ગુજરાતનું ગૌરવ બની રાગ પટેલ, RRR ફિલ્મના એક ગીતમાં તેના અવાજનો જાદુ છવાયો
RRR Gujarat Connection : સાઉથની મેગા બ્લોક બાસ્ટર ફિલ્મ RRR નું ગુજરાત સાથેનું કનેક્શન છે. અમદાવાદની દિકરી રાગ પટેલને આ ફિલ્મમાં ગીત ગાવાની તક મળી.
Trending Photos
- અંબર સે તોડા સૂરજ વો પ્યારા, અમ્મા કે આંચલ મેં ઢક દાલા સારા...
- અંબર સે ઉતરી પ્યારી કોયલિયા, કૂ કહકર સે ઉસને જાદુ સા ડાલા....
- આધા ચંદા પૂરા તારા, હૈ મેરે આંગન સે ઉગને વાલા...
ઝી મીડિયા/બ્યૂરો :સાઉથના ફેમસ ડાયરેક્ટર રાજમૌલીની ફિલ્મ આરઆરઆરની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ગઈકાલે આ બ્લોકબસ્ટર ફિલ્મ રિલીઝ થઈ. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ ફિલ્મનું ગુજરાત કનેક્શન છે. આ ફિલ્મમાં એક નાનકડી બાળા પંક્તિ લલકારતી હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. આ ગીતને અવાજ આપ્યો ગુજરાતી ગર્લ રાગ પટેલે. ફિલ્મ RRR ના ગીત ‘Amber Se Thoda Suraj Ko Pyara .. Amma Ke Anchal ne Ek Dala Sara’ પાછળ રાગ પટેલનો સુંદર અવાજ છે. આ ગીતથી એક નાનકડી રાગ સ્ટાર બની ગઈ છે.
રાગ પટેલને બાળપણથી જ ગીત ગાવાનો શોખ હતો. એક ફેસબુક પોસ્ટ પરથી તે સીધી જ ફિલ્મી પડદે ચમકી જશે તેવુ તેણે ક્યારેય વિચાર્યુ ન હતું. આરઆરઆર ફિલ્મ જોનારા દરેક ‘Amber Se Thoda Suraj Ko Pyara’ ગીતના વખાણ કરે છે, જેની પાછળ રાગ પટેલનો સૂર છે.
કેવી રીતે મળી આ તક
રાગ પટેલને આ ફિલ્મમાં ગાવાની તક મળવા પાછળ રોમાંચક સ્ટોરી છે. અનેક સ્પર્ધકોને પછાડીને રાગ પટેલે આ ગીત ગાવાની તક મેળવી છે. રાગ પટેલના પિતા રાજીવ પટેલે આ વિશે જણાવ્યું કે, મારા ધ્યાને એક ફેસબુક પોસ્ટ આવી હતી, જેમાં લખ્યુ હતું કે, એક ગીત માટે 12 થી 15 વર્ષની કિશોરીની શોધ કરાઈ રહી છે. જેથી તેમણે રાગ પટેલના અવાજ રેકોર્ડ કર્યો હતો અને રાજામૌલીની ટીમને અવાજનુ સેમ્પલ મોકલ્યુ હતું. ટીમે અમને જવાબ આપ્યો હતો કે, તેમને આ સેમ્પલ વોઈસ પસંદ આવ્યો છે, અને ગીત રેકોર્ડ કરવા માટે રાગ પટેલને હૈદરાબાદ બોલાવવામાં આવી છે. હૈદરાબાદ પહોંચ્યા બાદ અમને ખબર પડી કે, ફિલ્મ આરઆરઆર માટેના એક ગીત માટે અવાજ આપવાનો છે.
ZEE 24 Kalak Exclusive: RRR ફિલ્મમાં જેને અવાજ આપ્યો છે તેવી અમદાવાદની રાગ પટેલ જોડે ખાસ વાતચીત#RRRMovie #RRR #ZEE24Kalak pic.twitter.com/78x8XvSHxZ
— Zee 24 Kalak (@Zee24Kalak) March 26, 2022
ફિલ્મની શરૂઆતમાં જ આ ગીત આવે છે. નાનકડી રાગ પટેલને જ્યારે માલૂમ પડ્યુ કે તેને આ ગીત માટે પસંદ કરાઈ છે, તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. બાળપણથી જ તેનુ સપનુ હતુ કે તે અવાજની દુનિયામાં કંઈ કરી બતાવે. બહુ જ જલ્દી તેની આ ઈચ્છા પૂરી થઈ. તેણે સપનામાં ય વિચાર્યુ ન હતું કે, તેની સીધી જ સુપરસ્ટાર ફિલ્મમાં ગાવાની તક મળશે.
આરઆરઆર ગીતમાં અવાજ આપીને ધોરણ-10 માં ભણતી રાગ પટેલનું નસીબ ચમકી ગયુ છે. ફિલ્મ થિયેટરમાં રિલીઝ થતા જ તે પોતાનો અવાજ થિયેટરમાં કેવી રીતે સંભળાય છે તે જોવા પહોંચી હતી. જેને જોઈને તેની ખુશી સમાતી ન હતી. રાગનો પરિવાર તેની આ સફળતાથી ખુશ છે. તેના માતા રિદ્ધી પટેલ અને પિતા રાજીવ પટેલ ઈચ્છે છે કે, તેમની દીકરી સિંગર બને. સાથે જ એવુ પણ કહે છે કે તે અભ્યાસ પર વધુ ફોકસ કરે.
નાનકડી રાગ પટેલનું ફેન ફોલોઈંગ ધીરે ધીરે વધી રહ્યુ છે. ગાયિકા લતા મંગેશકરની યાદમાં રાગ પટેલે એક ગીત ગાયું હતું, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. કલા જગત સાથે રાગનો અનેરો નાતો છે. એક તરફ જ્યાં તે પોતાના અવાજથી ભલભલાને મંત્રમુગ્ધ કરી શકે છે, તો બીજી તરફ તેની આંગળીઓમાં અદભૂત ચિત્રો કંડારવાની તાકાત છે. તેનામાં સાક્ષાત સરસ્વતીનો વાસ છે. બે અદભૂત કલા તેને ભેટમા મળી છે. અભ્યાસ પછીનો સમય તે ચિત્રો બનાવવામાં અને સિંગિંની પ્રેક્ટિસમાં વિતાવે છે.
હાલ ચારે તરફથી રાગ પટેલ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. તેના માતાપિતા પણ તેના આ ટેલેન્ટ પર ગર્વ અનુભવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે