સંજય મારો નહિ તો કોઈનો નહિ થાય : સંજયને રૂપરૂપની અંબાર સમાન કાકી સાથેના પ્રેમમાં મોત મળ્યું

Crime News : આ ઘટનાએ વણઝારા પરિવારને તહસનહસ કરી નાખ્યું છે. પરિવાર ના એક માત્ર આધાર અને જેનું એક મહિના પહેલા જ લગ્ન થયું હતું તે સંજયને કાકી સાથે પ્રેમના બદલે મોત મળ્યું, તો સંજયની નવોઢાને વિધવા થવું પડ્યું, બીજી તરફ હત્યારી કાજલના બે સંતાનો પણ નોંધારા થયા. ત્યારે લગ્નેતર સંબંધોનો આ કરુંણ અંજામ સમાજ માટે લાલબત્તી સમાન છે

સંજય મારો નહિ તો કોઈનો નહિ થાય : સંજયને રૂપરૂપની અંબાર સમાન કાકી સાથેના પ્રેમમાં મોત મળ્યું

Panchmal News જયેન્દ્ર ભોઈ/પંમચહાલ : પ્રેમ સંબંધના કરુણ અંજામના અનેક કિસ્સા તો સામે આવતા જ હોય છે. પરંતુ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. જ્યાં એક સગી કાકીએ પોતાના જ ભત્રીજાને જુના પ્રેમી સાથે મળી ઘાતકી રીતે રહેંસી નાંખી મોતને ઘાટ ઉતારી દીધો.  

પંચમહાલના ઘોઘંબા તાલુકાના શનિયાળા ગામે ગત 13 જૂનના રોજ વણજારા ફળિયામાં રહેતા સંજય રાજેશ વણઝારા (ઉ.વ.૨૨) ની લાશ તેના જ ઘર પાછળ આવેલ કુવામાંથી ડિકમ્પોઝ હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા કે અકસ્માત લાગતી આ ઘટના અંગે દામાવાવ પોલીસે અકસ્માત નોંધ કરી ગુનો દાખલ કર્યો હતો. જોકે સંજયની લાશની હાલત અને શરીર પરના ઈજાના નિશાન કઈક અલગ જ વર્ણવી રહ્યા હતાં. પોલીસે સંજયનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. પીએમ રિપોર્ટમાં સંજયની હત્યા ધારદાર હથિયારના ઘા મારી કરવામાં આવી હોવાનો ઘટફોસ્ટ થયો હતો. 

દામાંવાવ પોલીસે સ્થળ તપાસ અને પરિવારજનોના નિવેદનો તેમજ સંજયની કોલ ડિટેલ કઢાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં જે તથ્યો અને હકીકત સામે આવી તે ખૂબ જ ચોંકાવનારી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે શનિયાળા ગામના વણઝારા ફળિયામાં રહેતી કાજલ વણઝારા(ઉ.વ.૨૭) છેલ્લા બે વર્ષથી પોતાનાથી 6 વર્ષ નાના સગા ભત્રીજા મૃતક સંજયના પ્રેમમાં હતી. પોતાના બે બાળકો સાથે સાસરીમાં જ ત્યકતા જેવું એકલવાયું જીવન વિતાવતી અને રૂપ રૂપના અંબાર સમી કાજલને એક જ છત નીચે રહેતા ૨૨ વર્ષીય ભત્રીજા સંજય સાથે આંખ મળી ગઈ હતી. બે વર્ષથી ભત્રીજા સંજય સાથે કાજલે પત્ની તરીકેના તમામ શારીરિક અને આર્થિક હક ભોગવ્યા હતા. પરંતુ એક મહિના પહેલા જ સંજયના અન્ય યુવતી સાથે સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન થતા આ બાબત કાકી કાજલને ભારે ખટકવા લાગી હતી. પોતાના પ્રેમી એવા ભત્રીજા સંજય મારો નહિ તો કોઈનો નહિ તેવું મનોમન નક્કી કરી લીધું હતું.

મનમાં પોતાના માણિગર ભત્રીજાને પામવાના ઓરતા લઈને બેઠેલી કાજલને અગાઉ પણ ગામના જ વિનોદ વણજાર (ઉમર 30) નામના એક ઈસમ સાથે પ્રેમ સંબંધ હતો. જેની સાથે કાજલે ભાગી ગઈ હતી. સંજયના લગ્ન થતા ભત્રીજાના પ્રેમમાં આંધળી બની ચુકેલી કાજલે પોતાના જુના પ્રેમી વિનોદની યાદ આવી. જો કે બાવાના બેય બગડે તેવો ઘાટ થતા વિનોદે કાજલને સ્વીકારવાનો ઇનકાર કરી સંજય સાથે કોઈ સંબંધ નથી તેવી સાબિતી રૂપે અગ્નિપરીક્ષા આપવા કહ્યું. પુરુષને પામવા કામાંધ બનેલી કાજલે પોતાના બે પ્રેમીમાંથી વિનોદને પસંદ કર્યો તેની સાથે મળી પોતાના બીજા પ્રેમી ભત્રીજા સંજયનું કાસળ કાઢી નાંખવાની યોજના બનાવી દીધી. 

યોજના પ્રમાણે જ બહારગામ નોકરી કરતા ભત્રીજા સંજયને કાજલે ફોન કરી બોલાવ્યો અને રાત્રે ભેગા થવાનું જણાવ્યું. પોતાની પ્રેમિકા કાકી કાજલનો ફોન આવતા હરખ પદુડો બનેલો સંજય મોડી રાત્રે 13 તારીખે કાજલને મળ્યો. કાજલે સંજયને લાઈટ બંધ કરી અંધારું કરવા કહ્યું. રૂમમાં અંધારું થઈ જતા વિનોદે અને કાજલે પણ ધારદાર હથિયારથી સંજય પર હુમલો કર્યો. સંજય પર જાને બંને તરફથી વજ્રઘાત થતા હોય તેમ વિનોદ અને કાજલ બે અલગ અલગ હથિયારોથી ઘાતકી હુમલો કરી રહ્યા હતા. કાકીના પ્રેમમાં પાગલ સંજય કઈ પણ સમજે એના પહેલા તો તેનું પ્રાણ પંખેરૂં ઉડી ગયું. 

ભત્રીજાની ઘાતકી હત્યાને આત્મહત્યામાં ખપાવવા કાજલ અને તેના પ્રેમી વિનોદે બીજી પણ એક યોજના તૈયાર જ રાખી હતી. સંજયની હત્યા કરી તેની લાશને ઘર પાછળ આવેલા કુવામાં નાંખી દીધી હતી. હત્યા કર્યાના ત્રીજા દિવસે સંજયની લાશ કુવામાંથી મળી આવી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. 

દામાંવાવ પોલીસને સ્થળ તપાસ અને પરિવારજનોના નિવેદનો અને મૃતદેહની સ્થિતિ જોતા જ શંકા લાગતા સંજયની કોલ ડિટેલ કઢાવી હતી. જેમાં સામે આવ્યું કે સંજયને છેલ્લો કોલ તેની કાકી કાજલે કર્યો હતો. જે પરથી પોલીસનો શક વધુ મજબૂત થતા પોલીસે કાજલની આકરી પૂછપરછ કરતા પોતે પ્રેમી વિનોદ સાથે મળી સંજયની હત્યા કર્યાની વાત કબૂલી હતી. જે બાદ પોલીસે સંજયની હત્યામાં સામેલ કાજલના જુના પ્રેમી વિનોદની પણ ધરપકડ કરી લીધી હતી. 

જો કે આ ઘટનાએ વણઝારા પરિવારને તહસનહસ કરી નાખ્યું છે. પરિવાર ના એક માત્ર આધાર અને જેનું એક મહિના પહેલા જ લગ્ન થયું હતું તે સંજયને કાકી સાથે પ્રેમના બદલે મોત મળ્યું, તો સંજયની નવોઢાને વિધવા થવું પડ્યું, બીજી તરફ હત્યારી કાજલના બે સંતાનો પણ નોંધારા થયા. ત્યારે લગ્નેતર સંબંધોનો આ કરુંણ અંજામ સમાજ માટે લાલબત્તી સમાન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news