ચંદનના લાકડા લેતા પહેલાં બીલ લેજો! અગિયારીની પવિત્ર અગ્નિમાં આહૂતિમાં લાવેલા લાકડા સામે કાર્યવાહીથી પારસીઓ બગડ્યા
નવસારીમાં વનવિભાગની કામગીરીથી પારસી સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે. વનવિભાગે દરોડા પાડી પારસી સમુદાય અગિયારીમાં ઉપયોગ કરતા ચંદનના લાકડા જપ્ત કરી કાર્યવહી કરી હતી.
Trending Photos
ધવલ પારેખ, નવસારીઃ નવસારીની પારસી કોલોની આવા બાગની ટ્રસ્ટ ઓફીસમાંથી બે દિવસ પૂર્વે ચીખલી વન વિભાગ દ્વારા દરોડા પાડી 7 કિલોથી વધુ ચંદનના લાકડા પકડી પાડી કાયદેસરીની કાર્યવાહી કરી ટ્રસ્ટીની અટકાયત કરી હતી. પારસી સમાજ વર્ષોથી ચંદનના લાકડા એમની અગિયારીમાં પવિત્ર અગ્નિમાં આહૂતિ આપતા આવ્યા છે. ત્યારે ચંદનના લાકડાના બીલ રાખવા મુદ્દે અને વન વિભાગની કાર્યવાહી સામે પારસી સમાજમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.
નવસારી એસટી ડેપો સામે આવેલ પારસી કોલોની આવા બાગનાં ટ્રસ્ટની ઓફીસમાં ગત 28 જુલાઈની સવારે ચીખલી વન વિભાગના RFO આકાશ પડશાલાએ બાતમીને આધારે વાંસદા વન વિભાગના પૂર્વ અને પશ્ચિમના અધિકારીઓને સાથે દરોડા પાડ્યા હતા. જેમાં તપાસ દરમિયાન ઓફિસમાં નાના પેકેટમાં ચંદનના લાકડા મળી આવ્યા હતા અને જેના બીલ ટ્રસ્ટીઓ આપી શક્યા ન હતા. કે ચંદનના લાકડા ક્યાથી આવ્યા એની યોગ્ય માહિતી પણ આપી શક્યા ન હતા. જેથી વન વિભાગે આવા બાગ ટ્રસ્ટના ટ્રસ્ટી નોશીર સબાવાલા સામે કાર્યવાહી કરી ગેરકાયદે રાખેલા 50 હજાર કિંમતના 7.200 કિલોગ્રામ ચંદનના લાકડા જપ્ત કર્યા હતા. સમગ્ર મુદ્દે વન વિભાગની કાર્યવાહી સામે પારસી સમાજમાં રોષ વ્યાપી રહ્યો છે. જેમાં પારસીઓ વર્ષોથી અગિયારીમાં પવિત્ર અગ્નિને પ્રજવલિત રાખવા ચંદનના લાકડાની આહૂતિ આપતા રહ્યા છે. રોજ અનેક પારસીઓ અગિયારીમાં જઈ ચંદનના લાકડા પવિત્ર અગ્નિને અર્પે છે.
જેમાં સામાન્ય રીતે પારસીઓ ચંદનનું બીલ લેતા નથી. જયારે ઘણા પારસીઓ રોજ અગિયારી ન જવાય, તો ચંદનના લાકડા ટ્રસ્ટ ઓફીસમાં પણ આપતા હોય છે. આવા બાગમાં ટ્રસ્ટ ઓફીસ પાસે જ નાની અગિયારી પણ છે. જેથી પારસીઓ ટ્રસ્ટ ઓફીસમાં પણ ચંદનના લાકડા આપી જતા હોય છે અને તેમના વતી રોજ ચંદનના લાકડા ચઢાવવા કહી જતા હોય છે. ત્યારે તેનું બીલ આપતા નથી હોતા. ત્યારે હવે ચંદનના લાકડા લેતા પહેલા બીલ સાથે રાખવાનું..? એવા પ્રશ્નો સમાજમાં ઉઠી રહ્યા છે. સાથે જ વન વિભાગની કાર્યવાહી સામે પણ રોષ ઠાલવી રહ્યા છે
ચીખલી વન વિભાગે આવા બાગની ટ્રસ્ટ ઓફીસમાંથી ચંદનનાં લાકડા કબજે કર્યા બાદ ટ્રસ્ટી નોશીર સબાવાલાની અટકાયત કરી, 70 હજાર રૂપિયા ડિપોઝિટ લીધા બાદ તેમને જામીન પર છોડ્યા હતા. ત્યારે ટ્રસ્ટની ઓફીસમાં આ ચંદનના લાકડા આવ્યા ક્યાંથી, કોઈકની પાસે ખરીદ કર્યા છે. તો કોની પાસે..? ચંદનના લાકડા નિયમાનુસાર હરાજીમાંથી જ લેવાના હોય છે. તો નિયમ વિરૂદ્ધ લાકડા આવ્યા તો આવ્યા ક્યાથી એની તપાસ આરંભી છે. સાથે જ RFO ચીખલીએ પારસી સમાજની ધાર્મિક લાગણી દુભાવાનો ઈરાદો ન હતો. બાતમીને આધારે કાર્યવાહી કરી છે. જોકે પારસીઓને અપીલ છે કે ચંદનના લાકડા નિયમ પ્રમાણે હરાજીમાંથી જ લેવું જોઈએ. જે લોકો અધિકૃત છે. એમની પાસે જ લાકડા ખરીદી, એનું બીલ તથા પાસ પરમીટ સાથે રાખે, જેથી ભવિષ્યમાં તેમને કોઈ મુશ્કેલી ન નડે. કારણ કાયદો બધા માટે સરખો હોય છે.
નવસારીની પારસી કોલોની આવા બાગમાં ટ્રસ્ટીઓ સાથે અગાઉ વિવાદ પણ હતો, જેમાં કોઈકે ટ્રસ્ટ ઓફીસમાં મોટા પ્રયામાંમાં લાકડા હોવાની બાતમી વન વિભાગને આપતા કાર્યવાહી થઇ હોવાની ચર્ચાઓ પણ વેગ પકડ્યું છે. ત્યારે પારસી ટ્રસ્ટની ઓફીસમાંથી ગેરકાયદે પાસ પરમીટ વગરના મળેલા ચંદનના લાકડા મુદ્દે વન વિભાગ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે