પાસની ટીમ ફરી થઈ સક્રિયઃ અલ્પેશ કથિરીયાની જેલમુક્તી માટે બોલાવી મીટિંગ
પાટીદાર આંદોલન સંદર્ભે કેટલાક કેસના કારણે અલ્પેશ કથિરીયા હાલ સુરતની જેલમાં બંધ છે, તેની જેલમુક્તી માટે દિનેશ બાંભણિયાએ આગામી 1 મેના રોજ ખોડલધામ, રાજકોટ અને ઉમિયાધામ ઊંઝા ખાતે એક વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે
Trending Photos
ગાંધીનગરઃ અલ્પેશ કથિરીયાની જેલમુક્તી માટે પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ની ટીમ ફરીથી સક્રિય થઈ છે. આગામી 1 મેના રોજ તમામ પાસ કન્વીનરો અને પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓની એક વિશેષ બેઠક બોલાવામાં આવી છે. દિનેશ બાંભણિયાએ આ અંગેનો એક પત્ર તમામ પાસ કન્વીનરોને મોકલ્યો છે. પત્રમાં જણાવ્યું છે, આ બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા કરવામાં નહીં આવે, માત્ર અલ્પેશ કથિરીયાની જેલમુક્તીનો જ એજન્ડા રહેશે.
ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથિરીયા છેલ્લા ઘણા સમયથી પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેટલાક તોફાનોના કેસના સંદર્ભમાં સુરતની જેલમાં બંધ છે. આ આંદોલનમાં 14 પાટીદાર યુવાનો પણ શહીદ થયા હતા. ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા યુવા સ્વાવલંબન યોજના, બિન અનામત આયોગ અને સરકારી નોકરીમાં વયમર્યાદામાં વધારો જેવા કેટલાક પગલાંની જાહેરાત કરાઈ હતી. સાથે જ છેલ્લે જાન્યુઆરી, 2019માં કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં આર્થિક રીતે પછાત વર્ગ માટે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા અનામતની બંધારણિય જોગવાઈ કરવામાં આવી છે.
આથી, હવે અલ્પેશ કથિરીયાની જેલમુક્તી માટે પાસ ટીમ ફરીથી સક્રિય થઈ છે. પાસના દિનેશ બાંભણિયાએ આજે એક પત્ર લખીને પાસના તમામ કન્વીનરો અને પાટીદાર સમાજના અગ્રણીઓની ખોડલધામ, રાજકોટ અને ઉમિયાધામ, ઊંઝા ખાતે મિટિંગનું આયોજન કર્યું છે.
દિનેશ બાંભણિયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, "આ મિટિંગને કોઈ પણ પ્રકારે રાજકીય કે વિવાદિત સ્વરૂપમાં ન ગણવી. આ મિટિંગનો એકમાત્ર ઉદ્દેશ અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ અંગેની ચર્ચાનો છે. પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કન્વીનર અલ્પેશ કથિરીયા જ રહેશે અને તેમની જેલમુક્તિ બાદ આંદોલનની આગળની રણનીતિ અલ્પેશ કથિરીયાની આગેવનીમાં ઘડવામાં આવશે."
પાટીદાર આંદોલનનો મુખ્ય નેતા હાર્દિક પટેલ હવે સક્રિય રાજકારણમાં પ્રવેશી ચૂક્યો છે. તે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ચૂક્યો છે અને હાલ કોંગ્રેસ પાર્ટીના ચૂંટણીના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ તેના નામનો સમાવેશ કરવામાં આવેલો છે. હાલ, દેશભરમાં અનેક સ્થળોએ હાર્દિક પટેલ સભાઓ ગજવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહ્યો હતો.
દિનેશ બાંભણિયા દ્વારા લખવામાં આવેલા પત્રમાં હાર્દિક પટેલને પણ આ બેઠકમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હાર્દિક પટેલ ઉપરાંત, સમગ્ર ગુજરાત રાજ્યના પાસના કન્વીનરોને પણ બેઠકમાં બોલાવાયા છે. જેમાં ધાર્મિક માલવીય(દક્ષિણ ઝોન), ઉદય પટેલ, નીરવ પટેલ(મધ્ય ઝોન), મનોજ પનારા, અમીત ઠુમ્મર (સૌરાષ્ટ્ર ઝોન), સુરેશ પટેલ, હર્ષદ પટેલ(ઉત્તર ઝોન), જયેશ પટેલ(અમદાવાદ), રાજ પટેલ(પ્રાંતિજ-સાબરકાંઠા) અને જીતુભાઈ પટેલ(કચ્છ)ને બેઠકમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ મીટિંગમાં પાટીદાર સમાજની સંસ્થાઓના અગ્રણીઓ પણ હાજર રહે તેવી સંભાવના છે. પ્રથમ મીટિંગ 1 મે, 2019ના રોજ રાજકોટમાં આવેલી ખોડલધામ સંસ્થામાં બપોરે 3.00 કલાકે બોલાવાઈ છે. બીજી મીટિંગ ઊંઝાના ઉમિયાધામમાં મળશે, જેની તારીખ રાજકોટ ખાતેની બેઠકમાં જાહેર કરાશે.
હાર્દિક પટેલ જ્યારે સક્રિય રાજકારણમાં જોડાઈ ગયો છે ત્યારે આ બેઠક અત્યંત મહત્વની બની જાય છે. કેમ કે, પાટીદાર અનામત આંદોલન સમિતિનો એકમાત્ર ઉદ્દેશ્ય પાટીદારોને અનામત અપાવાનો હતો. આથી, આ બેઠકમાં રાજકીય ચર્ચા ન કરવાનું જાહેર કરાયું છે, પરંતુ હાર્દિક પટેલ અંગે પણ ચર્ચા થાય તો નવાઈ નહીં. સામાજિક નેતાગીરીના મુદ્દે જો ચર્ચા થાય તો કદાચ હાર્દિક પટેલને પાસ સમિતિમાંથી હાંકી કાઢવામાં આવે એવી પણ એક શક્યતા જણાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે