પીએમ મોદીએ હીરાબાના લીધા આશીર્વાદ, માતાએ ચાંદલો કરીને પુત્રની જીતના કર્યા વધામણા

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને મળેલી પ્રચંડ જીત બાદ આજે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવ્યાં. સાંજે 6 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં. સુરતની ઘટનાને લઈને સ્વાગત કાર્યક્રમ અને અન્ય કાર્યક્રમ એકદમ સાદગીભર્યા રાખવામાં આવ્યાં હતાં.

પીએમ મોદીએ હીરાબાના લીધા આશીર્વાદ, માતાએ ચાંદલો કરીને પુત્રની જીતના કર્યા વધામણા

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને મળેલી પ્રચંડ જીત બાદ આજે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવ્યાં. સાંજે 6 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં. સુરતની ઘટનાને લઈને સ્વાગત કાર્યક્રમ અને અન્ય કાર્યક્રમ એકદમ સાદગીભર્યા રાખવામાં આવ્યાં હતાં. એરપોર્ટ પર પીએમ મોદીનું ફૂલ આપીને રાજ્યપાલ ઓપી કોહલી અને અન્ય નેતાઓએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ બહાર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેઓ ખાનપુર ખાતેના ભાજપના કાર્યાલય ગયાં. તેમની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત અન્ય નેતાઓ હતાં. ખાનપુરમાં તેમણે એક જનસભા સંબોધી. પીએમ મોદીએ ખાનપુર ખાતે સંબોધન કર્યું તેમાં સુરતની ઘટના અંગે કહ્યું કે તેઓ ખુબ વ્યથિત હતાં અને મનમાં દુવિધા હતી કે કાર્યક્રમમાં હાજરી આપવી કે નહીં. ખાનપુરના કાર્યાલયની મુલાકાત લીધા બાદ પીએમ મોદી ગાંધીનગરના રાયસણ ખાતે માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતાં. હીરાબાને પગે લાગીને આશીર્વાદ લીધા અને 30 મિનિટ સુધી વાતચીત કરી. ત્યારબાદ પીએમ મોદી રાજભવન ખાતે રવાના થયા. અહીં તેઓ રાત્રીરોકાણ કરવાના છે. 

લાઈવ અપડેટ્સ...

- માતા હીરાબાને મળ્યા બાદ પીએમ મોદી ગાંધીનગર રાજભવન જવા રવાના થયાં. અહીં તેઓ રાત્રીરોકાણ કરવાના છે. 
- પીએમ મોદી રાયસણ ખાતેના ઘરે પહોંચ્યા, 30 મિનિટ સુધી માતા હીરાબા સાથે વાતો કરી, પગે લાગીને તેમના આશીર્વાદ લીધા. માતા હીરાબાએ પણ ચાંદલો કરીને પુત્રની જીતના વધામણા કર્યાં. 

— ANI (@ANI) May 26, 2019

- પીએમ મોદી ખાનપુર ભાજપ કાર્યાલયની મુલાકાત લીધા બાદ હવે ગાંધીનગર જવા રવાના થયા છે. સૌપ્રથમ તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેશે અને ત્યારબાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રીરોકાણ કરશે. 
- પીએમ મોદીએ ખાનપુર ખાતેના ભાજપના કાર્યાલયની મુલાકાત લીધી. જૂના સાથીઓ સાથે સંસ્મરણો વાગોળ્યાં. લોકસભા જીત બાદ સોપ્રથમ અમદાવાદની મુલાકાત લીધી. 
-સંબોધન બાદ પીએમ મોદીએ ખાનપુર ખાતેના ભાજપના કાર્યાલયની પણ મુલાકાત લીધી. લોકોનું હાથ હલાવીને અભિવાદન પણ કર્યું. 
- તેમણે કહ્યું કે આગામી 5 વર્ષો ખુબ મહત્વના છે. 

 

