વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ, ‘સમાજનો સોદો કરનારને વોટ નહિ’ જેવા બેનર લાગ્યા

Hardik Patel Poster In Viramgam : પાસના કાર્યકરોએ હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર લગાવી જબરદસ્ત વિરોધ નોંધાવ્યો...
 

વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ, ‘સમાજનો સોદો કરનારને વોટ નહિ’ જેવા બેનર લાગ્યા

Gujarat Election 2022 બ્રિજેશ દોશી/ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીએ રંગ પકડ્યો છે. આવતીકાલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે તેના ગણતરીના કલાકો પહેલા વિરમગામમાં જ હાર્દિક પટેલનો વિરોધ થયો છે, જ્યાં હાર્દિક પટેલ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યો છે. વિરમગામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો છે. વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની વિરુદ્ધમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરમગામ સહિતના વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે. પાસના કાર્યકરોએ અલગ-અલગ સૂત્રો સાથે હાર્દિક પટેલ વિરુદ્ધ લગાવેલાં બેનરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

હાર્દિક વિરુદ્ધ લાગેલા બેનર પર એક નજર કરીએ તો, હાર્દિક માટે આકરા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે 
1. હાર્દિક જાય છે... 
2. ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં
3. જે લોહીનો ન થાય એ કોઇનો નહીં થાય
4. જે હાર્દિક સમાજનો ન થયો એ વિરમગામનો થશે ખરો
5. શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં
6. ગમે તે જીતે હાર્દિક હારવો જોઇએ
7. 14 પાટીદારોને હત્યારો જનરલ ડાયર કોણ છે, હાર્દિક જાહેર કરે...

PAASના બેનરોએ 'હાર્દિકની હાલત' બગાડી..!
વિરમગામમાં હાર્દિક પટેલનો છેલ્લી ઘડીએ વિરોધ જોવા મળ્યો છે. પાટીદાર અનામત આંદોલન હવે બેનર લઈને હાર્દિક પટેલની સામે મેદાનમાં આવી છે. આખા વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા છે. શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં, જે લોહીનો ના થાય એ કોઈનો ના થાય, ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં... આવા અલગ અલગ લખાણ સાથેના બેનર આખા વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ લગાવાયા છે. 

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠકો માટે થશે મતદાન. 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

આવતીકાલે કઈ કઈ બેઠકો પર મતદાન
બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો, પાટણ જિલ્લાની 4 બેઠકો, મહેસાણા જિલ્લાની 7 બેઠકો, સાબરકાંઠા જિલ્લાની 4 બેઠકો, અરવલ્લી જિલ્લાની 3 બેઠકો, ગાંધીનગરની 5 બેઠકો, અમદાવાદની 21 બેઠકો, આણંદની 7 બેઠક, ખેડાની 6 બેઠકો, મહીસાગરની 3 બેઠકો, અરવલ્લીની 3 બેઠકો, પંચમહાલ જિલ્લાની 5 બેઠકો, દાહોદ જિલ્લાની 6 બેઠકો, વડોદરા જિલ્લાની 10 બેઠકો, છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકો પર મતદાન થશે. ત્યારે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહારથીઓ મેદાને છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news