સાળંગપુર મંદિરમાં તોડફોડ કરનારાઓના જામીન મંજૂર, ધાર્મિક વિવાદમાં હવે સરકારની એન્ટ્રી

salangpur mural controversy :  સાળંગપુર વિવાદ અંગે મોટા સમાચાર.... સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણીઓ સાથે બેઠક મળશે... ગાંધીનગરમાં સરકાર અને અગ્રણીઓ સાથે બેઠક મળશે

સાળંગપુર મંદિરમાં તોડફોડ કરનારાઓના જામીન મંજૂર, ધાર્મિક વિવાદમાં હવે સરકારની એન્ટ્રી

salangpur hanuman distortion : બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રો ઉપર કાળો કલર અને તોડફોડ કરવાનો મામલે આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હર્ષદ ગઢવી, જેશીંગ ભરવાડ, બળદેવ ભરવાડ સહિત ત્રણ આરોપીઓની જામીન અરજી અંગે બરવાળા કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી, જેના અંતે કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરાયા છે. 10-10 હજારના જામીન પર મુક્ત કરાયા છે. બચાવ પક્ષ દ્રારા ગઈકાલે જજના બંગલે જામીન અરજી કરાઈ હતી. સાથે જ ત્રણેયને કોર્ટ દ્વારા રાજ્યની હદ બહાર જવું નહીં તેમજ પાસપોર્ટ જમા કરાવવા આદેશ કર્યા છે. તેમજ કોઈપણ સાક્ષીને ધમકાવવા નહીંની શરત પર જામીન અપાયા છે. 

વિવાદમાં સરકાર આવી
સાળંગપુર વિવાદ હવે આગ પકડી રહ્યો છે. લીંબડી મોટામંદિર ખાતે સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિના વિવાદને લઈને આવતીકાલે સાધુ સંતો અને મહંતોનુ મહાસંમેલન યોજાનાર છે. ત્યારે આ વિવાદને હવે સરકારે હાથે લીધો છે. આજે બપોર બાદ સ્વામિનારાયણના સંતોની બેઠક મળશે. ત્રણ વાગ્યા બાદ સંપ્રદાયના સિનિયર સાધુઓ સાથે સરકારની મંત્રણા કરાશે. મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમાં જોડાશે. 

સાળંગપુર હનુમાનજી મંદિર ભીત ચિત્ર વિવાદ મામલે સંતોને સરકારના તેડા આવ્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય 5 જેટલા સંતો ગાંધીનગર જવા રવાના થયા છે. સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી, વડતાલના ડો.સંત વલ્લભદાસજી સ્વામી સરધાર મંદિરના સ્વામી સહિતના સંતો ગાંધીનગર જવા રવાના થયા છે. તમામ સંતો પહેલા અમદાવાદ અથવા ગાંધીનગર સ્વામિનારાયણ મંદિર ખાતે બેઠક કર્યા બાદ સીએમ ઓફિસ જશે. 

સાળંગપુરના વિવાદનો સુખદ અંત લાવવા પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, હનુમાનજી સૌના વડીલ છે, વિવાદથી નહીં સમન્વયથી નિરાકરણ લાવો. જોકે, સાળંગપુર મંદિર ભીંત ચિત્રો વિવાદમાં હાલ કોઈ ઉકેલ નથી આવ્યો. ગઈકાલની વડતાલ ગાડી સ્વામિનારાયણ મહંતોની બેઠકમાં પણ કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. વિવાદિત ભીંત ચિત્રો મામલે નિર્ણય લેવા વડતાલ સ્વામિનારાયણ મહંતોની સમિતિ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતું સમિતિની રચના, સભ્યો, મુદત મામલે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. બીજી તરફ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત યથાવત છે. વિવાદને પગલે ગુજરાતના અનેક સ્વામીનારાયણ મંદિરોની બહાર ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે. સ્થાનિક પોલીસ ઉપરાંત આસપાસના જિલ્લાની વધારાની પોલીસ અને srp ટુકડી પણ ગોઠવાઈ છે. 

આવતીકાલે સંતોનું મહાસંમેલન
લીંબડી મોટામંદિર ખાતે સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિના વિવાદને લઈને આવતીકાલે સાધુ સંતો અને મહંતોનુ મહાસંમેલન યોજાશે. જેમાં દેશ સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો સહિત અલગ અલગ ધાર્મિક જગ્યાના મહામંડલેશ્વરો મોટી સંખ્યામાં સંમેલનમાં હાજર રહેશે. સાળંગપુર હનુમાનજી મૂર્તિ વિવાદ મુદ્દે આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સનાતન ધર્મ અને હનુમાનજીના અપમાન મુદ્દે આ સંમેલન યોજાઈ રહ્યું છે. વાતચીત અને સંવાદથી વિવાદનો ઉકેલ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો દ્વારા સાળંગપુર મુદ્દે માફી માંગવામાં નહિ આવે તો આંદોલનની રણનીતિ ઘડવા પણ તૈયારી દર્શાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news