વરસાદના કારણે આ લોકોની વધી મુશ્કેલી, ફિશરીઝ વિભાગના પરિપત્ર મુદ્દે ઠાલવ્યો રોષ

રાજ્ય સહિત પોરબંદર જિલ્લાના માછીમારી ઉદ્યોગની કુદરત પણ જાણે કે આકરી કસોટી લઈ રહ્યું હોય તેમ સતત વાવાઝોડા તેમજ કોરોના અને હવે માછીમારી સિઝન દરમિયાન પણ સતત દરિયામાં હવામાન ખરાબ થવાની વારંવાર થતી ઘટનાઓ માછીમારો અને બોટ માલિકોને મોટી આર્થિક મુશ્કેલીમાં મુકી દીધા છે

વરસાદના કારણે આ લોકોની વધી મુશ્કેલી, ફિશરીઝ વિભાગના પરિપત્ર મુદ્દે ઠાલવ્યો રોષ

અજય શીલુ, પોરબંદર: હવામાન વિભાગની આગાહીને પગલે ફિશરીઝ વિભાગ દ્વારા વારંવાર માછીમારોને દરિયો ન ખેડવા તેમજ માછીમારી માટે ગયેલ બોટોને પરત બોલાવી લેવા તેમજ ફિશિંગ માટેના ટોકન બંદ કરી દેવાના પરિપત્રોથી બોટ માલિકો સહિત માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજ્ય સહિત પોરબંદર જિલ્લાના માછીમારી ઉદ્યોગની કુદરત પણ જાણે કે આકરી કસોટી લઈ રહ્યું હોય તેમ સતત વાવાઝોડા તેમજ કોરોના અને હવે માછીમારી સિઝન દરમિયાન પણ સતત દરિયામાં હવામાન ખરાબ થવાની વારંવાર થતી ઘટનાઓ માછીમારો અને બોટ માલિકોને મોટી આર્થિક મુશ્કેલીમાં મુકી દીધા છે. આ મહિનાની જ વાત કરીએ તો એક માસની અંદર બીજી વખત ખરાબ હવામાનની આગાહીના કારણે તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખે ફિશરીઝ વિભાગના આ પરિપત્ર મુદ્દે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અધિકારીઓ ઓફિસમાં બેસીને પરિપત્રો કરી દે છે પરંતુ સાચી પરિસ્થિતિ જાણવાની તસ્દી લેતા નથી. દિવાળી સુધી માછીમારીની મુખ્ય સિઝન ગણાય છે. હવે વરસાદ તો દિવાળી સુધી પણ આવતો હોય છે. ત્યારે માત્ર નાની આગાહીઓને મોટુ રૂપ આપી ફિશરીઝ વિભાગ દ્વારા જે રીતે બોટો પરત બોલાવી લેવાના તેમજ નવા ટોકન ઈશ્યુ બંધ કરી દેવામાં આવે છે તે ગેરવ્યાજબી છે એનાથી બોટ માલિકોને મોટું નુકશાન સહન કરવું પડી રહ્યું છે.

હવામાન વિભાગની સામાન્ય આગાહીમાં પણ આ રીતે માછીમારી માટે ગયેલ બોટોને પરત બોલાવવાથી બોટ માલિકો અને માછીમારોને મોટું નુકશાન થઇ રહ્યું છે. જેને લઈને બોટ માલિકોમાં પણ ફિશરીઝ વિભાગ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. કોઈ મોટું વાવાઝોડું આવતું હોય અથવા વધુ પવન ફૂંકાવાની શક્યતા હોય તો બોટોને પરત બોલાવવી જરૂરી છે. પરંતુ આ પ્રકારની આગાહીમાં પણ બોટો પરત બોલાવવાથી માછીમારોને મોટું નુકસાન પહોંચે છે. માછીમારી માટે ગયેલ બોટ જ્યારે દરિયામાં જાય છે ત્યારે ડીઝલ સહિતના ખર્ચનો હિસાબ કરીએ તો માછીમારોના પગાર સિવાય માત્ર ડીઝલનો ખર્ચ જ બેથી અઢી લાખ જેટલો થાય છે. જેથી આવા પરિપત્રો ફિશરીઝ વિભાગ દ્વારા ન કરવામાં આવે તેવું પોરબંદરના બોટ માલિકો પણ જણાવી રહ્યા છે.

રાજ્યમાં સતત આવતા વાવાઝોડા અને કમોસમી વરસાદ અને સાથે જ કોરનાનો માર આ ત્રણેય બાબતોને કારણે માછીમારી ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે માછીમારો સાથે ચર્ચા કરી જરૂરી હોય ત્યારે જ બોટોને દરિયામાંથી પરત બોલાવવામાં આવે તે જરૂરી છે. કારણ કે દરિયમાંથી પરત ફરતા લાખો રૂપિયાનું નુકસાન બોટ માલિકોને થતું હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news