ભાજપના સદસ્યતા અભિયાનમાં કૌભાંડ? દર્દીઓને બનાવાઈ રહ્યા છે સભ્યો! વિસનગરમાં ખૂલ્યું સત્ય
ગુજરાતમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પાર્ટીના સભ્યો બનાવવાની મથામણમાં છે. ઘરે ઘરે જઈ લોકોને સભ્યો બનાવવામાં આવી રહ્યા છે, તો ભાજપની વિચારધારાને માનનારા લોકો પોતાની રીતે સભ્યો બની રહ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/મહેસાણા: હાલ સમગ્ર દેશમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ભાજપ દ્વારા મોટી સંખ્યામાં લોકોને પાર્ટીનું સભ્યપદ અપાઈ રહ્યું છે. પરંતુ ઘણી જગ્યાએ એવા આક્ષેપ થઈ રહ્યા છે કે ભાજપના સભ્યોની સંખ્યા વધારવા માટે અલગ અલગ હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે. મોટા નેતાઓએ કાર્યકરોને ટાર્ગેટ આપ્યા છે, આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કાર્યકરો કેવા કેવા ગતકડાં કરે છે તેનો જીવતો પુરાવો મહેસાણાના વિસનગરથી જોવા મળ્યો...શું થયું?
- ભાજપનું સદસ્યતા અભિયાન ચર્ચામાં
- દર્દીઓને બનાવાઈ રહ્યા છે ભાજપના સભ્યો
- ખોટી રીતે સભ્યો બનાવાતા હોવાનો આરોપ
- મહેસાણાના વિસનગરમાં થયો મોટો વિવાદ
- દવા લેવા માટે ભાજપના સભ્ય હોવું જરૂરી?
માના ધામમાં ભક્તોનું કીડિયારૂ ઉભરાયું! જાણો અંબાજી મેળામાં કેટલા ભક્તોએ દર્શન કર્યા?
ગુજરાતમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પાર્ટીના સભ્યો બનાવવાની મથામણમાં છે. ઘરે ઘરે જઈ લોકોને સભ્યો બનાવવામાં આવી રહ્યા છે, તો ભાજપની વિચારધારાને માનનારા લોકો પોતાની રીતે સભ્યો બની રહ્યા છે. કેટલાક નેતાઓને તો આટલા સભ્યો બનાવવા તેવા ટાર્ગેટ પણ અપાયા છે તેવી ચર્ચાઓ છે. તેથી આ નેતાઓ પોતાનાથી નાના કાર્યકરોને સભ્યો બનાવવા માટે જ્યાં લોકો દેખાય ત્યાં સભ્યો બનાવો તેવું આહવાન કર્યું છે. કાર્યકરો હવે સૌથી વધુ જ્યાં લોકોની અવરજવર હોય તે સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયા છે. હોસ્પિટલમાં આવતાં અશિક્ષિત અને લાચાર દર્દીઓને ભાજપના સભ્યો બનાવવા માટે તેમની પાસેથી OTP લેવામાં આવી રહ્યો છે. મહેસાણાના વિસનગરથી સામે આવેલી એક ઘટનાથી ભાજપનું સદસ્યતા અભિયાન ચર્ચામાં આવી ગયું છે.
વિસનગર સિવિલ હોસ્પિટલનો એક પ્યૂન ભાજપનો કાર્યકર છે. તેના મોટા નેતાએ તેને ટાર્ગેટ આપ્યો છે. આ ટાર્ગેટ પુરા કરવા માટે સિવિલમાં આવતા દર્દીઓ પાસેથી OTP લઈ રહ્યો છે. સિવિલમાં આવેલા એક વ્યક્તિ પાસેથી આવી જ રીતે તેણે OTP માગ્યો. પાછુ એવું કહીને માગ્યો કે ઈન્જેક્શન લેવું હોય તો OTP આપવો જરૂરી છે. જો કે જાગૃત દર્દીએ યસ નામના ભાજપના આ કાર્યકરને ખુલ્લો પાડી દેતાં માફી માગવા લાગ્યો હતો.
વિસનગર સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. એ જ વીસનગર છે જ્યાંથી રાજ્યના આરોગ્ય મંત્રી ચૂંટાય છે. ઋષિકેશ પટેલ આ વીસનગરના ધારાસભ્ય છે અને તેમના જ મતવિસ્તારની સિવિલમાં ભાજપના સદસ્યતા અભિયાન માટે કેવા કેવા કૌભાંડ કરવામાં આવી રહ્યા છે. માનનીય આરોગ્ય મંત્રી તમારા વિસ્તારમાં ચાલતા આવા ગતકડાઓથી પાર્ટીને જ નુકસાન થઈ રહ્યું છે.
ભાજપની છબી ખરડાઈ રહી છે તેને તમારે જ રોકવી જોઈએ. સાથે જ સિવિલમાં યશ નામનો અને તેના જેવા બીજા કેટલા લોકો આવી રીતે દર્દીઓને ટાર્ગેટ કરી રહ્યા છે તેની પણ તપાસ થવી જોઈએ. જે દર્દી સાથે આ ઘટના બની તેણે ઉચિત તપાસની માગણી કરી છે. જે દર્દીના પરિજન સાથે આ ઘટના બની તેણે ઉગ્ર આંદોલન અને વિસનગરના ધારાસભ્યની ઓફિસને તાળુ મારવાની ચીમકી આપી છે. તો આ મામલે જ્યારે અમે જિલ્લા ભાજપ પ્રમુખ નો સંપર્ક સાધ્યો અને તેમને આ બાબતે પૂછ્યું તો તેઓ લાજવાને બદલે ગાજતા જોવા મળ્યા અને બધુ જ કોંગ્રેસ પર ઢોળી દીધું. આ ઘટનાથી મહેસાણા જિલ્લા ભાજપની પ્રતિષ્ઠા સામે સવાલ ઉઠ્યા છે. ત્યારે આવી ઘટનાઓ રોકવા માટે પ્રદેશ ભાજપ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે