પાલનપુર : દશામાના જાગરણ માટે પગપાળા જતા શ્રદ્ધાળુઓ પર ઈકો કાર ફરી વળી, 2 ના મોત 

પાલનપુર : દશામાના જાગરણ માટે પગપાળા જતા શ્રદ્ધાળુઓ પર ઈકો કાર ફરી વળી, 2 ના મોત 
  • પાલનપુર તાલુકા ગઢ મડાણા ગામે આ ઘટના બની હતી
  • કેટલાક શ્રદ્ઘાળુઓ જાગરણ હોઈ ગઢ દશામાના મંદિરે પગપાળા જઈ રહ્યા હતા
  • ઈકો કારે પગપાળા જઈ રહેલા 7 શ્રદ્ઘાળુઓને અડફેટે લીધા

અલકેશ રાવ/બનાસકાંઠા :અમાસથી શરૂ થયેલા દશામાના વ્રતની આજે પૂર્ણાહુતિ છે. ત્યારે અનેક શ્રદ્ધાળુઓ આજે શ્રદ્ધાભેર માતાજીનું વિસર્જન કરી રહ્યાં છે. ત્યારે શ્રદ્ધાના આ પ્રસંગમાં એક કરુણ ઘટના બની છે. પાલનપુર તાલુકા ગઢ મડાણા ગામે ઈકો કારે પગપાળા જતા શ્રદ્ધાળુઓને અડફેટે લેતા 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે. તો સાથે જ 5 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. 

ઈકો કારે 7 શ્રદ્ધાળુઓને કચડ્યા 
પાલનપુર તાલુકા ગઢ મડાણા ગામે આ ઘટના બની હતી. દશામાતાના વ્રતનો અંતિમ દિવસ હોઈ શ્રદ્ધાળુઓ જાગરણ કરતા હોય છે. ત્યારે ગઢ મડાણા ગામે કેટલાક શ્રદ્ઘાળુઓ જાગરણ હોઈ ગઢ દશામાના મંદિરે પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે એક ઈકો કારે પગપાળા જઈ રહેલા 7 શ્રદ્ઘાળુઓને અડફેટે લીધા હતા. મંદિર પાસેના તળાવ પાસે આવેલ મંદિર પાસે ઈકો કારે શ્રદ્ધાળુઓને કચડ્યા હતા. ઈકો કારે 7 શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા, જેમાંથી 2 યાત્રિકોના મોત નિપજ્યા છે. તો બાકીના ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

તંત્રના આદેશ છતા લોકો બહાર નીકળ્યા 
ઘટના બાદ ગઢ પોલીસે ઇકો ગાડીનો કબ્જો લઈ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા કે, દશામાની માટીની મૂર્તિ લાવી ઘરમાં જ વિસર્જન કરવામાં આવે છતાં મોટી સંખ્યામાં લોકો માતાજીના વિસર્જન કરવા બહાર નીકળ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news