મોરારીબાપુની કથા માટે શિક્ષકો પાસેથી ફાળો લેવાયો, પગારમાંથી રૂપિયા કપાતનો પત્ર મોકલાયો
Teachers Salary Cut : સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્રથી શિક્ષકોમાં રોષ,,, ગાંધીનગરના કાર્યક્રમ માટે શિક્ષકો પાસેથી સ્વૈચ્છિક ફાળાની મંજૂરી આપી,,,વિદ્યા સહાયકોના પગારમાંથી 500 અને પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી 1000 રૂપિયા કપાત કરવા આદેશ,,, સ્વૈચ્છિક પગાર કપાતનો પરિપત્ર રદ કરવાની માગ,,,
Trending Photos
Teachers Salary Cut અતુલ તિવારી/અમદાવાદ : સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્રથી શિક્ષકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમ માટે શિક્ષકો પાસેથી સ્વૈચ્છિક ફાળા પેટે પગાર કપાતનાં નિર્ણયથી શિક્ષકો નારાજ થયા છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન કાર્યક્રમના આયોજન અને ખર્ચ માટે શિક્ષકદીઠ વિદ્યા સહાયકોના પગારમાંથી 500 રૂપિયા તથા પ્રાથમિક શિક્ષકના પગારમાંથી 1000 રૂપિયા સ્વૈચ્છિક ફાળાની મંજૂરી અપાઈ છે. પરિપત્ર મુજબ, ફેબ્રુઆરી કે માર્ચ મહિનાના પગાર બિલમાંથી 500 અને 1,000 રૂપિયા કપાત કરવા આદેશ અપાયો છે. ત્યારે પગાર કપાત કરી સ્વૈચ્છિક ફાળાની મંજૂરી આપતા શિક્ષકો રોષે ભરાયાં છે. સંયુક્ત શિક્ષણ નિયામક એસ.પી. ચૌધરીએ પ્રાથમિક શિક્ષણ નિયામકને સ્વૈચ્છિક ફાળાના કપાત માટે મંજૂરી આપતા વિવાદ સર્જાયો છે. સ્વૈચ્છિક પગાર કપાતની મંજૂરી અપાતા શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.
એક તરફ, સ્વૈચ્છિક પગાર કપાતનો પરિપત્ર રદ્દ કરવા શિક્ષકોએ માંગ કરી છે. શિક્ષણ વિભાગની મંજૂરીને કારણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત શૈક્ષિક મહાસંઘ વચ્ચે વિવાદ સર્જાયો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યક્રમનાં આયોજન અને ખર્ચ માટે શિક્ષકોના પગાર કપાતની શિક્ષણ વિભાગ તરફથી મંજૂરી આપવામાં આવતા ગુજરાત શૈક્ષિક સંઘ સાથે જોડાયેલા શિક્ષકો મેદાને પડ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલી પગાર કપાતની મંજૂરીની સીધી અસર રાજ્યના બે લાખ શિક્ષકોને થવાનો અંદાજ છે.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 29 રાષ્ટ્રીય અધિવેશન તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું અધિવેશન 12 અને 13 મેના રોજ યોજાનાર છે. આ સિવાય પ્રાથમિક શિક્ષકોના કલ્યાણ અર્થે 13 થી 21 મે દરમિયાન મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયું છે. આ તમામ આયોજન અને ખર્ચ માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી શિક્ષકોનાં પાગર કપાત કરવા માટે મંજૂરી માગવામાં આવી હતી. શિક્ષણ વિભાગે સ્વૈચ્છિક પગાર કપાતની સત્તાવાર મંજૂરીના આદેશ કરી દેતા ગુજરાત શૈક્ષિક સંઘમાં રોષ વ્યાપી ગયો છે.
ફાળો આપવા પરિપત્ર કરે એવું ઇતિહાસમાં પહેલીવાર બન્યું
રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘનાં પ્રચારમંત્રી રાકેશ ઠાકરે કહ્યું કે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની વિનંતીને કારણે શિક્ષકોએ સીધો નાણાંકીય ફાળો આપવો પડશે. ગામે ગામ સુધીના શિક્ષકોમાં મૂંઝવણ પેદા થઈ છે. શિક્ષણ વિભાગના આદેશના કારણે શિક્ષકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કોઈપણ સંગઠન પોતાના કાર્યક્રમ માટે ફાળો ઉઘરાવે છે. પણ શિક્ષણ વિભાગ એના માટે ફાળો આપવા પરિપત્ર કરે એવું ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. શિક્ષકોમાં આ પરિપત્રના કારણે રોષ છે. કોઈ ફંડ ઉઘરાવે એ કાર્યક્રમનાં અનુસંધાનમાં હોય શકે પણ વિભાગ એના માટે આદેશ નાં કરે. રાજ્યમાં ક્યારેય નાં બન્યું એવી ઘટના બની છે.
વિરોધ બાદ સ્પષ્ટતા કરી
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, અધિવેશન અલગ અલગ રાજ્યોમાં કરતા રહ્યા છીએ. 29મું અધિવેશન ગુજરાતમાં થશે, મોરારી બાપુની રામકથા પણ થશે. સારંગપુરમાં રાજ્યની કારોબારીમાં ચર્ચા થયા બાદ શિક્ષકો પાસેથી 500 અને 1000 રૂપિયા લેવાનું નક્કી થયું હતું. શિક્ષણ વિભાગને અમે વિનંતી કરી હતી, જેની અમને લેખિત મંજૂરી મળી છે. આ ફાળો સ્વૈચ્છિક ફાળો છે, જે અમારી સાથે હોય એ આપે. આ બાબતે ગેરસમજ થાય એવો કેટલાક પ્રયાસ કરે છે. અમારું ભવન પણ શિક્ષકો પાસેથી ફાળો લઈને બનાવવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી 50 હજાર શિક્ષકો આવશે. એમના રહેવા અને જમવા માટે આયોજન કરવામાં આવશે. જે નાં આપવા ઈચ્છે એની પાસેથી લેવાના નથી. અલગ અલગ અમારા મંડળની જિલ્લામાં બેઠક થઈ રહી છે. મોટી સંખ્યમાં શિક્ષકો અમને ફાળો આપવા તૈયાર છે. અત્યાર સુધીમાં 35 લાખ રૂપિયાની મદદ અમને મળી ચૂકી છે. મીડિયાને કેટલાક ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે