માછીમારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, મત્સ્ય બોટોના સર્વેની સમયમર્યાદા 1 મહિનો વધારાઈ

રાજ્ય સરકાર દ્વારા માછીમારોને મોટી રાહત આપતા મત્સ્ય બોટોના સર્વેની સમય મર્યાદા લંબાવવામાં આવી છે. વિવિધ માછીમાર એસોસિએશનની રજૂઆતને ધ્યાને લઈને સમયમર્યાદા 31 ઓગસ્ટ 2023 સુધી કરી દેવામાં આવી છે. 

માછીમારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, મત્સ્ય બોટોના સર્વેની સમયમર્યાદા 1 મહિનો વધારાઈ

ગાંધીનગરઃ દેશની સુરક્ષાને પ્રાધાન્ય આપતા ભારત સરકારના મત્સ્યોદ્યોગ મંત્રાલય દ્વારા દરિયાઈ સુરક્ષાને સુનિશ્ચિત કરવા ગુજરાતની માછીમારી બોટોની રીઅલ ક્રાફ્ટ પોર્ટલ ઉપર ભૌતિક ચકાસણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્વે માટે ભૌતિક ચકાસણીની સમયમર્યાદા આજ એટલે કે તા. ૩૧-૭-૨૦૨૩ સુધી રાખવામાં આવી હતી.

આ સંદર્ભે રાજ્યના વિવિધ માછીમાર બોટ એસોસિએશન, મંડળી, માછીમાર આગેવાનો, બોટ માલિકો દ્વારા રાજ્યની તમામ મત્સ્ય બોટોની ભૌતિક ચકાસણની સમયમર્યાદા વધારવા માટે ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.

માછીમારોની રજૂઆતોને ધ્યાન લઇ હકારાત્મક અભિગમ દાખવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ મત્સ્યોદ્યોગ મંત્રી  રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 

રાજ્ય સરકારે માછીમારોના હિતમાં લીધેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના માછીમારોની રજૂઆતો અને તેમના બૃહદ હિતને ધ્યાને લઇ તમામ મત્સ્ય બોટોની ભૌતિક ચકાસણીની સમયમર્યાદા એક મહિનો એટલે કે આગામી તા. ૩૧-૮-૨૦૨૩ સુધી વધારવામાં આવ્યો છે. આ વધારાના સમયગાળા દરમ્યાન રાજ્યના માછીમારો માછીમારીની પ્રવૃતિ કરવા જઈ શકશે. સાથે જ આ સમયગાળા દરમિયાન તેમણે તેમની અનુકૂળતાએ બિનચૂક આ સર્વે પણ કરાવી લેવાનો રહેશે. દેશની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવાના ભાગરૂપે માછીમારોએ આ સર્વે કરાવવો ફરજિયાત છે, તેમ મંત્રએ ઉમેર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news