— ANI (@ANI) May 26, 2019

- ગુજરાતે પણ મતદાનના તમામ રેકોર્ડ તોડ્યાં. જનતા જનાર્દનનો આભાર... જેટલો માનીએ તેટલો ઓછો છે. જેમ વિજય આવે તેમ તેની સાથે જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે. વિજયની પહેલી શરત હોય છે તેને પચાવવાની તાકાત હોવી જોઈએ. વિવેક, મર્યાદા અને નમ્રતા એવી જડીબુટ્ટીઓ છે જે વિજયને પચાવવામાં મદદ કરે છે. 
- તેમણે કહ્યું કે 2019ની ચૂંટણીમાં બધા જ પંડિતો ખોટા પડ્યાં. સામાન્ય રીતે હું ગુજરાતમાં આટલી બધી ચૂંટણી લડ્યો, પત્રકારો મોઢામાં આંગળીઓ નાખીને પૂછે કે કેટલી બેઠકો જીતશો. પરંતુ હું મગનું નામ મરી ન પાડું. કહું પહેલા કરતા વધુ જીતશું. પહેલીવાર આ વખતે ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાના મતદાન પછી મેં જાહેરમાં કહ્યું હતું કે અમે 300 પાર કરીશું. મને બરાબર યાદ છે લોકોએ મજાક ઉડાવી હતી. પરંતુ સમગ્ર ચૂંટણી અભિયાન દરમિયાન જોવા મળ્યું કે એજ સરકારને ફરીથી બેસાડવા માટે, સરકારના કામને અનુમોદન માટે, ટેકો આપવા માટે લોકો મત આપતા હતાં. પ્રત્યેક મતમાં તાકાત હતી કે આ સરકારને મજબુત બનાવવી છે, આ મજબુત સરકારથી આપણા સપના સાકાર થશે. સમૃદ્ધિની દિશા પકડાશે. પ્રો ઈનકમ્બન્સી વોટ, સંપૂર્ણપણે પોઝિટિવ મત લોકોએ આપ્યાં. 

 

— ANI (@ANI) May 26, 2019

- તેમણે કહ્યું કે ગુજરાતની ધરતીએ જે શીખવાડ્યું તે આજે લેખે લાગ્યું. ગુજરાતની સિદ્ધિની સુવાસ દેશના ખુણે ખુણે પહોંચી. 
- ખાનપુરમાં તેઓ હતાં તે સમયને યાદ કરીને તેમણે જૂની યાદો તાજી કરી. તેમણે કહ્યું કે ખાનપુર કાર્યાલય સાથે મારું જીવન જોડાયેલું છે. મને સંગઠનના સંસ્કાર મળ્યાં. આ સાથે તેમણે સ્વ.અશોક ભટ્ટને પણ યાદ કર્યાં. 
- પીએમ મોદીએ કહ્યું કે ગઈ કાલથી હું દુવિધામાં હતો, આ કાર્યક્રમમાં હાજરી આપવી કે નહીં. એકબાજુ કર્તવ્ય બીજી બાજુ કરુણા. સુરતની ઘટના ભલભલાના હૈયા હચમચાવી નાખે તેવી છે. અનેક કુટુંબોનો દીપ બુઝાઈ ગયો. એક પ્રકારે પરિવારના આશા અરમાન ભસ્મીભૂત થઈ ગયાં. જેટલું પણ દુ:ખ કરીએ તે ઓછુ છે. જેટલી પણ સંવેદના વ્યક્ત કરીએ તે અધૂરી છે. પરિવાર પર આવેલા આવા સંકટમાં આપણે ઈશ્વરને જ પ્રાર્થના કરી શકીએ કે પરમાત્મા એ પરિવારજનોને આ ભયંકર આઘાતમાં ટકી રહેવાની શક્તિ આપે. 

 

— ANI (@ANI) May 26, 2019

- તેમણે કહ્યું કે રાજ્યમાં ડિઝાસ્ટરના ઓડિટ માટેની વ્યવસ્થા તાકીદે હાથ ધરી છે. રાજ્ય સરકારની સક્રિયતા ભવિષ્યમાં આવા સંકટોથી બચવા એક વ્યવસ્થાને વિકસિત કરવા માટે જરૂર કામ આવશે. એકબાજુ મન પર આ કરુણાનો ભાવ અને બીજી બાજુ કર્તવ્ય ભાવ કે જે ધરતીએ મને મોટો કર્યો, જે માટીએ મને મોટો કર્યો અને દેશની આટલી મોટી વૈશ્વિક ઘટના હોય અને જો માટીને માથે ચઢાવવા ન જાઉ તો ક્યાંક ઊણો ઉતર્યો છું તેવું આત્માને લાગે. આથી સમયની પણ સીમા હતી, માતાના આશીર્વાદ લેવાની પણ દરેક સંતાનને ઈચ્છા થાય. ભાજપ તેની આ સંવેદનશીલતા માટે અને આજના આ ગૌરવપૂર્ણ અવસરને પણ સુરતની ઘટનાને અર્પિત કરી દીધો અને કોઈ પણ પ્રકારના ઠાઠામાઠ સ્વાગત સમારંભ વગર દર્શનની તક આપી તે બદલ હું ગુજરાત ભાજપનો આભારી છું. 
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે સંબોધન
- દેશની જનતા રાહ જોતી હતી કે કોઈ નેતા આતંકીઓને જડબાતોડ જવાબ આપે, તે કામ નરેન્દ્ર મોદીએ કર્યું. તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યો. દરેક ક્ષેત્રે જાતે પેન લઈને કામ કર્યું. તેમણે ઘરે ઘરે વિકાસ પહોંચાડ્યો. નરેન્દ્રમોદીના નેતૃત્વમાં દેશનું ગૌરવ આસમાને આંબ્યું. 
- અમિત શાહે કર્યું સંબોધન. તેમણે કહ્યું કે આ એજ ખાનપુર કાર્યાલય છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી એક સમયે ભાજપની 2 સીટો હતી, દેશ ઘોર નિરાશામાં ડૂબેલો હતો. નરેન્દ્રભાઈ નવા નવા સંગઠન મંત્રી બન્યા હતાં અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. આજે એ જ જગ્યાએ નરેન્દ્રભાઈ આવ્યાં છે ત્યારે મેં પણ એક કાર્યકર્તા તરીકે, એક સાંસદ તરીકે નરેન્દ્રભાઈનું હ્રદયપૂર્વક સ્વાગત અને અભિનંદન કરું છું. સુરતની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે દુ:ખ વ્યક્ત કર્યું. 

 

LIVE: 'એક સમયે ગુજરાત દેશમાં રમખાણોના કારણે જાણીતું હતું, પણ નરેન્દ્રભાઈ CM બન્યાં તો રમખાણો અદ્રશ્ય'
- તેમણે કહ્યું કે જે ભાજપને ગુજરાતમાં કોઈ પૂછતું પણ નહતું તેને ગુજરાતનો ગઢ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. 
- આ ગુજરાત એક સમયે રમખાણોના કારણે દેશમાં જાણીતું હતું, કરફ્યુના કારણે જાણીતું હતું. રથયાત્રા કાઢવી પણ મુશ્કેલ બનતી હતી. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યાં ત્યારબાદ રમખાણો અદ્રશ્ય થઈ ગયાં.- અમિત શાહ
- જે રીતે ગાંધી-સરદારની જોડીએ આઝાદી અપાવી, દેશનું નેતૃત્વ કર્યું, સ્વરાજ પછી પછી સુરાજ્ય માટે ગુજરાતની જોડી મોદી-શાહની જોડીનો આભાર વ્યક્ત કરું છું.
- 2019ની ચૂંટણી ભારત માટે ખુબ મહત્વની ચૂંટણી હતી. રાજકારણમાં સચ્ચાઈ, ઈમાનદારી, ચોકીદાર અને આતંકીઓના છક્કા છોડાવનારા, આતંકીઓનો ખાત્મો કરનારા, 56ની છાતી એવા આપણા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે દેશની જનતાએ પ્રચંડ વિશ્વાસ મૂકીને ફકીરની જોળી ભરી છે ત્યારે, મને આનંદ એ વાતનો છે કે ચૂંટણીના પરિણામ પછી પણ તેમની પહેલી અભિવાદન સભા જે ચોકમાં ભાજપનું વર્ષો જૂનું કાર્યાલય કે જ્યાં નરેન્દ્રભાઈએ પોતે જીવન વીતાવીને બૂથમાંથી પાર્ટીને દિલ્હી પહોંચાડનાર...ત્યાં છે. 

- સુરતની ઘટનાને પગલે પીએમ મોદીનુ સ્વાગત ખુબ જ સાદગીથી સ્વાગત કરાયું. સીએમ રૂપાણીએ ભાજપનો ખેસ પહેરાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યું. જ્યારે જીતુ વાઘાણીએ અમિત શાહનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું. 
- પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સ્વાગત પ્રવચન આપ્યું. તેમણે કહ્યું કે સૌના નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ધરતી ઉપર ગઈ કાલે જ ભાજપ અને એનડીએના નેતા ચૂંટાયા પછી રાજ્યની સૌપ્રથમ મુલાકાત ગુજરાતની લીધી તો તેમનું હું ગુજરાતના લોકો અને કાર્યકરો વતી સ્વાગત કરું છું. અડીખમ નેતૃત્વ, આપણું ગૌરવ બંને મહાનુભવોએ આ જ ખાનપુર, જેપી ચોક, આ જ ગુજરાત, આજ ગુજરાતની ગલીઓ...દેશ વિદેશમાં ભારતની તાકાત બતાવી છે. તેમણે વિકાસ કોને કહેવાય તે સમગ્ર ભારતને અને વિશ્વને બતાવ્યો. 
- તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાત અને દેશની જનતાએ જે પ્રકારે લીડ આપી છે...ગુજરાતની જનતાએ 23 વર્ષે પણ જે લીડ આપી છે તે આપણે કરેલા કામોનો સિંહફાળો છે. આપણે તો નક્કી કર્યું હતું કે ખુબ આનંદ ઉત્સાહથી સ્વાગત કરીશું. પણ આપણા વિચારો છે.... સુરતમાં જે રીતે બાળકો મૃત્યું પામ્યા...પીએમ મોદી, અમિત શાહ અને ભાજપે દુ:ખ વ્યક્ત કર્યું. તમામ સંવેદના બતાવી. આ કાર્યક્રમ સાદગીથી ઉજવાય તેવું નક્કી કર્યું. સંવેદનશીલ નેતૃત્વ મળ્યું છે. લોકોની સાથે દુ:ખમાં ભાગ લેવાનો. દુ:ખની ઘડીએ આખી ભારતીય જનતા પાર્ટી ભોગ બનેલા લોકોની સાથે છે. 
- પીએમ મોદી ખાનપુર ખાતેના ભાજપના કાર્યાલય પહોંચ્યાં, જ્યાં અમદાવાદની બંને બેઠકોના વિજેતા નેતાઓ અને અન્ય લોકોની સાથે હાથ મિલાવ્યાં. 

- પીએમ મોદીએ એરપોર્ટ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ તેઓ ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય જવા રવાના થયા.
- લોકસભામાં  ભવ્ય જીત બાદ પીએમ મોદી પહેલીવાર અમદાવાદ પધાર્યા છે. એરપોર્ટ પર સાદગીપૂર્ણ રીતે પીએમ મોદીનું સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં  ભાજપના કાર્યકરો એરપોર્ટ પર હાજર છે. અમદાવાદના મેયર પણ એરપોર્ટ પર હાજર છે. સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ પીએમ મોદીનું સ્વાગત કર્યું. 

LIVE: એરપોર્ટ પર પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
- રાજ્યપાલ ઓ પી કોહલી, અમિત શાહે ફૂલ આપીને પીએમ મોદીનું સ્વાગત કર્યું. 
- વાયુસેનાના ખાસ વિમાન દ્વારા પીએમ નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર આગમન. તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ છે. 
- જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ એરપોર્ટ પહોંચ્યાં. 


- એરપોર્ટની બહાર સરદાર પટેલ ના પ્રતિમાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પુષ્પાંજલિ અર્પણ કરશે. વટવા વિસ્તારના 200થી વધુ ભાજપના કાર્યકરો પ્રધાનમંત્રી નું સ્વાગત કરવા કેસરિયો સાફા પહેરીને પહોંચ્યા. આ યુવાનો સ્પષ્ટ માને છે કે આ ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને રણનીતિ ના કારણે ભવ્ય વિજય મળ્યો છે જાતિ વાતનું રાજકારણ પરાજિત થયું છે
- મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યપાલ ઓપી કોહલી પણ એરપોર્ટ પહોંચ્યા. વીવીઆઈપી લોન્જમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું પ્રોટોકોલ મુજબ કરવામાં સ્વાગત કરવામાં આવશે. 

LIVE: વાયુસેનાના ખાસ વિમાન દ્વારા પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

એમ મોદી અને અમિત શાહ સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાં તેમનું સ્વાગત સાદગીપૂર્ણ રીતે કરાશે. પછી એરપોર્ટ બહાર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પશે. ત્યારબાદ ખાનપુરમાં આવેલ જેપીચોકમાં જાહેરસભાને સંબોધશે.  ત્યાંથી રોડ શો સ્વરુપે પીએમ મોદી અને અમિત શાહ શહેરના ભાજપના કાર્યાલય ખાનપુર પહોંચશે. જ્યાં જનસભાને સંબોધન કરશે. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં આ અભિવાદન સમારોહમાં હાજર રહેશે. સભા બાદ પીએમ મોદી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. સભા બાદ અથવા તો વહેલી સવારે પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લઈને 27 મેના રોજ દિલ્હી માટે રવાના થશે. 

જુઓ LIVE TV

2014માં જીત બાદ પણ કરી હતી ખાનપુરમાં સભા
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી બન્યા પહેલા વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ ખાનપુરના જેપી ચોકમાં જનસભાને સંબોધન કર્યું હતું. 

પીએમ મોદીનું શિડ્યુઅલ
સાંજે 6.00 કલાકે એરપોર્ટ પર આગમન 
સાંજે 6.15 કલાકે એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ
સાંજે 6.50 કલાકે જે.પી.ચોક, ખાનપુરમાં સભા 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news