રાજ્યમાં સવારે 6થી રાતના 8 કલાક સુધી 118 તાલુકામાં વરસાદ, 2 મોત
રાજ્યમાં બીજા દિવસે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જારી રહી હતી, રાજકોટના કોટડાસાંગાણી અને અમરેલીના લીલીયામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો, વીજળી પડવાના કારણે રાજકોટમાં 2નાં મોત થયા હતા
Trending Photos
ગાંધીનગર/રાજકોટઃ રાજ્યમાં બીજા દિવસે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જારી રહી હતી. સવારે 6થી રાતના 8 કલાક સુધી કુલ 118 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના 7 તાલુકામાં 2થી વધુ ઈંચ નોંધાયો છે. અમરેલી જિલ્લાના કોટડાસાંગાણી અને લીલીયામાં રાજ્યનો સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રવિવારે રાજ્યના 22 તાલુકાઓમાં એક ઈંચ કરતાં વરસાદ નોંધાયો છે.
વીજળી પડતાં 2 મોત
રાજકોટ શહેરમાં આજી ડેમ પાસે મામા-ભાણેજ પર વીજળી પડતાં મામાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. મૃતક હરેશ રાઠોડ બહેન, બનેવી અને ભાણેજ સાથે શહેરના રવિવારી બજારમાં ખરીદી કરવા ગયો હતો. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા અડબાલકા ગામે વીજળી પડતા એક યુવતીનું મોત થયું હતું. મૃતક યુવતી આદીવાસી હતી અને અડબાલકા ગામના ભરતભાઈ કાલરીયાની વાડીમાં મજુરી કામ કરવા આવી હતી.
આ ઉપરાંત, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નવા નારણકા ગામે વીજળી પડતા એક ભેંસનું અને રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે વીજળી પડતા ગાયનું મોત થયું હતું.
ક્યાં કેટલો વરસાદ
- 3 ઈંચથી વધુઃ રાજકોટના કોટડાસાંગાણી અને અમરેલીનું લીલીયા
- 2.5 ઈંચથી વધુઃ જૂનાગઢના વિસાવદર, મોરબીના ટંકારા, અમરેલીના લાઠી, બગસરા
- 2 ઈંચથી વધુઃ રાજકોટ શહેર, અમરેલી શહેર, વલ્લભીપુર, જુનાગઢના ભેસાણ અમરેલીના વાડીયા અને ભાવનગરના ઉમરાળામાં
- 1.5 ઈંચથી વધુઃ ડાંગના વઘઈ, અમરેલીના સાવરકુંડલા, ધારી, ભાવનગરના જેસ, દ્વારકા, રાજકોટના પડધરી, ભાવનગરના પાલીતાણા, ગોંડલ
- 1 ઈંચથી વધુઃ ધોરાજી, ધરમપુર, ગઢડા, કાલાવાડ, જેતપુર, વડગામ, મહુવા, બાબરા, ખાંભા, જસદણ
- અન્ય તાલુકાઓમાં અડધોથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
રાજકોટ અને કચ્છમાં કાર તણાઈ
રાજકોટના મવડી વિસ્તારના કાવેરી પાર્કમાં પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડના જવાનોએ સાથે મળી કારચાલકનો જીવ બચાવ્યો હતો, પરંતુ તેઓ કારને બચાવવામાં નિષ્ફળ નિવડ્યા હતા. ભારે વરસાદ અને પાણીના તેજ પ્રવાહમાં કાર વોકળામાં તણાઈ ગઈ હતી.
નખત્રાણા તાલુકાના આમારા અને રવાપર વચ્ચે નદીમાં ચાલુ વહેણમાં કાર નાખતા કાર અધવચ્ચે ફસાઈ ગઈ હતી. જેના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, અધવચ્ચે ફસાઈ ગયા પછી કારમાં સવાર લોકો તાત્કાલિક નીચે ઉતરીને પાછા આવી ગયા હતા. ત્યાર પછી ક્રેનની મદદથી મહામહેનતે કારને બહાર કાઢવામાં આવી હતી.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે