વડોદરા: માસૂમ દેવની કેમ શાળામાં જ ઘાતકી રીતે હત્યા કરાઈ? હવે થશે ખુલાસો, આરોપી પકડાયો

વડોદરાની શાળામાં એક વિદ્યાર્થીની શાળાના બાથરૂમમાં જ ઘાતકી હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે.

વડોદરા: માસૂમ દેવની કેમ શાળામાં જ ઘાતકી રીતે હત્યા કરાઈ? હવે થશે ખુલાસો, આરોપી પકડાયો

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાની શાળામાં એક વિદ્યાર્થીની શાળાના બાથરૂમમાં જ ઘાતકી હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. ભારતી શાળામાં દેવ તડવી નામના વિદ્યાર્થીની હત્યા કરનારા આરોપી વિદ્યાર્થીની વલસાડથી ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આરોપીને શુક્રવારે મોડી રાતે વલસાડથી દબોચ્યો છે. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

મળતી માહિતી મુજબ પોલીસે શુક્રવારે મોડી રાતે વલસાડથી દેવ તડવીના હત્યારા વિદ્યાર્થી આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે હત્યારા વિદ્યાર્થીનો અકુદરતી સેક્સનો ઈરાદો હોવાની થીયરી ઉપર પણ તપાસ હાથ ધરી છે. હત્યારા વિદ્યાર્થીએ 3 દિવસ પહેલા જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હોવાનું બહાર આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?
શહેરની ભારતી વિદ્યાલયમાં ધોરણ 9 માં ભણતા વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા ઘાતકી રીતે હત્યા કરી દેવાઈ. આ હત્યાના પગલે હાલ વડોદરામાં ચકચાર મચી છે. બરણપુરામાં આવેલા ભારતી વિદ્યાલયમાં 9માં ધોરણમાં ભણતા દેવકિશન ભગવાનદાસ તડવી નામના વિદ્યાર્થીની હત્યા કરાઈ. મૃતક વિદ્યાર્થીનો ધોરણ 10ના કોઈ વિદ્યાર્થી સાથે ઝગડો થયો હોવાનું કહેવાય છે. શાળાના બાથરૂમમાં ચપ્પૂના ઘા મારેલો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો. પોલીસે હાલ બે શાળાબેગ કબ્જે કરી છે. શાળામાં આવા ઘાતકી હથિયારો બાળકો પાસે કેવી રીતે આવ્યાં તે એક મોટો સવાલ છે.

3થી 4 વિદ્યાર્થીઓએ કરી હત્યા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ હત્યામાં 3થી 4 વિદ્યાર્થીઓ સામેલ હોવાનું કહેવાય છે. ધોરણના 10ના વિદ્યાર્થીઓએ આ હત્યા કરી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વિદ્યાર્થીઓને ઝડપ્યા છે. હત્યામાં સામેલ વિદ્યાર્થીઓના નામ પણ પોલીસને મળી ગયા છે.

પ્રી પ્લાન મર્ડર
એફએસએલ દ્વારા પ્રિ પ્લાન મર્ડર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે હત્યામાં બેથી વધુ લોકો સામેલ હોઈ શકે છે. મૃતકની લાશ પાસેથી મરચા પાઉડરથી બનેલા પાઉડર સહિત કેટલાક શસ્ત્રો મળી આવ્યાં છે. એક માહિતી મુજબ મૃતક વિદ્યાર્થીના શરીર પર હત્યારાઓએ 25થી વધુ ઘા કર્યા છે. ખુબ જ ઘાતકી રીતે હત્યા કરવામાં આવી છે. ખંજર જેવા હથિયારો મળી આવતા મર્ડર પૂર્વ આયોજનથી કરાયું હોવાનું એફએસએલનું માનવું છે.

હત્યા કરાઈ બાથરૂમમાં ફેંકી દેવાયો મૃતદેહ
મળતી માહિતી મુજબ દેવ બાથરૂમમાં ગયો ત્યારે હત્યારો વિદ્યાર્થી પણ તેની પાછળ પાછળ પ્રવેશ્યો અને તેણે દેવ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેને છાતીના ભાગમાં ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતાં. હત્યા કરીને દેવનો મૃતદેહ બાથરૂમમાં જ ફેંકી દીધો હતો. હાલ શાળાના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. મૃતક વિદ્યાર્થી મામાના ઘરે રહેતો હતો.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news