાઇને સત્તાનાં જોરે સસ્પેન્ડ કરતા ભીમાણી!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ અને સંઘ પરિવારનાં આગેવાનોને ટાર્ગેટ કરીને યેનકેન પ્રકારે હેરાનગતી કરતા હોવાની ફરીયાદ ઉઠી છે. સરકાર અને ભાજપનાં મોવડી મંડળને રજૂઆત છતાં કોઇ નિર્ણય નહિ લેવાતા અદાલત અને પોલીસ સમક્ષ ફરીયાદો થઇ રહી છે.

ભીમાણી V/s આર્ય; 1-1 કરોડની બદનક્ષી નોટીસ ફટકારતા 'ક' ભાઇ, 'ક' ભાઇને સત્તાનાં જોરે સસ્પેન્ડ કરતા ભીમાણી!

ગૌરવ દવે/રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણધામમાંથી હવે રાજકીય અખાડો બની રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. યુનિવર્સિટીમાં ભાજપ V/s ભાજપનાં જ બે જૂથ આમને સામને લડત કરી રહ્યા છે. ઇન્ચાર્જ કુલપતિ તરીકે પ્રો. ભીમાણીને ચાર્જ સોંપવામાં આવ્યા બાદ એક વર્ષમાં 8 જેટલા સિન્ડિકેટ સભ્યોએ પોતાનાં હોદ્દા ગુમાવવા પડ્યા છે. એચ.આર.ડી.સીનાં ડાયરેક્ટર પદ્દેખી ડો. કલાધર આર્યને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ અને સંઘ પરિવારનાં આગેવાનોને ટાર્ગેટ કરીને યેનકેન પ્રકારે હેરાનગતી કરતા હોવાની ફરીયાદ ઉઠી છે. સરકાર અને ભાજપનાં મોવડી મંડળને રજૂઆત છતાં કોઇ નિર્ણય નહિ લેવાતા અદાલત અને પોલીસ સમક્ષ ફરીયાદો થઇ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રજીસ્ટાર અમિત પારેખે એચ.આર.ડી.સીનાં ડિરેક્ટર પદે થી ડો. કલાધર આર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહિં તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ કરવા પર પાબંધી લગાવવામાં આવી છે. 

ડો. કલાધર આર્યએ કહ્યું હતું કે, મેં યુનિવર્સિટીમાં જે ખોટું થઇ રહ્યું હતું તેને લઇને અવાજ ઉઠાવ્યો હતો જેનો ખાર રાખીને મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પહેલા મને તબલા સમિતીમાંથી દુર કરવામાં આવ્યો હતો જેથી મારૂ સિન્ડિકેટ પદ્દ ગયું. જે અંગે મેં સત્યની ચકાસણી કરતા જે નામથી થયેલી અરજીના આધારે મને દુર કરાયો છે તે નામની કોઇ વ્યક્તિ જ નથી. જેથી મેં તમામ પુરાવાઓ સાથે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા અને પત્રકાર પરિષદ કરીને માહિતી રજૂ કરી હતી. મારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે તે અંગે મેં કુલપતિ અને રજીસ્ટ્રાર સામે 1-1 કરોડના બદનક્ષીના કેસ કર્યા છે અને ફોજદારી કાર્યવાહીની પણ માંગ કરી છે જેનો ખાર રાખીને મારી સાથે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કર્યો. આ અંગે આગામી દિવસોમાં કાયદાકીય લડત કરીશ. 

આ અંગે કુલપતિ ડો ગિરીશ ભિમાણીએ કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખ ખરડાઈ તે રીતે કલાધર આર્યએ નિવેદન કર્યું હતું. આપને જણાવી દઈએ કે, કલાધર આર્યએ નાની જગ્યામાં કોલેજોને મંજૂરી આપી દીધી હોવાનું નિવેદન આપ્યુ હતું જેના કારણે યુનિવર્સિટીની શાખ ખરડાઈ, જેથી યુનિવર્સિટીના એક્ટ પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીને કારણે યુનિવર્સિટીમાં આ વિભાગમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના શિક્ષણને કોઇ અસર નહિ પડે તેવો દાવો ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણીએ કર્યો હતો. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા રાજકીય દાવ પેચની ફરીયાદો ભાજપ મવડી મંડળ સુધી કરવામાં આવી છે. 8 જેટલા સિન્ડિકેટ સભ્યોને પદ્દ પર થી હટાવી દેવામાં આવતા ભાજપ V/s ભાજપની સ્થિતી સર્જાય છે. કાર્યકારી કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણી અનેક વિવાદોમાં સપડાયા છે. પછી તે સેનેટની ચુંટણી ન યોજવાની હોય કે પછી પેપર લીકકાંડમાં ભાજપનાં જ નગરસેવક અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લની કોલેજનાં કર્મચારી પર ફરીયાદનો મુદ્દો હોય. પ્રો.ગીરીશ ભીમાણી સામે લાંચનાં આરોપ સાથે એસીબીમાં પણ અરજી થઇ છે. ત્યારે હવે રાજ્ય સરકાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં આ ધગધગતા રાજકારણને કઇ રીતે ઠારે છે તે પણ જોવું રહ્યું..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news