રાજકોટ શહેરમાં બન્યો ઓક્સિજન પાર્ક, જાપાની સિસ્ટમથી વાવ્યા 3000 વૃક્ષ

આ ઓક્સિજન પાર્કમાં ઔષધીવાળાં વૃક્ષ જેમ કે, હરડે, બેહડા, આંબળા, રૂખડો, ચંપાની સાત જાત, ચાર જાતના વડલા, જંગલી બદામ, ગ્લેરેસેડિયા, પીપળો વગેરેની વાવણી કરીને ઉછેરવામાં આવ્યા છે, જે ભવિષ્યમાં ઔષધી તરીકે પણ ઉપયોગી નિવડશે.

રાજકોટ શહેરમાં બન્યો ઓક્સિજન પાર્ક, જાપાની સિસ્ટમથી વાવ્યા 3000 વૃક્ષ

રક્ષિત પંડ્યા/ રાજકોટઃ ગ્લોબલ વોર્મિંગને કારણે દિવસેને દિવસે શહેરોના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં પણ પર્યાવરણના અભાવે છેલ્લા કેટલાક વર્ષોથી સરેરાશ તાપમાનમાં વધારો થયો છે. શહેરમાં આવેલી નેચર એન્ડ એડવેન્ચર ક્લબનાં ભરતભાઇ સુરેજા અને તેમની ટીમે પર્યાવરણ જાળવણીનું બીડું ઝડપી ઓક્સિજન પાર્કની સ્થાપના કરી છે. આ કલબ દ્વારા આજથી એક વર્ષ પહેલાં ઓક્સિજન પાર્કની રચના કરી જુદી-જુદી 150 જેટલી ઔષધિના 3000 જેટલા વૃક્ષોનું જતન કરી લોકોને સ્વસ્થ વાતાવરણ આપવા નવતર પ્રયોગ હાથ ધરાયો છે.
 
નેચર એન્ડ એડવેન્ચર ક્લબના પ્રમુખ ભરતભાઇ સુરેજા આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, " જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી પધ્ધતિ મુજબ રાજકોટમાં ઓક્સિજન પાર્ક રચના કરી આજે મીની જંગલ ઉભું કરવામાં આવ્યું છે.  જેમાં એક જ વિસ્તારમાં નજીક નજીક 3000થી વધુ ઝાડ હોય તે વિસ્તારની ગરમીમાં 5 થી 7 ડિગ્રી જેટલી ઘટાડો થાય છે. તેથી જાપાની સિસ્ટમ મુજબ 4 હજાર ચોરસ મીટર જમીનમાં 150 જાતના વિવિધ ઝાડ ઉગાડવા ટીમ સાથે કાર્ય શરૂ કર્યું છે."

ભરતભાઈએ વધુમાં કહ્યું કે, "આ ઓક્સિજન પાર્કમાં ઔષધીવાળાં વૃક્ષ જેમ કે, હરડે, બેહડા, આંબળા, રૂખડો, ચંપાની સાત જાત, ચાર જાતના વડલા, જંગલી બદામ, ગ્લેરેસેડિયા, પીપળો વગેરેની વાવણી કરીને માવજત કરી રહ્યાં છીએ. આ વૃક્ષો મોટાં થઈને સામાન્ય શરદી, ઉધરસ, તાવ જેવા રોગો સામે ઔષધિ રૂપે ઉપયોગી પણ બનશે. આ પાર્કની રચના થઈ ગયા પછી હવે મોટી સંખ્યામાં લોકો ચાલવા માટે આવે છે અને સ્વચ્છ હવાનો લાભ મેળવે છે."

શહેરના એક સ્થાનિક કાન્તિભાઈએ આ અંગે જણાવ્યું કે, "નેચર એન્ડ એડવેન્ચર કલબના લોકો દ્વારા સમયસર પાણી અને ખાતર આપી વૃક્ષોનો યોગ્ય રીતે ઉછેર કરવામાં આવતા આજે એક વર્ષ બાદ વૃક્ષો 8 થી 10 ફૂટ ઉંચાઈ ધરાવતા જોવા મળે છે. પશ્ચિમના દેશોમાં શુધ્ધ ઓક્સિજન લેવા માટે આર્ટિફિશિયલ ઓક્સિજન કેબ બનાવવામાં આવી છે. જ્યાં 15 મિનિટ શુધ્ધ ઓક્ષિજન લેવા માટે 350 થી 400 રૂપિયા લેવામાં આવવા છે. એવી સ્થિતી સામે રાજકોટના આ ઓક્સિજન પાર્કમાં શુધ્ધ અને ઔષધીય ગુણોથી ભરપૂર ઓક્સિજન વિના મૂલ્યે લોકોને મળી રહે તેમ છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news