વડોદરા:IIT દ્વારા લેવાતી શિષ્યવૃતિની પરિક્ષામાં બેઠક વ્યવસ્થામાં છબરડા, વાલીઓનો હોબાળો

આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થા દ્વારા પરીક્ષામાં વિધાર્થીઓને બેસવા માટે યોગ્ય બેઠક વ્યવસ્થાનું આયોજન ન કરાતા વિધાર્થીઓને લોબીમાં બેસીને પરીક્ષા આપવાનો વારો આવતા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

વડોદરા:IIT દ્વારા લેવાતી શિષ્યવૃતિની પરિક્ષામાં બેઠક વ્યવસ્થામાં છબરડા, વાલીઓનો હોબાળો

રવિ અગ્રવાલ/વડોદરા: આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થા દ્વારા વડોદરાની શાળાઓમાં જઈ પ્રાયમરી વિભાગમાં ભણતા વિધાર્થીઓની શિષ્યવૃતિની પરીક્ષા માટે ફોર્મ ભરાવ્યા હતા. ત્યારબાદ સંસ્થાએ આજે એમ.એસ યુનિવર્સીટીની આર્ટસ ફેકલ્ટીમાં 5000 જેટલા બાળકોની શિષ્યવૃતિ પરીક્ષા રાખી હતી. જેમાં સવારથી જ વાલીઓ પોતાના બાળકોને પરીક્ષા આપવા માટે યુનિવર્સીટી મુકી ગયા હતા. પરંતુ આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થા દ્વારા પરીક્ષામાં વિધાર્થીઓને બેસવા માટે યોગ્ય બેઠક વ્યવસ્થાનું આયોજન ન કરાતા વિધાર્થીઓને લોબીમાં બેસીને પરીક્ષા આપવાનો વારો આવ્યો જેના કારણે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
 
સંસ્થાના સંચાલકોએ પરીક્ષા રદ કરી નાખી વિધાર્થીઓને છોડી મુકતા ભારે અંધાધુધી સર્જાઈ હતી. વાલીઓએ યુનિવર્સીટી પર પહોચી પોતાના બાળકોને શોધવા દોડાદોડી કરી મુકી હતી. અને ભારે હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ સંચાલકો પર બાળકોની સુરક્ષાના કોઈ જ પગલા ન ભર્યા હોવાનો આરોપ લગાવી આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થાના સંચાલકો સામે પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી. 

વાલીઓએ ભારે હોબાળો મચાવતા સંસ્થાના સંચાલકોએ પોલીસ બોલાવી હતી. પોલીસનો મોટો કાફલો યુનિવર્સીટી દોડી આવ્યો હતો. પોલીસે વાલીઓને સમજાવવવાનો પ્રયાસ કર્યો પરંતુ રોષે ભરાયેલા વાલીઓએ પોલીસને સંચાલકો સામે કાર્યવાહી કરવા ઉગ્ર રજુઆત કરી. આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થાના સભ્યએ કહ્યુ કે અંદાજ કરતા વધુ વિધાર્થીઓ શિષ્યવૃતિની પરીક્ષા આપવા આવી જતા અંધાધુધી સર્જાઈ હતી. સાથે જ તેમને વાલીઓ અને બાળકોથી ભુલ સ્વીકારી માફી માંગી બીજીવાર આવી ઘટના નહી થાય તેવું આશ્વાસન આપ્યું હતું. 

મહત્વની વાત છે કે સ્કુલના સંચાલકો થોડાક રૂપિયાની લાલચમાં આવી સંસ્થાઓને પોતાની શાળામાં પ્રવેશવા દે છે. જેના કારણે વિધાર્થીઓની સુરક્ષા જોખમાય છે ત્યારે આઈ આઈ ટી આશ્રમ સંસ્થાની સાથે શાળાના સંચાલકો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news