નવા જિલ્લાની જાહેરાત બાદ ગુજરાતમાં શરૂ થઈ 'નવી મોકાણ'! જાણો કાંકરેજ, ધાનેરા, દિયોદરમાં કેવો છે વિરોધ
બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ અને દિયોદરનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ તાલુકાના રહેવાસીઓને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. શિહોરીમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો છે. વિભાજનનો વિવાદ વકરતો જાય છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થવાની સાથે કાંકરેજ, ધાનેરા, દિયોદરમાં વિરોધ શરૂ થયો છે. કાંકરેજને બનાસકાંઠામાં રાખવા અથવા પાટણમાં સમાવવાની માંગ સાથે લોકો વહેલી સવારથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સ્થાનિક લોકો દિયોદરને નવા જિલ્લાનું વડુ મથક ન બનાવાતા વેપારીઓએ વિરોધ શરૂ કર્યો છે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હવે દિયોદરમાં પણ વિરોધ શરૂ થયો છે, દિયોદરને નવા જિલ્લાનું વડું મથક ન બનાવી ઑગડ જિલ્લો જાહેર ના કરતા વિરોધ શરૂ થયો છે. દિયોદરમાં વેપારીઓ રોડ પર ઉતર્યા છે. વેપારીઓ અને ગ્રામજનોએ ધંધો રોજગાર બંધ કરવા અપીલ કરી છે. રેલી યોજીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે કાંકરેજ, દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જિલ્લા વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધ શરૂ થયો છે. ધાનેરાને બનાસકાંઠામાં મુકવાની માગ કરી રહ્યા છે. લોકોએ 'અમારો જિલ્લો બનાસ'ના સૂત્રો સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે.
ધાનેરા અને કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં વિભાજીત કરી દેતા ઉભો વિવાદ થયો છે. કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે. શિહોરી વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધમાં સમર્થન આપી સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા માગ ઉચ્ચારી છે. તો જ્યારે ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઇ પટેલ, સહિતના લોકોએ સરકાર નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. ધાનેરા અને કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા માંગ ઉઠી છે.
ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈનું નિવેદન
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભૌગોલિક પરિસ્થિતિને લઈને જિલ્લાનું વિભાજન થવું જરૂરી હતું. મેં એક મહિના પહેલા ધાનેરાને પાલનપુરમાં જ રાખવાની માંગ કરી હતી. ધાનેરા નવા જિલ્લામાં જતા રહેતા લોકોને તકલીફ પડશે. આ મામલે હું મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીશ.
શું કહે છે સ્થાનિકો
પાલનપુરમાં રહેતા મનોજ ઉપાધ્યાયે ઝી 24 કલાક સાથે વાતતીચમાં જણાવ્યું કે આજે નવા વર્ષે સરકાર દ્વારા બહુ જિલ્લાને બહુ મોટી ભેટ મળી છે. બહુ મોટું અંતર હોવાથી લોકો પરેશાન થતા હતા હવે જિલ્લો અલગ થશે તો વિકાસને વેગ મળશે. અન્ય સ્થાનિક રમેશભાઈ પરમારે કહ્યું કે જો થરાદ જિલ્લો બને તો અમને મોટો ફાયદો થાય અહીં પાલનપુર અમારે સરકારી કામે આવવું પડતું હોવાથી આખો દિવસ આવવાજવામાં થાય છે ભાડું ખુબજ થાય છે
ચોક્કસથી બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને પૂર્વમાં દાંતા તાલુકામાં આવેલા હડાદથી પ્રશ્ચિમમાં આવેલા વાવ તાલુકાના રાધા નેસડા ગામ વચ્ચે 200 કિલોમીટર કરતાં પણ વધારે અંતર છે.. તો બીજી તરફ જિલ્લા કક્ષાની તમામ સરકારી કચેરીઓ મિલો દૂર પાલનપુરમાં આવેલી હોવાના લીધે સરહદી વિસ્તારના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. અને તેને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવતી હતી.. અને રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ચોક્કસ બનાસકાંઠા જિલ્લાના દૂર સુદૂર ગામોનો અટકેલો વિકાસ ઝડપી થશે.
એક તરફ બનાસકાંઠા જિલ્લાના વિભાજનના લેવાયેલા નિર્ણયને લઈ સરહદી પંથકના લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ વર્તુળમાં આ અંગે થોડી નારાજગી પણ સામે આવી છે.. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું કહેવું છે કે જિલ્લા વિભાજનની વાત એ ભાજપની બેધારી નીતિ છે એક તરફ રાજસ્થાનના 9 જિલ્લા રદ કર્યા તો બીજી તરફ અહીંયા જિલ્લા વિભાજનની વાત લાવ્યા..પાલનપુર જિલ્લા મથક છે એનાથી કોઈને કોઈ ફરક પડતો નથી માત્ર આ ભાજપની બેધારી નીતિ છે. 2026 પહેલા વિધાનસભાની સીટોની સીમાંકન થવાનું છે ત્યારે વિસંગતાઓ ઉભી થશે..જો અલગ જીલ્લો બને તો દિયોદરને ભૌગોલિક દ્રષ્ટિએ જિલ્લો જાહેર કરવો જોઈએ..લોકોના અભિપ્રાય લઈને જ જીલ્લો અલગ કરવાની વાત કરવી જોઈતી હતી.
વિભાજનના સમાચારને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા
બનાસકાંઠા જિલ્લાના વિભાજનના સમાચારને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેમણે સરકારના આ નિર્ણયને આવકાર્ય ગણાવ્યો છે પરંતુ સાથે સાથે તેમણે વ્યંગ કરતા કહ્યું કે કોઈ પણ જિલ્લાનું વિભાજન થતું હોય ત્યારે સ્થાનિક પંચાયતો અને આગેવાનોના અભિપ્રાય લેવા જરૂરી હોય છે.. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈના પણ મંતવ્ય લીધા વગર બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરવાનો એક તરફી નિર્ણય લીધો છે.
