મંદિર દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય, ત્યાં ભગવાનના વાઘા તો સુરતથી જ જાય છે

મંદિર દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય, ત્યાં ભગવાનના વાઘા તો સુરતથી જ જાય છે
  • લંડન, કેનેડા, અમેરિકા સહિતના દેશોમાં આવેલા મંદિરોમાં ભગવાનની પ્રતિમાને જે પરિધાન પહેરાવવામાં આવે છે, તે સુરતથી જ મોકલવામાં આવે છે

ચેતન પટેલ/સુરત :સુરતની સાડીઓ અને ડ્રેસ મટીરીયલ દેશના ખૂણા ખૂણામાં જતા હોય છે અને સુરતનો કાપડ ઉદ્યોગ વિશ્વમાં ઓળખ ધરાવે છે. પરંતુ મોટેભાગના લોકોને ખબર નથી કે સુરતમાં તૈયાર થતાં ભગવાનના વસ્ત્રો પણ દેશભરમાં ફેમસ છે. દેશના પ્રમુખ મંદિરોમાં તો સુરતમાં બનતા ભગવાનના વાઘા પહોંચે છે, પરંતુ સાથે સાથે વિદેશના મોટા મંદિરોમાં પણ ભગવાનના વાઘા સુરતથી જ લઈ જવાતા હોય છે. સુરતના કાપડથી ભગવાનના પરિધાન બનાવવામાં આવે છે. લંડન, કેનેડા, અમેરિકા સહિતના દેશોમાં આવેલા મંદિરોમાં ભગવાનની પ્રતિમાને જે પરિધાન પહેરાવવામાં આવે છે, તે સુરતથી જ મોકલવામાં આવે છે.

આ પણ વાંચો : કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું, રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી 3 દિવસ માટે બંધ

શિરડીના સાંઇબાબા, તિરૂપતિ બાલાજી, પંજાબના ગુરુદ્વારા, વૃંદાવન દેશના તમામ સ્વામિનારાયણ મંદિર અને વૈષ્ણોદેવી માતાને જે પણ પરિધાન અર્પણ કરવામાં આવતું હોય છે તે સુરતથી જાય છે. ધીમે ધીમે સુરત ધાર્મિક કાપડ બનાવવાનું એક હબ બની રહ્યું છે. સુરતના રીંગરોડ કાપડ માર્કેટમાં અનેક દુકાનોએ હવે ધાર્મિક આયોજનો અને ભગવાનના પરિધાનો રાખવાની શરૂઆત કરી દીધી છે. સુરતમાં વર્ષોથી ધાર્મિક પરિધાનોનો વેપાર કરનાર હરેશ લાલવાણીએ જણાવે છે કે, દેશભરના મોટા મંદિરો ઉપરાંત વિદેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, ગુરુદ્વારા તેમજ અન્ય ધાર્મિક સ્થળો પર તેમના ત્યાંથી કાપડ જતું હોય છે. વિદેશમાં રહેતા લોકોને આ કાપડ સસ્તું મળી જતું હોય છે. જેની કિંમત 100 રૂપિયાથી લઇ 300 રૂપિયા મીટર સુધીની હોય છે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બાદ હવે નીતિન પટેલ પણ પેજ પ્રમુખ બન્યા

તેઓએ વધુમાં જણાવ્યું કે, હાલ શિયાળાની સીઝનમાં માર્બલ કાપડના પરિધાન ભગવાન માટે ડિમાન્ડમાં હોય છે. અહીં દરેક પ્રકારના જરી અને એમ્બ્રોઇડરી કરાયેલા પરિધાનો વિદેશમાં મોકલવામાં આવતા હોય છે. ખાસ કરીને કેનેડા, અમેરિકા અને યુ.કે.માં રહેતા ભારતીય મૂળના લોકો આપણા પરિધાન મંગાવે છે. અનેક સ્થળે રો મટીરિયલ મોકલવામાં આવે છે. જ્યાં સ્થાનિક કારીગરો જરદોશની કારીગરી કાપડ પર કરે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news