'સાબરમતી આશ્રમ સંકલ્પથી સિદ્ધિ તરફનું તીર્થ': આશ્રમની ડાયરીમાં પીએમ મોદીની નોંધ
ગાંધીજયંતી નિમિત્તે પીએમ મોદી અમદાવાદના સાબરમતી આશ્રમના મહેમાન બન્યા હતા. તેમણે આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને ફુલ ચડાવીને વિશ્વ મહાત્માને શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી આશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમમાં પ્રદર્શનમાં મુકવામાં આવેલી વિવિધ વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર, ગાંધીજયંતી નિમિત્તે મહાત્મા ગાંધીના અમદાવાદના સાબરમતી આશ્રમના મહેમાન બન્યા હતા. તેમણે આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને ફુલ ચડાવીને વિશ્વ મહાત્માને શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી આશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમમાં પ્રદર્શનમાં મુકવામાં આવેલી વિવિધ વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી.
સાબરમતી આશ્રમની મુલાકાત પુરી થયા પછી તેમણે આશ્રમની બહાર મુકવામાં આવેલી ડાયરીમાં વિશેષ નોંધ લખી હતી. જેમાં તેમણે સાબરમતી આશ્રમને 'સંકલ્પથી સિદ્ધિ તરફનું તીર્થ' જણાવ્યું હતું.
વાંચો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્રમની ડાયરીમાં લખેલી નોંધ અક્ષરસહ.....
"સાબરમતી આશ્રમ સંકલ્પથી સિદ્ધિ તરફનું તીર્થ છે. પૂજ્ય બાપુએ અહીં સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ આશ્રમમાં પાછા ફરશે નહીં. આશ્રમે આ સંકલ્પને સિદ્ધ થતાં જોયો છે. આજે મને આ વાતનો સંતોષ છે કે, ગાંધીજીની 150મી જન્મ જયંતીના પ્રસંગે, તેઓનાં સ્વપ્નો પૈકીના એક સ્વચ્છ ભારતની સિદ્ધિનો સાક્ષી પણ આ આશ્રમ બની રહ્યો છે. હું મારી જાતને સૌભાગ્યશાળી સમજુ છું કે, ખુલ્લામાં શૌચમુક્ત ભારતનો સંકલ્પ પરિપૂર્ણ થવાના પ્રસંગે હું અહી મોજુદ છું.
સ્વતંત્રતા આંદોલનમાં બાપુની પાછળ ચાલવાનો અવસર ભલે ના મળ્યો હોય, પરંતુ તેઓએ ચીંધેલા માર્ગે ચાલવું એ આપણું કર્તવ્ય છે. તેઓએ દેશને જનભાગીદારીનો જે મંત્ર આપેલ હતો તે દેશના ખૂણે ખૂણે પહોંચી ગયેલ છે. જનભાગીદારીની આ શક્તિએ આપણને ઝડપથી અસાધ્ય લક્ષ્યો પામવા માટેના અચૂક ઉપાયો આપેલા છે. આપણું પ્રત્યેક ડગલું બાપુના રસ્તે ચાલે, આપણે તેઓનાં જોયેલાં સ્વપ્નોને જીવી શકીએ, એને પૂરા કરી શકીએ, આપણી નાની-નાની શક્તિઓ દેશના મહાન સંકલ્પોનું સામર્થ્ય બને, આપણાં વિચારોમાં દેશહિત હોય અને એ જ આપણને અનંતકાળ સુધી દિશાનિર્દેશ કરે, એ જ આત્મા અને વિશ્વાસ સાથે."
....નરેન્દ્ર મોદી (2-10-2019)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત પછી સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીજીના જીવન પર બનેલા એક વિશેષ પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. રિવર ફ્રન્ટ પર રેત શિલ્પ કલાકાર સુદર્શન દ્વારા એક વિશેષ રેતશિલ્પ તૈયાર કરાયું હતું જ્યાં વડાપ્રધાન મોદીએ ફુલો અર્પણ કરીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે