ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના વેવાઈના બંગલામાં થઈ હત્યા, પોલીસ દોડતી થઈ
Rajkot Crime News : રાજકોટના પોશ વિસ્તારમાં હત્યા થતા ચકચાર... ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના વેવાઈના બંગલામાં થઈ હત્યા... બંગલાના કેર ટેકર 67 વર્ષીય વૃદ્ધની ડિસમિસના ઘા ઝીંકી હત્યા... હત્યા પાછળ લૂંટ કે ચોરીનો ઈરાદો ન હતો...
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના અમીન માર્ગ નજીક વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા બંગલામાં કેર ટેકરની અજાણ્યા શખ્સે હત્યા કરતા ચકચાર મચી છે. ડિસમિસ વડે વૃદ્ધ કેર ટેકરની હત્યા કરી ફરાર થતા શખ્સને પાડોશી જોયો હતો. જોકે આ હત્યા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના વેવાઈ પ્રવીણભાઈ પટેલના બંગલામાં થઈ હતી. હત્યા પાછળ ચોરી કે લૂંટની ઈરાદો ન હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. હત્યા કરનાર શખ્સ મૃતકના સંપર્કમાં હોવાનું પોલીસ શંકા દર્શાવી રહી છે.
રાજકોટના પોશ વિસ્તાર ગણાતા અમીન માર્ગ નજીક વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા બી-૨૩ નંબરના બંગલામાં મંગળવારે રાત્રે 8 વાગ્યે કેરટેકર તરીકે નોકરી કરતા 67 વર્ષીય વિષ્ણુભાઈ ઘુચરાની હત્યા કરાઈ હતી. અજાણ્યા શખ્સે બંગલામાં આવીને ડિસમિસના બે ઘા ઝીંકી વિષ્ણુભાઈ ઘુચરાની હત્યા કરી હતી. સમગ્ર મામલાની વાત કરીએ તો, આ બંગલો ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના વેવાઈ પ્રવીણભાઈ પટેલનો છે. જેઓ વડોદરા ખાતે રહે છે. આજે પ્રવીણભાઈ મોબાઈલમાં બંગલાના સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા હતા. ત્યારે વિષ્ણુભાઈ બેશુદ્ધ અવસ્થામાં જમીન પર ઢળી પડેલા નજરે પડ્યા હતા. જેથી નરેશ પટેલને જાણ કરી હતી. નરેશ પટેલના ડ્રાઇવરે જઈને તપાસ કરતા વિષ્ણુભાઈની હત્યા કરાયેલી લાશ પડી હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા માલવીયાનગર અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો દોડી ગયો હતો. પોલીસે આસપાસમાં તપાસ કરતા પાડોશી શંકાસ્પદ હલચલ જોઈ હતી અને એક અજાણ્યા શખ્સને જતા જોયો હતો. ત્યારે પડોશીએ કોનું કામ છે પૂછતાં અજાણ્યા શખ્સે કહ્યું હતું કે, વિષ્ણુભાઈનું કામ હતું એટલે આવ્યો હતો તેવો જવાબ આપ્યો હતો. હાલ પોલીસે અજાણ્યા શખ્સના સીસીટીવી ફૂટેજ મેળવી FSL અને ડોગ સ્ક્વોરર્ડની મદદથી શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો : સુરતમાં લગ્નપ્રસંગ બાદ 92 લોકો ફૂડ પોઈઝનિંગના શિકાર, મનપાને સ્થળ પર જ ઓપીડી શરૂ કરવી પડી
પોલીસના જણાવ્યા અનુસાર, 67 વર્ષીય વૃદ્ધ વિષ્ણુભાઈ ઘુચરા છેલ્લા 37 વર્ષથી પ્રવીણભાઈ પટેલની સાથે કામ કરે છે. જેથી તમામ કામકાજ તેઓ સાંભળતા હતા. વિષ્ણુભાઈ આ જ બંગલામાં રહેતા અને કેરટેકર તરીકે કામ કરતા હતા. હત્યા કરનાર શખ્સે ચોરી અથવા તો લૂંટ કરવાના ઇરાદે પ્રવેશ કર્યો હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં આવ્યું નથી. જોકે ઘરમાં તમામ વસ્તુઓ સહી સલામત છે. જોકે હત્યા પાછળ અન્ય કોઈ કારણ હોવાની પોલીસને શંકા ઉપજી રહી છે. મૃતકના પુત્રએ કહ્યું હતું કે, પોલીસે સીસીટીવી ફૂટેજ બતાવતા એક શખ્સ દેખાય છે. જે વ્યક્તિને તે ઓળખતો નથી. હત્યા કરતા સમયે પણ એક જ શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
મૃતક વિષ્ણુભાઈ છેલ્લા ચાર વર્ષથી બંગલાની રખેવાળી કરતા હતા. હત્યારો જો લૂંટના અથવા ચોરીના ઇરાદે આવ્યો હોય તો બંગલામાંથી કંઈક તો ચોરી કરે પરંતુ અહીં એક પણ વસ્તુ ગુમ થઈ નથી. જ્યારે પોલીસ સ્પષ્ટ રીતે માની રહી છે કે, હત્યારો અને મૃતક એક બીજાના પરિચયમાં હતા. હત્યારાએ હત્યા માટે ડિસમિસનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો, જેમાં મૃતકના ગળા અને છાતીના ભાગે બે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હત્યારો શખ્સ હિન્દી ભાષા બોલતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે હત્યા શા કારણે કરી અને કોણ છે આ શખ્સ તેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે