પેપર લીક કાંડઃ માત્ર હેડ ક્લાર્ક જ નહીં અત્યાર સુધી આ પરીક્ષાના પેપર થઈ ચુક્યા છે લીક


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફરી પેપર લીક કાંડ મુદ્દે ચર્ચામાં છે. આ વખતે 12 ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાનો આરોપ છે. 

પેપર લીક કાંડઃ માત્ર હેડ ક્લાર્ક જ નહીં અત્યાર સુધી આ પરીક્ષાના પેપર થઈ ચુક્યા છે લીક

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી પેપર લીકનો મુદ્દો ચર્ચામાં છે. રવિવાર એટલે કે 12 ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના આરોપો થઈ રહ્યાં છે. બીજી તરફ મંડળના ચેરમેન અસિત વોરાએ કહ્યુ કે, પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી. અમારી પાસે કોઈ ફરિયાદ પણ આવી નથી. જો કોઈ ગેરરીતિ થઈ હશે તો જરૂર પગલાં લેવાશે. પરંતુ આ પ્રથમવાર નથી જ્યારે ગુજરાતમાં કોઈ પરીક્ષાનું પેપર લીક થયું હોય. 2014 પછી ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ ખુબ વધી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 9 જેટલી પરીક્ષાના પેપર થયા લીક
રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે મહેનત કરી રહેલા લોકોની ચિંતામાં વધારો થયો છે. હેડ ક્લાર્કની પરીક્ષામાં આશરે 88 હજાર જેટલા લોકો બેઠા હતા. હવે પેપર લીક થયા બાદ તેમની ચિંતા વધી છે. અત્યાર સુધી અનેકવાર પેપર લીકની ઘટના બની ચુકી છે. પરંતુ તંત્ર તેમાંથી કોઈ શીખ લેતું નથી. 

અત્યાર સુધી રાજ્યમાં પેપર લીકની ઘટનાઓ
(1) તા.15.02.2015 તલાટી પેપર

(2) 29.07.2018 TAT -શિક્ષક પેપર

(3) તા.23.11 2018 મુખ્ય-સેવિકા પેપર

(4) તા.23.11.2018 નાયબ ચિટનિસ પેપર

(5) તા.02.12.2018 LRD-લોકરક્ષક દળ

(6)  2019 માં તા.17.11.2021 બિનસચિવલય કારકુન 

(7) તા.19.12.2021 હેડ-ક્લાર્ક

(8) 2014 માં GPSC  ચીફ ઓફિસરનું પેપર

(9)  2016માં જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષાનું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું.

8 ની અટકાયત કરાઈ
તો બીજી તરફ, હેડ ક્લાર્ક પેપર લીક મામલે શંકાસ્પદ ૮ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર અને સાબરકાંઠાના શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે. તમામ શખ્સોની કોલ ડિટેઈલ્સને આધારે અટકાયત કરાઈ છે. સાથે જ પેપર લીકની ઘટનામાં શંકાસ્પદ ભૂમિકા ભજવનારાની પણ અટકાયત કરાઈ છે. 

શું બોલ્યા અસિત વોરા
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીકની ઘટના થયા બાદ સરકારી તંત્ર દોડતું થયુ છે. એક તરફ પરીક્ષા આપનાર 88 હજાર ઉમેદવારનું ભાવિ જોખમમાં છે, ત્યાં બીજી તરફ, મંડળના ચેરમેન અસિત વોરાએ કહ્યું કે, અત્યાર સુધી પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી, ન તો કોઈ ફરિયાદ અમારી પાસે આવી છે. છતાં જો ગેરીરિત થયેલી હશે તો તંત્ર દ્વારા પગલા લેવાશે. 

તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, પરીક્ષા નિષ્પક્ષ રીતે લેવાય તેવા તમામ પ્રયાસો કરાયા છે. ટ્રાન્સપરન્ટ પરીક્ષા લેવાય તેવા મંડળ દ્વારા સતત પ્રયાસો રહ્યાં છે. તેથી પરીક્ષાર્થીઓ નિશ્ચિંત રહે. પરીક્ષા પારદર્શિતાથી લેવાઈ છે. તાજેતરમાં હેડ ક્લાર્કના 186 જેટલી જગ્યા માટે 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્વક પરીક્ષા લેવાઈ હતી. બીજા દિવસે અમને પેપર લીક થયાના સમાચાર મળ્યા હતા. અમે મંડળે નિર્ણય કર્યો હતો કે, સાંજ સુધી અમારી પાસે કોઈ ફરિયાદ આવી છે કે કેમ. પરંતુ અમારી પાસે પેપર લીકના કોઈ પુરાવા નથી. સાંબરકાંઠાનું પોલીસ તંત્ર સતર્ક થયું છે. અમે તમામ માહિતી સાબરકાંઠાના અધિકારીઓને પહોંચાડી છે. 16 જેટલી ટીમ જ્યા જ્યા શક્યતા હતી, તે તમામ જગ્યાએ તપાસ કરી રહી છે. હાલ સઘન તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી અમને કોઈ લેખિત ફરિયાદ મળી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news