હવે ગીરના સિંહોને શિકારના શોધમાં જંગલની બહાર નહિ આવવુ પડે, આવી રહ્યો છે મોટો પ્રોજેક્ટ

હવે ગીરના સિંહોને શિકારના શોધમાં જંગલની બહાર નહિ આવવુ પડે, આવી રહ્યો છે મોટો પ્રોજેક્ટ
  • રાજ્ય સરકારના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઈ કરાઈ
  • સિંહને જંગલમાં જ મારણ મળી રહે તેવું આયોજન
  • સાંબર બ્રિડીંગ સેન્ટર બનાવી તેને જંગલમાં છોડવાની યોજના
  • વનપ્રેમીઓએ ગુજરાત સરકારના આ નિર્ણયને આવકાર્યો
  • અભયારણ્ય વિકસાવી જંગલ વિસ્તારના માલધારી માટે યોજનાનું સૂચન

સાગર ઠાકર/જુનાગઢ :રાજય સરકારના 2021ના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સિંહો ભૂખ્યા ન રહે અને તેમને જંગલમાં યોગ્ય રીતે જ શિકાર મળી રહે તેવું આયોજન થવા જઈ રહ્યું છે. આ સાથે સાંબર બ્રિડીંગ સેન્ટર બનાવી તેને જંગલમાં છોડવાની યોજના પણ છે. જૂનાગઢના વનપ્રેમીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને અભ્યારણ્ય વિકસાવી જંગલ વિસ્તારના માલધારી માટે યોજનાનું સૂચન પણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગીરના સિંહો શિકારની શોધમાં જંગલની બહાર નીકળી આવે છે. માનવ વસાહતમાં વારંવાર ઘૂસી આવતા સિંહો માટે આ નિર્ણય કરાયો છે.   

રાજ્ય સરકારના આગામી નાણાંકીય વર્ષ 2021-22 ના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એશિયાટીક સિંહોના નિવાસ સ્થાન ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય તથા બૃહદ ગીરમાં ગણાતા જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરના મહેસુલી અને વીડી વિસ્તારમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારના લાયન પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે 11 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ વિશે ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અને વાઈલ્ડ લાઈફ રીસર્ચરના લાઈફ મેમ્બર ડો.જલ્પન રૂપાપરાએ જણાવ્યું કે, ગીરના જંગલ, અભયારણ્યમાં અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહનો ખોરાક ગણાતા સાંબરની સંખ્યા વધે તે માટે સાંબર બ્રિડીંગ સેન્ટર બનાવવા માટે પણ બજેટમાં જોગવાઈ કરવામા આવી છે. રાજ્ય સરકારની સિંહોના સંરક્ષણને લઈને બજેટમાં થયેલી જોગવાઈને વન્યજીવ પ્રેમીઓએ આવકારી છે અને આગામી સમયમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને લઈને આશાવાદ વ્યક્ત કર્યો છે. સાથે જ અભયારણ્ય વિકસાવવા અને માલધારીઓ માટે સહાય યોજના માટે સૂચનો પણ કર્યા.

ગીરના જંગલોમાં વધતી જતી સિંહોની સંખ્યાને લઈને હવે જંગલ ટૂંકું પડી રહ્યું હોય તેવી સ્થિતિ છે. જેને લઈને ઈનફાઈટ વધવા અને મારણ શોધવા સિંહો રેવન્યુ વિસ્તારમાં આવી જાય છે અને માલઢોર તેના શિકાર બને છે. આથી સિંહોને જંગલમાં જ સાંબર જેવા તૃણભક્ષી પ્રાણીઓ ખોરાક રૂપે મળી રહે તો સિંહો પણ સુરક્ષિત થઈ શકે તેવું જુનાગઢના પૂર્વ વાઈલ્ડલાઈફ વોર્ડન ડો.કૌશિક ફળદુએ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news