ભાજપના નેતાઓ અને લોકોએ ફટાકડા ફોડી ખુશી મનાવી
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ એક તરફ લોકોમાં ખુશી જોવા મળી રહી છે જેમાં થરાદમાં પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત ભાજપના નેતાઓ અને લોકોએ ફટાકડા ફોડી ખુશી મનાવી તો બીજી તરફ કાંકરેજ અને ધાનેરાને નવા જિલ્લામાં સમાવવાના નિર્ણયને લઈને કાંકરેજના સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો તો ધાનેરાના કોંગ્રેસ પૂર્વ ધારસભ્ય નથાભાઈ પટેલે પણ ધાનેરાને બનાસકાંઠામાં જ રહેવા દેવાની માંગ કરી.
ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી
ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે.
જિલ્લાના વિભાજનના કારણે જિલ્લાના રાજકારણ ગરમાવો
બનાસકાંઠા જિલ્લાનું જે રીતે વિભાજન કરવામાં આવ્યું છે તેના પરથી ઘણા જાતિવાદી સમીકરણો પણ બદલાઈ શકે છે.. કારણ કે બનાસકાંઠા જીલ્લામાં થોડાઘણા મત ધરાવતો પાટીદાર સમાજના લોકો વાવ-થરાદ વિસ્તારમાં નહિવત પ્રમાણ છે.. તો બીજી તરફ નવા જીલ્લામાં ચૌધરી સમાજ અને ઠાકોર સમાજની સહુથી મોટી બહુમતી છે. ત્યારે આ સીમાંકન બાદ હવે પાટીદાર સમાજ સહિત ઈતર સમાજના લોકોનું વર્ચસ્વ વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં વધશે..તો જિલ્લાના વિભાજનના કારણે જિલ્લાના રાજકારણ ગરમાવો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા વિસ્તારની દ્રષ્ટિએ રાજયમાં કચ્છ પછી બીજા નંબરના સહુથી મોટા જિલ્લા તરીકે બનાસકાંઠા જિલ્લો આવે છે. આ જિલ્લાના વિભાજન માટે વર્ષોથી માંગ હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025ના પ્રથમ દિવસે જ નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ સર્જાયો છે.
સરકારે પૂરી કરી માગ
પૂર્વમાં અરવલ્લીની લીલીછમ ગિરિમાળા તો પ્રશ્ચિમમાં અફાટ રણ આવેલું છે.. એકદમ અલગ જ ભૌગોલિક સ્થિતિ ધરાવતા બનાસકાંઠા જિલ્લાના પૂર્વથી પ્રશ્ચિમ છેડાંના અંતરની વાત કરવામાં આવે તો તે 200 કિલોમીટર કરતાં પણ વધારે છે. એટ્લે કે જિલ્લાના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે 200 કિલોમીટરથી વધુનો પ્રવાસ કરવો પડે. બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક એટ્લે પાલનપુર કે જ્યાં તમામ રાજકીય કચેરીઓ આવેલી છે. સરકારી કામ કાજ માટે સરહદી વિસ્તારમાં વસતા લોકોને લગભગ 150 કિલોમીટરનો પ્રવાસ કરીને પહોંચવું પડતું હતું. તેના લીધે વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનની માંગ ઉઠી રહી હતી. પરંતુ વર્ષોની આ માંગ આખરે વર્ષ 2025ના પ્રથમ દિવસે ગુજરાત સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે.
જિલ્લાના વિભાજનનો નિર્ણય
હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનાવવાનો નિર્ણય કર્યો છે. અત્યારે આ જિલ્લાના ૧૪ તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓમાં પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.
ગામડાઓનું પણ થશે વિભાજન
બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે દરેક જિલ્લામાં 600 આસપાસ રહે તેમ તથા વિસ્તાર વાવ-થરાદ જિલ્લામાં 6257 ચો. કિ.મી અને બાનસકાંઠા જિલ્લામાં 4486 ચો. કિ.મી રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશાનિર્દેશ આપ્યા છે. બનાસકાંઠા વિસ્તારના પ્રજાજનોને વહીવટી, ભૌગોલિક અને આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કર્યુ છે. તેના પરિણામ સ્વરૂપે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ 35 થી 85 જેટલા કિ.મી. અંતરમાં ઘટાડો થશે અને તેનાથી સમય અને ઈંધણની બચત થશે.
વિસ્તારના વિકાસમાં આવશે ગતિ
આ બે નવા જિલ્લાઓના સર્જનથી સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે. ભંડોળ/ગ્રાન્ટમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાની માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓમાં વધારો થશે,બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો લેવાયેલા આ નિર્ણયને લઈ સહુથી વધુ ખુશી અત્યારે સરહદી વિસ્તારના લોકોમાં જોવા મળી રહી છે. કારણ કે અત્યારસુધી થરાદ, સૂઈગામ, વાવ, ભાભર જેવા વિસ્તારના લોકોને પોતાના સરકારી કામકાજ માટે 100 કિલોમીટર કરતાં પણ વધારે દૂર જવું પડતું હતું.. જેથી સમયની સાથે સાથે નાણાંનો પણ ખર્ચ વધારે થતો હતો.. જે હવે જિલ્લાના વિભાજન બાદ નહીં થાય.. ઉપરાંત સરકારી કચેરીઓનું અંતર ઘટતા આ વિસ્તારમાં ધંધા અને રોજગારીની નવી તકો પણ ઉત્પન્ન થશે તેવો આશાવાદ સ્થાનિકો કરી રહ્યા છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે