ગુજરાત બન્યું પછાત, રસ્તો ખરાબ હોવાથી પ્રસૂતિની પીડા વેઠીને સગર્ભા મહિલા 2 કિલોમીટર ચાલી, Video

gujarat viral video : શું આવી રીતે હેલ્થ સેક્ટરમાં નંબર 1 બનશે ગુજરાત? અરવલ્લીમાં રસ્તાના અભાવે સગર્ભા મહિલા બે કિમી સુધી ચાલવા મજબૂર બની. સ્થાનિકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
 

ગુજરાત બન્યું પછાત, રસ્તો ખરાબ હોવાથી પ્રસૂતિની પીડા વેઠીને સગર્ભા મહિલા 2 કિલોમીટર ચાલી, Video

સમીર બલોચ/અરવલ્લી :ગુજરાત હેલ્થ અને ફાર્મસી સેક્ટરમાં અવ્વલ હોવાનો દાવો કરાય છે. પરંતુ આ દાવા વચ્ચે ગુજરાતમાં બિહાર-ઓરિસ્સામાં બને તેવી ઘટનાઓ બની રહી છે. ગુજરાતમાં હેલ્થ સેક્ટર ડામાડોળ થયું છે તેવો પુરાવો આપતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રસ્તાના અભાવે એક સગર્ભાને 2 કિમી સુધી ચાલીને જવુ પડ્યુ હતું. રસ્તો ખરાબ હોવાથી અંદર એમ્બ્યુલન્સ આવી શકે તેમ ન હતી, જેથી 9 મહિનાના ગર્ભને પેટમાં લઈને સગર્ભા મહિલા 2 કિમી સુધી રઝળી હતી. ગુજરાતે આવા દિવસો પહેલા ક્યારેય જોયા નથી.

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે સુવિધાના બણગા ફૂંકાય છે. પરંતુ જમીન હકીકત તેનાથી વિપરીત છે. ખરાબ રસ્તાને કારણે અરવલ્લીની એક સગર્ભા મહિલા 2 કિલોમીટર સુધી ચાલીને જવા મજબૂર બની હતી. અરવલ્લીના મોડાસાના અણદાપુર વિસ્તારની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી, જેથી તેને પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરાઈ હતી. આ માટે 108 બોલાવવામાં આવી હતી. પરંતુ વિધિની વક્રતા તો જુઓ, રસ્તો ખરાબ હોવાથી 108 મહિના ઘર સુધી પહોંચી શકી ન હતી. જેને કારણે મહિલાને 2 કિલોમીટર સુધી પીડા વેઠીને ચાલતા જવુ પડ્યુ હતું. ગર્ભવતી મહિલા પ્રસુતિની પીડા સહન કરી 108 સુધી ચાલીને જવા મજબુર બની હતી.

(ZEE 24 કલાક નથી કરતું વીડિયોની પુષ્ટિ) pic.twitter.com/psbv25G9HF

— Zee 24 Kalak (@Zee24Kalak) March 29, 2022

સગર્ભા મહિલાની હાલાકીનો વીડિયો વાયરલ થયો છે. ગામના સ્થાનિકે સગર્ભાનો ચાલતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. પરિવારની ત્રણ મહિલાઓએ સગર્ભાનો હાથ પકડીને તેને ચલાવી હતી, અને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. 

આ વીડિયો વાયરલ કરતા સ્થાનિકે કહ્યુ કે, અમારા ગામમાં બે થી 3 કિમી રસ્તો વારંવાર પંચાયતમા રજૂઆત કરી ઠરાવ પણ મોકલ્યો છે, છતાં કોઈ આ ગામ જોતુ નથી. આ ગામનુ કોઈ કામ કરતુ નથી. મહિલાઓની ડિલીવરી જેવી સમસ્યા હોય અથવા તો ગામમાં કોઈ બીમાર કે ઈજાગ્રસ્ત બને તો અમને 3 કિમી સુધી ખાટલામાં દર્દીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા પડે છે. 

ઉલ્લેખનીય ઠે કે, અદણાપુર પ્રાથમિક શાળાથી લીંબાફળી લઈને સુરજપુર સુધી જોડતા રસ્તાને પાકો રોડ બનાવવા લોક માંગ લાંબા સમયથી ઉઠી છે. પરંતુ તંત્રના બહેરા કાને કંઈ સંભળાતુ નથી. ગ્રામજનોની વારંવાર રજૂઆત છતાં કોઈ ધ્યાન આપતુ નથી. આ અંગે ઠરાવ કર્યા છતા કોઈ પગલા લેવાયા નથી. તો સરકારી અધિકારીઓ રસ્તાની મુલાકાત લેવાની તસ્દી સુદ્ધા લીધી નથી. આ કારણે ડિલીવરી જેવા કેસ હોય તો 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી આવી શક્તી નથી. તો સ્કૂલના બાળકો પણ સરળતાથી ચાલીને જઈ શક્તા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news